ગુજરાતનો જલિયાંવાલા કાંડ -પ્રફુલ શાહ
(૩૭)
મોતીલાલ તેજાવતના અદ્ભુત વ્યક્તિત્વનો પ્રભાવ કહો, એકી આંદોલનનો પ્રચંડ પ્રભાવ કહો કે અંગ્રેજો. રજવાડાની માનસિક ભીરૂતા, દઢવાવ હત્યાકાંડ બાદ પણ તેમનામાં માનવતા, વ્યવહાર, દક્ષતા કે સારા-સરસાની સમાજની કૂપળ ફૂંટી નહોતી. કદાચ એમને મન ભારતીયો અને એમાંય આદિવાસી, ભીલ અને ગરાસિયાઓના જીવની જરાય ચિંતા નહોતી.
એટલે તો ક્રૂર, અક્કલહિન અને પથ્થરદિલ અંગ્રેજોએ સિરોહી પર સર્જીકલ સ્ટ્રાઇક માટે જુદી જુદી ટીમ બનાવી. લેફટનન્ટ બેઝલગેટ, મેજર પ્રીચર્ડ, મેજર વૉકર જેવા અંગ્રેજો ઉપરાંત સુખદેવ સિદ્ધનાથ અને જમાદાર હીરા જેવી દેશી પગારદારની આગેવાનીમાં ટુકડીઓ વસા થઇને વાલોરિયા જવા માટે રવાના કરાઇ. આ લોકોના વ્યૂહ મુજબ સૌપ્રથમ પાંચમી મેએ વાલોરિયા પર ત્રાટકવાનું હતું. પછી છઠીએ ભૂલામાં અને અંતે સાતમીએ નવાવાસાનો વારો.
પાંચમી મે, ૧૯૨૨ના રોજ સવારે ૫.૩૦ વાગે નીકળેલી ટુકડી વસા ગામથી ૬૦૦ ફૂટ એટલે કે ૩૦૦ ગજના અંતરે હતી. ત્યાંથી જ પહાડની ટોચ પર ગોળી છોડાઇ. એમનું પ્રથમ ટારગેટ વાલોરિયા માંડ બે માઇલ દૂર હતું. ત્યાંના રસ્તા અને પહાડની ટોચ પર પણ ભીલો જમા થયા હતા. સૌપ્રથમ પહાડી વિસ્તારન ખાલી કરાવવાની નેમ સાથે લેફટનન્ટ બેઝલગેટની આગેવાની હેઠળની મેવાડ ભીલ કોર્પ્સની એક ટુકડી અને મેજર વૉકરના સુકાનીપદ હેઠળની બે પ્લાટુન આગળ વધતી ગઇ.
આગેકૂચ વખતે ધ્યાનમાં આવ્યું કે ડાબી બાજુ ભીલો મોટા પ્રમાણમાં ભેગા થયા છે.
આ પ્રચંડ ભીડને સમજાવવા કે શાંત પાડવાના પ્રયાસને કરવાને બદલે બ્રિટિશરોએ ઊલટી જ પદ્ધતિ અપનાવી. મેજર વૉકર અને સિરોહી રાજયની સેનાએ આગળ વધતી વખતે એમના પર ગોળીઓ છોડી.
પરંતુ ભીલોય એમ ગોળીથી ડરવાના મૂડમાં નહોતા. એ અસ્તિત્વની લડાઇ હતી, ન્યાય અને સમાનતા માટેનો જંગ હતો. ગામ નજીક આવવા માંડયું એમ ભીલોએ જોશભેર અંગ્રેજોએ રજવાડાની સેનાને દોઢ-બે માઇલ પાછળ ધકેલી દીધી. કેવી ગજબનાક હિમ્મત અને મનમાં આગ હશે કે વિશાળ સશસ્ત્ર સેનાથી જરાય ડર્યા વગર હિમ્મત કરી.
વાલોરિયામાં જંગ શરૂ થઇ ગયો. ત્યાં અઢી-ત્રણ હજાર ભીલો હતા. અંગ્રેજોએ ગામની સીમાને સીલ કરી દીધી કે જેથી બહારથી મદદ ન આવી શકે. લગભગ સવા-બેથી અઢી કલાક સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું. અમુક ભીલોએ તો લશ્કરને આવતા જોઇને પર્વતોમાં સંતાઇને જીવ બચાવી લીધો. અંગ્રેજોની કબૂલાત મુજબ વાલોરિયામાં ૧૧ ભીલો માર્યા ગયા. અંગ્રેજો-રજવાડાની સેનાને માનવજીવ આંચકીને ધરવ ન થયો. તેમણે વાલોરિયા ગામને બાળી નાખ્યું.
વાલોરિયા (ક્યાંક એનો ઉલ્લેખ ‘બલોલિયા’તરીકે ય મળે છે) માં એક-એક ઘરને આગ ચાંપવામાં આવી. આમા અનાજ અને ઘાસ ઉપરાંત અબોલ પાલતુ પ્રાણીઓ પણ રાખ થઇ ગયા. આવી પાશવતા જોઇને ઘણાં ડરીને પર્વતોમાં ભાગી ગયા કારણકે નહીંતર આ ગામની છ હજારની વસતિમાં ન જાણે કેટલાંય નિર્દોષો માર્યા ગયા હોત.
એક અહેવાલ મુજબ વાલોરિયામાં સૈનિક કાર્યવાહી પાછળનું મુખ્ય ભેજુ મેજર પ્રીચાર્ડનું હતું. જે કોઇ જીવતા મળે એેને એક જ ધાકધમકી અપાતી કે એકી આંદોલન માટે લીધેલા શપથ તોડી નાખો નહીંતર આવી બનશે.
આ પાશવીલીલા આચર્યા બાદ આ નિર્મમ સેનાના આકાઓએ નવાવાસા અને ભૂલા ગામને પત્ર પર શું ચેતવણી પાઠવી કે હજીય માની જાઓ… નહીંતર તમારા ગામેય બાળીને રાખ કરી નાખીશું. બંદૂકના નાળચા પર મુશ્તાક કમઅક્કલોને ખાતરી હતી કે બન્ને ગામવાળા ઘૂંટણીયેથી દોડી આવીને કાકલુદી કરશે, પણ એવું ન જ થયું.
છઠ્ઠી મેના રોજ કિલર સેના ભૂલા તરફ માટે રવાના થઇ. આ ગામમાં બસો જેટલા ભીલો જ હતા. એટલા વાલોરિયાના પ્રમાણમાં સાધારણ લડાઇ થઇ. આમાંય અમુક નિર્દોષો માર્યા ગયા. પોતાના મદમાં મસ્ત લેફટનન્ટ બેઝલગેટે નિ:શસ્ત્ર ભીલોન આદેશ આપ્યો કે જાઓ પર્વત તરફ ભાગી જાઓ.
એમને ભાગતા જોઇને એ અટ્ટબહાસ્ય કરતો રહ્યો અને એના જવાનો આદેશની રાહ જોતા રહ્યાં, પરંતુ થોડા સમય બાદ મોટા ભાગના ભીલ બંદૂકની ગોળીની રેન્જમાંથી બહાર નીકળી ગયા. હવે ગુસ્સો કાઢવો કયાં? ફરી ગામના ઘરોને આગ ચાંપવાની શરૂઆત થઇ.
એ જ સાંજે અંગ્રેજ હાકેમોની ટુકડીઓ ભૂલાથી નીકળીને નવાવાસા તરફ રવાના થઇ. ત્યાં પણ ભીલો માર્યા ગયા. અને ઘરોની હોળી કરાઇ. અહીંથી તરત નીકળીને રોહેરા પહોંચી ગયા.
પાંચ અને છ મેના રોજ થયેલા દમનની વિગતો જાણીએ તો આઘાત લાગે. સરકારી આંકડા મુજબ ૨૪ ભીલ માર્યા ગયા હતા. વાલોરિયા, ભૂલા અને નવાવાસાની હાલત સ્મશાનથી બદતર થઇ ગઇ હતી.
આ સર્વનાશનો સાક્ષાત્કાર કરાવવા માટે મેવાડ ભીલ કોર્પ્સે ૪૩૦
રાઉન્ડ છોડ્યા, તો રજવાડાના દળોએ ૧૫૨૨ રાઉન્ડ. આ તો થઇ પાંચમી મેની સંખ્યા. છઠ્ઠી મેએ મેવાડ ભીલ કોર્પ્સે ૧૩૫ રાઉન્ડ, તો રજવાડા દળોએ ત્રણ રાઉન્ડ છોડયા.
આમાંય બ્રિટિશ અમલદારોએ
ડંફાશ મારી કે રજવાડા દળો દ્વારા
છોડાયેલી ગોળીની સંખ્યા સાચી નથી,
શ્રેષ્ઠ કામગીરી તો મેવાડ ભીલ કોર્પ્સે બજાવી હતી.
આ વખતે અત્યાચારીઓ ભલે વધુ ગેલમાં આવી ગયા, પરંતુ તેઓ જાણતા નહોતા કે તેમની વિરુદ્ધ વ્યવસ્થિત રજૂઆત કરીને વિરોધ નોંધાવાનો હતો.(ક્રમશ:)