Homeપુરુષડિજિટલ ફાસ્ટિંગને આધ્યાત્મિક બાબત ગણી શકાય?

ડિજિટલ ફાસ્ટિંગને આધ્યાત્મિક બાબત ગણી શકાય?

મેલ મેટર્સ -અંકિત દેસાઈ

અધ્યાત્મિક સંપત્તિ વિશે આપણી ચર્ચા ચાલી રહી છે એ સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ સાથે ‘પરીક્ષા પર ચર્ચા’ કરતી વખતે ડિજિટલ ફાસ્ટિંગની વાત છેડી. એ વિશે વિચાર કર્યો તો એમ થયું કે જેમ ઉપવાસને અધ્યાત્મ સાથે નિસ્બત છે એમ શું ડિજિટલ ફાસ્ટિંગને અધ્યાત્મિક્તા સાથે સરખાવી શકાય ખરા? તો સૂક્ષ્મ રીતે એક વાત તો ધ્યાનમાં આવે જ છે કે હા, ડિજિટલ ફાસ્ટિંગને પણ અધ્યાત્મ સાથે નિસ્બત તો ખરી જ. કારણ કે ડિજિટલ ફાસ્ટિંગને સીધી રીતે ભલે અધ્યાત્મ સાથે લેવાદેવા નથી, પરંતુ મનની શાંતિ અને આપણા આંતરિક ઠરેલપણાને તો અધ્યાત્મિક્તા સાથે સંબંધ છે જ.
અને આજના સમયમાં આપણી તકલીફ એ છે કે ડિજિટલ પ્લેટફોર્મ્સ આપણને આંતરિક તેમજ બાહ્ય એમ બંને રીતે સૌથી વધુ ચલિત કરી રહ્યા છે. તમે અત્યંત ઝીણવટપૂર્વક અભ્યાસ કરશો તો ખ્યાલ આવશે કે આપણો જે ઉચાટ છે કે આપણને સતત આપણી આસપાસ જે અભાવ જણાય છે એ બધાના મૂળમાં માત્ર ને માત્ર ડિજિટલ પ્લેટફોર્મ્સ છે. એ ઈન્સ્ટાગ્રામ રિલ્સ અને ફેસબુક સ્ટેટ્સ જ છે, જે આપણને રહી રહીને પરોણી ભોંકી રહ્યા છે. કે આપણું જીવન અત્યંત નિરસ છે. અથવા બીજા લોકો આપણાથી વધુ સુખી છે. અથવા આપણને જીવનમાં યોગ્ય તકો નથી મળી રહી. આ કારણે આપણે સતત ડિપ્રેસ્ડ રહીએ છીએ. તેમજ કારણ વિના એક રેટરેસમાં જોતરાઈ ગયા છીએ, જે રેટરેસમાં દોડવા માટે આપણે સર્જાયા જ નથી. પણ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ, રિલ્સ, સ્નેપ કે ફેસબુકે પાછલાં વર્ષોમાં આપણી અંદર એ દૃઢ કરી દીધું કે આપણે કોઈને બતાવવા માટે પણ દોડતા રહેવું પડશે. નહીંતર લોકો આપણને આઉટડેટેડ, નિષ્ફળ, યુઝલેસ કે ગરીબ માની લેશે. પણ આપણી તકલીફ એ થઈ પડી છે કે આપણે દોડી તો રહ્યાં છીએ, પરંતુ એ દોડની દિશા કઈ છે કે એનું ગંતવ્ય શું છે એની આપણને ખબર નથી.
વળી, એના કારણે થયું છે એ કે આપણે કેટલાય મહિનાઓથી સાઉન્ડ સ્લિપ લીધી નથી. આપણે આમ કંઈ આખા દિવસમાં તગારા ઊંચકવા કે પથ્થર તોડવા નથી જતાં, પરંતુ આપણું શરીર સતત કળતર કરતું રહે છે. આપણને થાક વર્તાય છે અને આપણી આંખો આપણને ભારેભારે લાગે છે, પરંતુ એનું કારણ એક જ છે કે આપણે ઘાણીના બળદની જેમ સવાર- સાંજ સોશિયલ મીડિયામાં જ ખૂંપેલા રહીએ છીએ. જેને કારણે આપણું મન શાંત નથી રહી શકતું આપણે સતત કારણ વિનાના ભય, કારણ વિનાના થાક અને કારણ વિનાના અભાવોમાં રાચતા રહીએ છીએ.
પણ આપણે એ ધ્યાન રાખવાનું છે કે આપણી પાસે એવી અનેક બાબતો, એવા અનેક સુખ કે એવા અનેક સંબંધો છે, જેને મેળવવા માટે કેટલાય લોકો આખી જિંદગી તરસતા રહેતા હોય છે. આપણે આપણી પાસે રહેલી એ બાબતો, એ સુખ કે એ સંબંધોને વેળાસર માણી લેવાના છે. એનો આનંદ ઉઠાવવાનો છે, પરંતુ એની સૌથી પહેલી જરૂરિયાત એ છે કે આપણે પહેલા આપણી જાતનો આનંદ ઉઠાવવો પડશે. આપણે પોતે પહેલા મનથી સ્વસ્થ અને હૃદયથી આશ્ર્વસ્થ રહેવાનું છે.
એનો હાલમાં એક જ રસ્તો છે કે આપણે વેળાસર ડિજિટલ ફાસ્ટિંગ શરૂ કરી દેવાના છે. દિવસમાં શક્ય એટલો ઓછો મોબાઈલ વાપરવાનો છે અને વર્ક વ્હાઈલ વર્ક, લવ વ્હાઈલ લવ, ઈટ વ્હાઈલ ઈટ કે સ્લીપ વ્હાઈલ સ્લીપનો સિદ્ધાંત અત્યંત કડકપણે લાગુ પાડવાનો છે. અલબત્ત આ કંઈ સરળ બાબત નથી. આપણે મોબાઈલ બાબતે એટલા આસક્ત છીએ કે આ બધુ કંઈ એક ઝાટકે શક્ય નથી બનવાનું. એટલે જ ધીમેધીમે આ પ્રેક્ટિસ શરૂ કરવાની છે. આપણે માટે સોશિયલ મીડિયાના નોટિફિકેશન્સ કરતાં દિલની ધડકન વધુ મહત્ત્વની છે. એટલે જ આપણે નોટિફિકેશન્સની દરકાર મૂકી દઈએ. અને નોટિફિકેશન્સને મહત્ત્વ આપવાનું બંધ કરીને ધીમે ધીમે રિલ્સ જોવાનું ઓછું કરીએ કે પછી બીજાઓ શું કરી રહ્યા છે સર્ચ કરવાનું મૂકી દઈએ.
ધ્યાન અને યોગની જેમ જ આ બાબત કંઈ તરત લાગુ પડી શકવાની નથી. આમાં પણ તમારી ધીરજની પરીક્ષા તો થવાની જ છે. પણ એકવાર તમે આ પ્રયોગમાં સફળ થઈ જોજો. તમને ખ્યાલ આવશે કે એક પણ સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર તમે જો ત્રણેક દિવસ લગાતાર પણ નહીં ગયા હો તો દુનિયાને કંઈ ફરક નથી પડતો. એ તો એની રીતે જ ચાલતી રહેશે. પણ એ ચાલતી દુનિયામાં પણ તમે કશું ગુમાવ્યું નહીં હોય. બલ્કે તમે કશુંક મેળવ્યું હશે. થોડું પીસ ઓફ માઈન્ડ. થોડો આત્મસંતોષ અને ઘણો બધો માનસિક આરામ.ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -