કેતકી જાની
સવાલ: મારી ત્રીસ વર્ષની દીકરીને કૅન્સરનું નિદાન થયું છે. કેમોથેરપી આવતા જ અઠવાડિયાથી શરૂ થશે. તે સાસરે છે અને ત્યાંથી જ ઈલાજ ચાલે છે, તેથી જ્યારે ડૉક્ટર પાસે જઈએ જમાઈ તેમજ તેના સાસુને બીજા સંબંધી પણ હોય તેથી સંકોચવશ ડૉક્ટરને પૂછવું શક્ય નથી બનતું કે, કૅન્સરના ઉપચાર પછી મારી દીકરી સેક્સલાઈફ ઍન્જોય કરી શકશે? ત્રણ-ચાર વર્ષ ચાલનાર આ કેમોથેરેપી દરમિયાન સેક્સ કરી શકાય? તેને હજી સંતાન નથી, શું આ દરમિયાન તે પ્રેગ્નન્ટ રહે તો કોઈ વાંધો ખરો. મને ખૂબ ચિંતા થાય છે તેના ભવિષ્યની, હું શું કરું તે નથી સમજાતું, પછી વિચાર્યું કે અહીં જ પૂછું જેેથી બીજા કોઈને પણ આ વિશે જાણકારી મળે.
જવાબ: બહેન, સૌ પ્રથમ તો એક વાત ગાંઠે બાંધી લો કે આ મામલામાં ઉતાવળા સૌ બહાવરા, ધીરા વીર ગંભીર, જેવી ભૂમિકા ખરેખર તમારે હિસ્સે આવી છે અને તમે જ આમ ચિંતાતુર થઈ જશો તો કેમ ચાલશે? દીકરીને કયા ભાગનું કૅન્સર ડિટેક્ટ થયું છે તે મુખ્ય વાત આપે અહીં જણાવી નથી, તેથી અહીં મેં જણાવેલ જવાબ શક્ય છે કે દીકરી માટે સો ટકા લાગુ પડે જ, તેમ ના બને તે મુખ્ય વાત ધ્યાન રાખવી. આ જો દીકરીને કોઈપણ જનનાંગ, મળાશય કે યુરિનરી ટ્રેક રીલેટેડ જેવા કોઈપણ પ્રકારનું કૅન્સર ડિટેક્ટ થયું હોય તો આગામી કેમોથેરેપી દરમિયાન અને તે પછી પણ ડૉક્ટર કહે તેટલો સમય સેક્સલાઈફથી દૂર રહેવું જ તેના માટે હિતાવહ છે. આ પ્રકારના કૅન્સરના દર્દી માટે સેક્સ વિશે વિચારવું પણ ક્યારેક ભાવનાત્મક દર્દ સાબિત થતું હોય છે. જો આ સિવાયના કોઈપણ અંગનું કૅન્સર હોય તો પણ કેમોથેરપી દરમિયાન કોઈપણ પેશન્ટના પ્લેટલેટસ અને સફેદ રક્તકણ વારંવાર ઓછા થઈ જતા હોય છે. આ સમયે સેક્સ દરમિયાન કૅન્સરગ્રસ્ત શરીરમાં ઈન્ફેકશન થવાની અને ફેલાવાની ગંભીર શક્યતા હોય છે માટે ખાસ સાવધાની રાખીને જ ડૉક્ટરની સાથે ચર્ચા કરીને જ સેક્સ સંબંધ બાંધવો જરૂરી છે. કેમોથેરેપી દરમિયાન શરીરમાં જતી સંબંધિત દવાઓ જે તે અંગની કૅન્સરગ્રસ્ત કોશિકાઓનો નાશ કરે છે, તેની સાથે જ જે તે અંગની સ્વસ્થ કોશિકાઓ પણ સૂકા ભેગું લીલું બળે તો ન્યાયે નાશ પામતી હોય છે. તેને પરિણામે કેમોથેરપી દરમિયાન કૅન્સરગ્રસ્ત શરીર ખૂબ જ કમજોર બની જાય છે, સાથે જ તેની માનસિકતા ખૂબ જ છે, તેથી કોઈપણ કેમોથેરેપી લેતા દર્દીને સેક્સમાં વિચારો બહુતાંશ આવતા નથી માટે આપ મનોમન દીકરી માટે સંતાપ ના અનુભવો. અને હા, આગળ જણાવ્યા તે અંગ સિવાયનું કૅન્સર હોય તો કેેમોથેરપી દરમિયાન જો સેક્સ માણવામાં આવે તો કેટલીક સ્વચ્છતા સંબંધી અને ખાસ તો ગર્ભધારણ ના થાય તે અંગે સાવધાની રાખવી અનિવાર્ય છે. માટે હવે સંતાનપ્રાપ્તિ માટે થોભો અને રાહ જોવાની નીતિ અપનાવવી જોઈએ. આ ઉપચાર દરમિયાન ગર્ભધારણ થવાથી ગર્ભમાંનું બાળક શારીરિક/ માનસિક રીતે સ્વસ્થ ના જન્મે તેમ થવાની શક્યતા હોવાનો કૅન્સર તજજ્ઞોનો મત છે. આપ ચિંતા ના કરો બહેન માત્ર દીકરીને હિંમત આપો, તેની સંભાળ રાખો અને તેને કૅન્સરમુક્ત જીવન તરફ લઈ જવા તરફ વિચાર કરો, તે ચોક્ક્સ સ્વસ્થ થઈ જશે પછી માતા બનશે તેમ તેને કહો. શારીરિક-માનસિક અને હાર્મોનલ એમ ત્રણેય પ્રકારે શરીરને હચમચાવી નાખનાર કૅન્સરની સારવાર દરમિયાન અને તે પછી કોઈપણ દર્દીની સેક્સલાઈફ ઉપર તેનો નેગેટિવ પ્રભાવ પડે જ છે, આ વાત ખાસ ધ્યાનમાં રાખી, દીકરીને ભાવનાત્મક સહયોગ તેના પતિ, તમામ સાસરિયા અને તમારા સહિત તમારા ઘરવાળા સૌ મળીને આપો તો તે કૅન્સર સામે જિંદગીની જંગ બની.