મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાંથી ગમખ્વાર અકસ્માતના સમાચાર છે. સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર કારનું ટાયર ફાટતાં તેમાં સવાર છ લોકો કાળનો કોળિયો બની ગયા હતાં.
પોલીસ અધિકારીઓના જણાવ્યા મિજબ શિવની પીસા ગામ પાસે સવારે આઠ વાગે આ અકસ્માત થયો હતો. કાર ઔરંગાબાદથી શેગાંવ તરફ પૂરપાટ વેગે જઇ રહી હતી ત્યારે કારનું ટાયર જોરદાર ધડાકા સાથે ફાટ્યું હતું. ટાયર ફાટવાનો અવાજ એટલો જોરદાર હતો કે આસપાસના લોકો ચોંકી ઉઠ્યા હતા. જ્યારે તેઓ દોડીને સ્થળ પર પહોંચ્યા તો જોયું કે કારનો અકસ્માત થયો છે.
પોલીસે કારમાં મુસાફરી કરી રહેલા લોકોની ઓળખ કરી લીધી છે અને તેમના સગાસંબંધીઓને ફોન મારફતે જાણ કરી દીધી છે. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે, જ્યાર બાદ તેને સંબંધીઓને સોંપવામાં આવશે.
પ્રાથમિક દ્દષ્ટિએ અકસ્માતનું કારણ ટાયર ફાટવાનું જ જણાય છે, પરંતુ પોલીસ વિવિધ એંગલથી તપાસ કરી રહી છે. ઘટનાસ્થળે હાજર લોકો સાથે વાત કરીને પણ અકસ્માતનું કારણ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.