નવી દિલ્હીઃ દેશમાં કેન્દ્ર સરકાર કેન્દ્રીય તપાસ એજન્સીનો દુરુપપોગ કરી રહી હોવાનો વિપક્ષોએ આરોપ મૂક્યા પછી વિપક્ષો દ્વારા કેન્દ્રીય તપાસ એજન્સી ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) અને સીબીઆઈની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેમની સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી. આ કેસમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે નેતાઓ માટે અલગ નિયમો બનાવી શકીએ નહીં, તેથી ઈડી અને સીબીઆઈની વિરુદ્ધની અરજીને વિપક્ષે પાછી લેવી પડી હતી.
14 વિપક્ષ પાર્ટીએ સાથે મળીને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેમાં કેન્દ્ર સરકાર પર આરોપ મૂકતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર તપાસ એજન્સીનો ઉપયોગ કરીને વિપક્ષના નેતાઓને ટાર્ગેટ બનાવી રહી છે. આ કામગીરીને તાત્કાલિક રોકવાનો અનુરોધ કર્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે આ અરજીની સુનાવણીમાં રોક મૂક્યો હતો, ત્યારબાદ આ અરજીને વિપક્ષે પરત લેવાની નોબત આવી છે.
દેશમાં નેતાઓ માટે કોઈ અલગ નિયમો હોઈ શકે નહીં, તેથી આ મુદ્દે કોઈ સુનાવણી શક્ય નથી, એવું સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું. આ મુદ્દે વિપક્ષવતીથી અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે આંકડાઓ બતાવે છે કે 885 પ્રોસિક્યુશન ફરિયાદ કરવામાં આવી હતી, જેમાંથી માત્ર 23 જણને દોષી ઠેરવવામાં આવ્યા હતા. 2004થી 2014 સુધીમાં લગભગ અડધોઅડધ જેટલી તપાસ કરવામાં આવી નથી. 2014થી 2022 સુધીમાં ઈડી માટે 121 રાજકીય નેતાની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 95 ટકા વિપક્ષના નેતા છે.
આ મુદ્દે ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચુડે કહ્યું હતું કે આ એક અથવા બે પીડિત વ્યક્તિની દલીલ નથી. આ 14 રાજકીય પક્ષની દલીલ છે. શું આપણે અમુક ડેટાના આધારે કહી શકીએ કે સ્ક્રુટિનીમાં છૂટ મળવી જોઈએ. તમારા આંકડા તમારી જગ્યાએ સાચા છે, પરંતુ શું રાજનેતાઓ પાસે તપાસથી બચવા માટે કોઈ વિશેષાધિકાર છે. આખરે રાજનેતાઓ પણ દેશના નાગરિક છે. કોર્ટે પૂછ્યું હતું કે સાત વર્ષ સુધીની સજાના કિસ્સામાં જો શરતોનો ભંગ થઈ ના રહ્યો હોય તો ધરપકડ થાય નહીં.
સામાન્ય કિસ્સામાં જો રેપ અથવા ચાઈલ્ડ એબ્યુઝનો કેસ ન હોય તો ધરપકડ થઈ શકે નહીં. રાજકીય નેતાઓ માટે અમે કોઈ અલગ નિયમો બનાવી શકીએ નહીં. સુપ્રીમ કોર્ટે આ દલીલ કર્યા પછી વિપક્ષે પોતાની અરજી પાછી લીધી હતી. અહીં એ જણાવવાનું કે 24મી માર્ચે 14 વિપક્ષ દળોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. 14 પક્ષ (કોંગ્રેસ, તૃણમુલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ઝારખંડ મુક્તિ મોરચા, જનતા દળ યુનાઈટેડ, ભારત રાષ્ટ્ર સમિતિ, રાષ્ટ્રીય જનતા દળ, સમાજવાદી પાર્ટી, શિવસેના (ઉદ્ધવ), નેશનલ કોન્ફરન્સ, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી, સમાજવાદી પાર્ટી, સીપીએમ અને ડીએમકે)વતીથી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.