આનંદનો માહોલ માતમમાં ક્યારે ફેલાઈ જાય તે સમજી શકાતું નથી. ભાણેજની જાનમાં નાચતા નાચતા છેક યુવતીના આંગણા સુધી પહોંચી ગયેલા માસીને ખબર ન હતી કે આ તેમના જીવનની અંતિમ ક્ષણ બની જશે. વડોદરાના વાઘોડિયામાં એક આવી જ ઘટના બની જેમાં ભાણેજની કારની નીચે આવી જ માસીનું મૃત્યુ થયું.
અહીં લગ્ન લેવાયા હતા અને જાન બાજુના ઘન્યાવી ગામથી આવી હતી. જાન લઈને આવેલા જાનૈયા છોકરીવાળાના ઘર પાસે પહોંચતા વધારે ઉત્સાહથી ડીજેના તાલે નાચી રહ્યા હતા. આ સમય દરમિયાન જ વરરાજા જે કારમાં બેઠા હતા તે કારડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતા કાર જાનૈયાઓને જ હડફેટે લેતી ગઈ અને લગભગ 16થી 17 જણાને ઈજા પહોંચાડતી સીધી વરરાજાના માસી ચંપાબેનને માથાના ભાગે કચડતી ગઈ. ચંપાબેનનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું અને ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
ચંપાબેનના પુત્રએ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.