Homeએકસ્ટ્રા અફેરકેનેડામાં ખાલિસ્તાનવાદીઓનો કેર, દુશ્મનને ઊગતો ડામવો સારો

કેનેડામાં ખાલિસ્તાનવાદીઓનો કેર, દુશ્મનને ઊગતો ડામવો સારો

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ખાલિસ્તાનવાદીઓ ફરી માથું ઊંચકી રહ્યા છે એવા અણસાર લાંબા સમયથી મળી રહ્યા છે. ભારતમાં પણ એ પ્રકારની ઘટનાઓ બની છે કે જેના કારણે ખાલિસ્તાનની ચળવળને ફરી વગ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય એવું લાગે જ પણ વિદેશોમાં પણ એવી હરકતો થઈ જ રહી છે. આવી જ એક હરકતમાં કેનેડામાં ખાલિસ્તાન સમર્થકોએ ભારત વિરોધી સૂત્રોચ્ચાર કર્યા ને ભારતના રાષ્ટ્રધ્વજનું અપમાન પણ કર્યું.
કેનેડાના બ્રેમ્પટન શહેરમાં કેટલાક લોકો બંદી છોડ દિવસની રાત્રે હાથમાં ખાલિસ્તાની ઝંડા લઈને પહોંચ્યા હતા. ભારત વિવિધતાનો દેશ છે તેથી એક જ તહેવાર સાથે ઘણી બધી બાબતો સંકળાયેલી હોય છે. દિવાળીના તહેવાર સાથે પણ ઘણું બધું જોડાયેલું છે ને તેમાં એક બંદી છોડ દિવસની ઉજવણી છે. બંદી છોડ દિવસ શીખ પરંપરામાં આગવું સ્થાન ધરાવે છે. શીખોના ગુરુ હરગોવિંદને મોગલ બાદશાહ જહાંગીરે કેદ કરી લીધા હતા.
હરગોવિંદ પોતાની માન્યતાઓ પર અડગ રહેતાં છેવટે જહાંગીરે ગુરુ હરગોવિંદને છોડવા પડ્યા હતા. ગુરૂ હરગોવિંદની મુક્તિ દિવાળીના દિવસે થઈ હતી તેથી દુનિયાભરના શીખો દિવાળીએ ગુરુ હરગોવિંદની મુક્તિની યાદમાં બેદી છોડ દિવસ મનાવે છે, તેની જોરશોરથી ઉજવણી કરે છે.
આ વખતે દિવાળીએ પણ દુનિયાભરના શીખોએ તેની ઉજવણી કરી પણ કેનેડામાં બંદી છોડ દિવસની ઉજવણીના બહાને ખાલિસ્તાનવાદીઓએ ભારત વિરોધી સૂત્રોચ્ચાર શરૂ કર્યા. આ વિસ્તારમાં રહેતા ભારતીયોને જાણ થઈ તો તેઓ પણ કારમાં તિરંગા સાથે પહોંચી જતાં ખાલિસ્તાનના સમર્થકોએ તિરંગો આંચકી લઈને પગ તળે કચડીને તેનું અપમાન કરી નાંખ્યું.
ખાલિસ્તાની સમર્થકો કારમાં તિરંગા ઝંડા લઈને આવેલા લોકોને જોઈને ગુસ્સે થઈ ગયા હતા. તેમણે આ કારોને રોકીને પૂરજોશમાં ખાલિસ્તાન તરફી સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. કારમાં બેઠેલા લોકોએ પણ સામે ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ’ના સૂત્રોચ્ચાર કરતાં ખાલિસ્તાનવાદીઓ ઉશ્કેરાઈ ગયા. ખાલિસ્તાનીઓએ કારમાં બેઠેલા ભારતીયોના હાથમાંથી રાષ્ટ્રધ્વજ છીનવી લીધો અને તેને જમીન પર ફેંકી દીધો હતો. તિરંગાને પગ તળે કચડીને તેનું અપમાન કર્યું હતું.
આ ઘટનાના કારણે કેનેડામાં રહેતા ભારતીયોમાં ભારે રોષ છે અને ભારતીયોએ ફરિયાદ પણ કરી છે પણ કેનેડામાં સરકાર ખાલિસ્તાનવાદીઓ તરફ કૂણું વલણ ધરાવે છે તેથી કોઈ પગલાં ભરે એવી શક્યતા ઓછી છે. આ પહેલાં કેનેડામાં સ્વામિનારાયણ મંદિરની દીવાલ પર પણ ખાલિસ્તાન ઝિંદાબાદ અને હિંદુસ્તાન મુર્દાબાદનાં સૂત્રો લખાયાં હતાં. એ વખતે પણ ફરિયાદ નોંધાઈ હતી પણ કેનેડામાં પોલીસે કશું કર્યું નથી. આ ઘટનામાં પણ કશું થાય એવી શક્યતા ઓછી છે પણ ભારત માટે આ ઘટના ગંભીર છે કેમ કે આ પ્રકારની ઘટનાઓનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે.
‘ખાલિસ્તાન’ની ચળવળ ભારતની એકતા અને અખંડિતતા માટે ખતરો ઊભા કરનારી છે એ રીતે પણ આ ઘટનાઓ ગંબીર છે. ‘ખાલિસ્તાન’ની એટલે શીખો માટેનું અલગ રાષ્ટ્ર અને તેની માગણી આઝાદી પહેલાંથી જ શરૂ થઈ ગયેલી. શીખો ભારતમાં સૌથી રાષ્ટ્રવાદી અને દેશપ્રેમી લોકો ગણાય છે પણ શીખોમાં એક વર્ગને ‘ખાલિસ્તાન’ જોઈએ છે. આઝાદી પહેલાં મુસ્લિમો વતી મુસ્લિમ લીગે અલગ પાકિસ્તાનની માગ કરી તેમાંથી પ્રેરણા લઈને કેટલાક શીખોએ પોતાના માટે અલગ દેશનો ઝંડો ઉઠાવ્યો હતો.
મુસ્લિમ લીગે અલગ પાકિસ્તાનની માંગ કરી તેનાં થોડાંક વરસો પછી આ માંગ ઉઠેલી. ૧૯૪૦માં ડૉ. વીરસિંહ ભટ્ટી નામના શીખ નેતાએ ખાલિસ્તાનનો વિચાર વહેતો મૂક્યો હતો. ઘણા શીખોને એ વિચાર ગમી ગયો તેથી ખાલિસ્તાનનું લઠ્ઠુ ઘૂસી ગયું. અંગ્રેજોએ અલગ પાકિસ્તાનના વિચારને પોશ્યો અને અંતે મુસ્લિમોને ધર્મના આધારે અલગ રાષ્ટ્ર મળ્યું એ રીતે શીખોને પણ અલગ રાષ્ટ્ર મળી શકે છે એવો વહેમ કેટલાક શીખોના મનમા હતો તેના કારણે ખાલિસ્તાનની ચળવળે જોર પકડેલું.
ભારતમાં ખાલિસ્તાનની ચળવળનું એક આખું પ્રકરણ છે ને તેની વાત માંડી શકાય તેમ નથી. ભારતમાં આ ચળવળ લગભગ મરી પરવારેલી છે. કેટલાક લોકો તેને ફરી જીવંત કરવા પ્રયત્ન કરે છે પણ સફળ થતા નથી પણ કેનેડા હજુ પણ ખાલિસ્તાનવાદીઓનો અડ્ડો છે.
કેનેડા સરકારે છેક ૨૦૧૮માં કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદ ફરી માથું ઊંચકી રહ્યો હોવાનો ભય વ્યક્ત કર્યો હતો. કેનેડાની નેશનલ સિક્યુરિટી અને ઈન્ટેલિજન્સ સંસદીય સમિતિએ કેનેડામાં જાહેર સલામતી (પબ્લિક સેફ્ટી) અંતર્ગત ૨૦૧૮માં કેનેડામાં આતંકવાદના ખતરા એટલે કે ટેરરિઝમ થ્રેટ અંગેનો રિપોર્ટ બહાર પાડ્યો હતો. આ રિપોર્ટમાં દાવો કરાયો હતો કે, કેનેડામાં કેનેડાસ્થિત ખાલિસ્તાની અલગતાવાદીઓ દ્વારા પણ જોખમ છે. કેનેડાને કટ્ટરવાદી ઈસ્લામિક આતંકવાદીઓ તરફથી જેટલો ખતરો છે એટલો જ ખતરો ભારતમાંથી પંજાબ સહિતના વિસ્તારોને આવરી લઈને અલગ ખાલિસ્તાન રાષ્ટ્રની માગણી કરતા ખાલિસ્તાનવાદી આતંકવાદીઓનું જોખમ પણ છે.
કેનેડામાં ખાલિસ્તાનવાદીઓના ટેરર કેમ્પ ચાલતા હોવાનો ભાંડો ફૂટ્યો હતો. કેનેડાના બ્રિટિશ કોલમ્પિયા ખાતે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇએસઆઈની મદદથી જ હરદીપસિંહ નિજ્જર નામનો ખાલિસ્તાનવાદી આતંકી કેમ્પો ચલાવી રહ્યો હતો. આ ઘટનાથી કેનેડા પણ ચોંકી ગયું કેમ કે તેની ધરતીનો ઉપયોગ ખાલિસ્તાનના સમર્થકો ખાલિસ્તાની આંદોલનને ફરી સક્રિય કરવા માટે કરી રહ્યા હતા.
કેનેડાના રિપોર્ટમાં કહેવાયું હતું કે, કેનેડા ઉપરાંત બ્રિટન, પાકિસ્તાન અને અમેરિકામાં ખાલિસ્તાન સમર્થકોનું પ્રમાણ અને જોર નોંધપાત્ર છે. કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદ સાથે સંકળાયેલાં સંગઠનો બબ્બર ખાલસા ઈન્ટરનેશલ અને ઈન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન પર પ્રતિબંધ છે પણ અંદરખાને આ સંગઠનો સક્રિય છે તેનો આ પુરાવો હતો. કેટલાક કેનેડિયન નાગરિકો હજુ પણ ખાલિસ્તાની વિચારધારા અને આતંકવાદી ચળવળને સમર્થન આપે છે અને નાણાકીય મદદ પણ કરી રહ્યા છે એ પણ સ્પષ્ટ થતું હતું.
છેલ્લા થોડાક મહિનાઓથી બની રહેલી ઘટનાઓ એ વાતનો પુરાવો છે કે તેમની હિંમત વધી રહી છે. કેનેડા, બ્રિટન અને અમેરિકામાં રહેતા શીખો ધનિક છે. તેમના તરફથી આર્થિક મદદ મળે તો ખાલિસ્તાનવાદીઓ બેફામ બને એ જોતાં ભારતે આ ઘટનાઓને ગંભીરતાથી લેવાની જરૂર છે. ખાલિસ્તાની અલગતાવાદીઓના કારણે ભારતે ઘણું નુકસાન વેઠ્યું છે અને વધારે નુકસાન પરવડે તેમ નથી એ જોતાં દુશ્મનને ઊગતો જ ડામી જેવો જોઈએ.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -