Homeઆપણું ગુજરાતકચ્છના પશુપાલકો તેમનાં હજારો પશુઓ સાથે હિજરત કરી છેક રાજકોટ પહોંચ્યા

કચ્છના પશુપાલકો તેમનાં હજારો પશુઓ સાથે હિજરત કરી છેક રાજકોટ પહોંચ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: અંગ દઝાડતા કાળઝાળ ઉનાળાની શરૂઆત સાથે રણપ્રદેશ કચ્છમાં પીવાના પાણી અને ઘાસચારાની તીવ્ર તંગી ઊભી થવાથી પશુપાલકોની હાલત દિન પ્રતિ દિન કફોડી બની રહી છે.
છેવાડાના સૂકા મુલક તરીકે ઓળખાતા રાપર તાલુકાના આડેસર, ભાતીગળ બની પ્રદેશના લોકો પીવાના પાણી માટે હાલ વલખા મારી રહ્યા છે. દર વર્ષે ઉનાળાની શરૂઆત સાથે પીવા માટે ચોખ્ખુ પાણી તેમજ પશુઓ માટે ઘાસચારો ન મળતા બની પંથકના નાના સરાડા સહિત અનેક ગામોના માલધારીઓ તેમના હજારો પશુઓ અને સરસામાન સાથે છેક રાજકોટ અને રતનપર તરફ હિજરત શરૂ કરી દીધી છે. નાના આડેસરા ગામમાં ૨૫૦ જેટલા ઘરો છે, જેમાં ૧૬૦૦ જેટલી વસ્તી અને ૧૬૦૦૦ જેટલું પશુધન છે. ગામનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે. ચોમાસાને આડે હજુ બે ત્રણ મહિનાનો સમય બાકી છે.કપરો ઉનાળો હજુ કાઢવાનો બાકી છે તેવામાં કચ્છના આ સીમાવર્તી ગામોમાં અત્યારથી જ ઘાસ અને પાણીની વિકરાળ સમસ્યા ઊભી થતાં માલધારી પરિવારો ચિંતિત બન્યા છે.
દર વર્ષે કાળઝાળ ગરમીની શરૂઆત થાય ત્યારે માલધારીઓ પોતાના પશુઓ-ઘરવખરી લઈને નીકળી પડે છે અને એક મહિના જેટલો સમય ભારે વાહનોથી સતત ધમધમતા ધોરીમાર્ગો પર જાનના જોખમે હજારો પશુઓ સાથે પગપાળા ચાલીને છેક રાજકોટ અને તેની આસપાસના વિસ્તારોમાં પહોંચી પશુઓના પેટની આગ ઠારવા રઝળપાટ આગળ વધારે છે. તેમની હિજરત દરમ્યાન અસહ્ય ગરમી લાગવાથી થોડા-ગણા ભૂખ્યા-તરસ્યા પશુઓના મોતનો આઘાત પણ મૂંગે મોઢે માલધારીઓને સહન કરવો પડે છે. હાલ રાજકોટના જામનગર માર્ગ પરના એક ખાલી પ્લોટમાં છેક કચ્છથી શરૂ કરેલી કપરી યાત્રા પૂર્ણ કરી આવેલા આ માલધારીઓ સ્થાનિક સેવાભાવી સંસ્થાઓ અને રાજ્યની ડબલ એન્જિન સરકાર પાસે સૌરાષ્ટ્ર-કચ્છના દુર્ગમ વિસ્તારોમાં ઘાસચારો અને પાણીની કાયમી વ્યવસ્થા ઊભી કરવા માટે અશ્રુભીની આંખે માગ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -