ગુજરાતમાં તલાટીની પરીક્ષામાં ઉમેદવાર પાસેથી પરીક્ષા પહેલાં તેના અંગૂઠાના નિશાન અને સહી લેવામાં આવશે. જાહેર પરીક્ષાઓમાં થતી ગેરરીતિ રોકવા માટે તલાટીની પરીક્ષામાં અંગૂઠાનું નિશાન લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું અને તાજેતરમાં બહાર આવેલા ડમી ઉમેદવાર કૌભાંડને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું પંચાયત પસંદગી સેવા મંડળના વડા હસમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું હતું. હસમુખ પટેલે વધુમાં જણાવ્યુ હતુ કે, તલાટીની પરીક્ષામાં પ્રશ્નપત્ર પરીક્ષા શરૂ થવાના સમયે જ એટલે કે 12.30 વાગ્યે જ આપવામાં આવશે. અગાઉ ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્રોમાં તેમને પેપર વહેલું આપવા રજૂઆત કરી હતી. જેને પગલે આ સ્પષ્ટતા કરી છે.