‘જુડવા’, ‘બંધન’ અને ‘ઘર વાલી બહાર વાલી’ જેવી ફિલ્મોમાં પોતાના દેખાવ અને અભિનયથી દર્શકોના દિલો પર રાજ કરનાર અભિનેત્રી રંભાએ વર્ષો પહેલા આ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું હતું. આજે પણ તેના ચાહકો તેને ફિલ્મી પડદે મિસ કરે છે. પરંતુ હાલમાં આ અભિનેત્રી વિશે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. રંભાની કારને કેનેડામાં અકસ્માત થયો હતો.
અકસ્માત સમયે કારમાં તેની સાથે બાળકો અને આયા પણ હતા. જોકે આ અકસ્માતમાં તમામને નાની-મોટી ઈજાઓ થઈ છે, પરંતુ તેમની પુત્રી સાશા હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે.
રંભાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હોસ્પિટલમાંથી તેની પુત્રીની તસવીર શેર કરી છે. આ ફોટામાં ડોક્ટરોની ટીમ સાશાની સારવાર કરતી જોવા મળી રહી છે. ફોટો શેર કરવાની સાથે રંભાએ લખ્યું છે કે, ‘બાળકોને શાળામાંથી લાવ્યા પછી, અમારી કારને ચાર રસ્તા પર બીજી કારે ટક્કર મારી હતી! કારમાં બાળકો સાથે હું અને આયા હતા. અમે બધા સુરક્ષિત છીએ. નાની-મોટી ઈજાઓ થઈ છે. મારી નાની શાશા હજી હોસ્પિટલમાં છે. કૃપા કરીને અમારા માટે પ્રાર્થના કરો. જોકે, રાહતની વાત એ છે કે કારમાં બેઠેલા બાકીના લોકોને સામાન્ય ઈજા થઈ છે.
રંભાએ હિન્દી ઉપરાંત તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ, બંગાળી, ભોજપુરી અને અંગ્રેજી ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેત્રીએ તેની અભિનય કારકિર્દી મલયાલમ ફિલ્મ ‘સરગમ’ (1992) થી શરૂ કરી હતી.
રંભાએ 1995માં ફિલ્મ ‘જલ્લાદ’થી બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી તે ‘જંગ’, ‘કહાર’, ‘જુડવા’, ‘બંધન’ અને ‘જાની દુશ્મન’ જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળી. તેણે અક્ષય કુમાર, સલમાન ખાન જેવા મોટા સ્ટાર્સ સાથે સ્ક્રીન શેર કરી છે. તેમની છેલ્લી હિન્દી ફિલ્મ ‘દુકાન’ હતી, જે વર્ષ 2004માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ પછી રંભાએ ગ્લેમર ઈન્ડસ્ટ્રીથી દૂરી બનાવી લીધી. વર્ષ 2010 માં, રંભાએ કેનેડા સ્થિત શ્રીલંકાના તમિલ ઉદ્યોગપતિ ઇન્દ્રકુમાર સાથે લગ્ન કર્યા હતા. તેને બે પુત્રી અને એક પુત્ર છે.