મધુ રાયની વાર્તા -મધુ રાય
(ગતાંકથી ચાલુ)
હરિયાના મગજમાં જાતજાતના કલબલાટ થતા હતા. મનુષ્યલોકમાં હતો ત્યારે થતું હતું કે દુનિયા સમજી લીધી છે અને બીજી જ મિનિટે હજાર હાથવાળો કાંઈક એવો દાવપેચ ખેલતો કે હરિયાને થતું ગધેડીની દુનિયા કાંઈ સમજાતી નહીં. હજી મનુષ્યલોકનો તોડ બેસાડે એટલી વારમાં તો યુગવિમાનની રામાયણ થઈ. એમાં ફરતા વળી જે જે અનુભવ થયા એનાથી જે વળી કાંઈ દુનિયા માટે સમજેલો એનોય દાટ વળી ગયો ને આ ઊંટલોકમાં ફરીથી એકડો ઘૂંટવાનો આવ્યો. એને લાગ્યું કે આવા ઈશ્ર્વર જાણે કેટલાય લોક હશે અને બધા લોકના લોકમલક સામસામા આયના રાખીને બેઠા હશે. અને સામસામી નકલું કરતા હશે.
હવે હરિયાના મગજનો સુવાંગ વિચાર કહો કે સુરસિંહના ગણિતની કમાલ કહો, હરિયાને વિચાર આવ્યો કે કોક ભગવાનના માણસને અથવા તો ભગવાનના ઊંટને મળીને જરીક પેટછૂટી વાત કરી લઈએ. તે તમે માનો કે ન માનો ઊંટલોકમાં એક હરિશ્ર્ચન્દ્ર નામનો ઊંટ પણ હતો અને એને પણ હરિયાની જેમ ભગવાન સાથે નાતો સારો હતો. હરિયાએ હરિશ્ર્ચન્દ્રને મળવાનું ગોઠવ્યું.
*
હરિશ્ર્ચન્દ્ર બેઠી દડીનો ઊંટ હતો. હરિયાએ જે જે કર્યા. હરિશ્ર્ચન્દ્ર ઊંટે માથું હલાવ્યું. બંને જણે મળીને ભગવાનને યાદ કર્યા અને તમે જોયું હોય તો ભગવાન ખુદ પોતે ઝગારા મારતા ઊંટના રૂપમાં આવ્યા. હરિયાએ કહ્યું કે પરમાત્મા આ તે કેવી લીલા?
ભગવાને કહ્યું કે ગગા, જી જીવ મને જી રૂપમાં કલ્પે ઈ રૂપમાં હું તો આવું.
એ જ વખતે હરિશ્ર્ચન્દ્ર ઊંટે પૂછ્યું, ભગવાન તમે માણસના રૂપમાં કેમ આવ્યા? ભગવાને ઊંટને એની જ ભાષામાં હરિયાને આપેલો તેવો જ આન્સર આપ્યો.
પછી બંને ભક્તોને ભગવાને કહ્યું કે તમે સવાલો પૂછો અને જવાબ મળી જશે. બંને ભક્તોએ એકી સાથે પોતપોતાના મનની મૂંઝવણો કહી, બંનેને એકી સાથે મનની મૂંઝવણોનો જવાબ મળ્યા. હરિયાની સાથેના પ્રભુના સંવાદનો સાર આમ હતો.
હરિયાએ પૂછ્યું, પ્રભુ, મનુષ્યલોકમાં તો એવો સિદ્ધાંત પ્રચલિત છે, કે કોઈ માણસ અંતરિક્ષમાં ફરી પાછો આવે ત્યારે પૃથ્વી ઉપર યુગોના યુગો વીતી ગયા હોય. માણસ પોતે તો એકાદ બે વરસમાં જ પાછો આવ્યો હોય પણ અહીંયા તો વળી ઊંધી જ વાત ચાલે છે. એનું કારણ શું?
શ્રી ભગવાન બોલ્યા, બેટા, સમય સમય બળવાન છે. સમય અને સ્થળ પ્રમાણે જીવો ‘સત્ય’ સમજે છે. સમજ્યા પછી એને સત્ય બનાવી સ્થાપે છે. સમય અને સ્થળ બદલાતા એ ‘સત્ય’ બદલાય છે અને નવું ‘સત્ય’ સ્થપાય છે. તું તે જાણે છે કે આખી સૃષ્ટિની લીલા કેવળ કલ્પના છે, માયા છે. ‘સત્ય’ નથી બદલાતું, માણસની કે
ઊંટોની દૃષ્ટિ બદલાય છે, અને સમજણ બદલાય છે. એટલે પરસ્પર વિરોધાભાસી બે વસ્તુઓ સાચી હોઈ શકે. જે જીવને જ્યારે જે ઠીક લાગે ત્યારે તે સાચું.
હરિએ પૂછ્યું, પ્રભુ, મને તો સમજાય છે કે તમારી સૃષ્ટિમાં આવા અગણિત ‘લોક’ હશે. તમે સર્જેલા પ્રાણીઓમાં દરેકને શ્રેષ્ઠ થવાનો ચાન્સ જુદા જુદા લોકમાં આપતા હશો. પૃથ્વી ઉપર માણસ શ્રેષ્ઠ છે અને બાકીનાં પ્રાણીઓના તાબામાં રાખે છે. તમે ઊંટલોકમાં ઊંટ શ્રેષ્ઠ છે અને …
શ્રી ભગવાને કહ્યું, ગાંડા, મારે તો પાંચે આંગળી ઈકવલ, તમે અંદરોઅંદર શ્રેષ્ઠ અને કનિષ્ઠના ખેલ ખેલ્યા કરો. એક વાત સમજી લે. તમે જીવો જ્યારે
જ્યારે કાંઈ સમજો છો ત્યારે ત્યારે તમારી સમજણના સીમાડા આગળ વધારો છો, એથી વધુ કાંઈ નહીં. તું જે જે વસ્તુ કલ્પે તે ગમે તેવી અદ્ભુત હોય, કે વિચિત્ર હોય, કે તારે મન અસંભવ હોય; મારી સૃષ્ટિમાં તે હયાત છે! ગાંડા, તારી કલ્પનામાં આવે તે મારી ‘કલ્પના’માં ન હોય, એવું તે કાંઈ બને? આ તો બધાને થોડી થોડીક લિમિટ આપી રાખી છે, બધા મથી મથીને એ લિમિટ વધારવાની ટ્રાય કર્યા કરે અને ‘નવું’ ‘નવું’ સમજ્યા કરેને બધા થાય, આ હું કરું છું, આ મેં કર્યું છે, આ મેં શોધ્યું છે, પણ ઈ બધું ઠીક છે. મારી ઈચ્છા વિના પાંદડુંયે ફરકતું નથી.
એમ કહીને ભગવાન અલોપ થઈ ગયા
*
હરિયો અને હરિશ્ર્ચન્દ્ર ઊંટ ભગવાનની વાતે ચડેલા. હરિશ્ર્ચન્દ્ર ઊંટે ઊંટલોકમાં પ્રચલિત પુરાણોની વાત કરી. એમાં બધું મોશ્ટલી પૃથ્વીલોકમાં ભરતખંડ મધ્યે પ્રચલિત કથાઓ જેવું જ હતું. ફરક ખાલી એટલો જ હતો કે ભગવાન મોટાભાગે ઊંટના રૂપમાં કલ્પાયેલા. બાકી શેષનાગ, બેષનાગ બધાના એ. એટલે વિષ્ણુજી ઊંટ, એની ડૂટીમાંથી કમળ નીકળે, એમાંથી સર્જાય આદિબ્રહ્મા એનાં ચાર મોં, પણ ચારે ચાર ઊંટના મો. આદિબ્રહ્માની દસમી પેઢીએ યયાતિ નામનો પ્રતાપી ઊંટરાજ થયો. એનો પુત્ર પુરુ એની અઢારમી પેઢીએ દુષ્યંત નામે ઊંટ થયો એનો પુત્ર ભરત. એનો પ્રપૌત્ર હસ્તિ, એની ત્રીજી પેઢીએ આજમીઢ, એની ત્રીજી પેઢીએ કુરુ બધા ઊંટ રૂપે પ્રચલિત હતા, ઊંટલોકમાં કુરુની છઠ્ઠી પેઢીએ શાંતનુ રાજા, એના પ્રપૌત્રો પાંડવો અને કૌરવો. અને એ પાંડવોમાંથી એકના સન્મિત્ર હતા કૃષ્ણ નામે પ્રતાપી ઊંટ. ઊંટલોકમાં પણ કૃષ્ણાવતાર પ્રસિદ્ધ હતો. પણ કૃષ્ણ ઊંટરૂપે કલ્પાએલા, વિષ્ણુ અને લક્ષ્મી પણ ઊંટ. ઊંટલોકના રાજાઓ અશ્ર્વમેધ યજ્ઞ ન કરતા, નરમેધ યજ્ઞ કરતા, એ પુરાણોમાં રાજાઓ હરણના શિકારે ન જતા, મનુષ્યના શિકારે જતા. હાથીની અંબાડી ન નીકળતી માણસોની અંબાડી નીકળતી.
હરિયાએ હરિશ્ર્ચન્દ્ર ઊંટને કહ્યું, કે પૃથ્વીલોક અને ઊંટલોકમાં અમુક અમુક આઈટમ મળતી આવે છે. પણ એ બધી વાર્તાઓ સાંભળીને લોહી ઊકળી આવે છે. તમારા લોકમાં પશુઓએ મનુષ્યો ઉપર જે જુલમ ગુજાર્યો છે, એ સમજી શકાતો નથી.
બંને ભક્તો આકાશ ભણી જોઈ રહ્યા.
*
એક દિવસ ઊઠીને હરિએ જોયું ત્યાં પોતે ઊંટ બની ગયેલો. ઊંટની જેમ ચાર પગ, ખૂંધ, ઊંટ જેવું મોં, બધું ઊંટ જેવું. એકદમ અચંબામાં આવીને એણે ચન્દ્રસેનનું બારણું ખખડાવ્યું. ચન્દ્રસેને પ્રેમથી આયનો આપ્યો. હરિએ જોયું તો પોતે નખશિખ ઊંટ બની ગયો છે. હરિને થયું કે પ્રભુની લીલાનો કાંઈ પાર નથી.
હરિને થયું કે પોતાના ઊંટ બની જવા પાછળ કાંઈક સંકેત હશે. એટલે એ જઈ પહોંચ્યો સુરસિંહ સિંહ પાસે, સુરસિંહ રાહ જ જોતા હતા. એને બેસાડીને સુરસિંહે કહ્યું, “ઊંવાંચે ઊં.
સુરસિંહે કહ્યું કે અમે એક પ્રયોગ કરીએ છીએ. એ પ્રયોગ પ્રમાણે હરિયાના મગજના કોષો ઉપર એવા સંસ્કાર પાડવામાં આવેલા કે એ કોષ પોતાને ઊંટ થવું છે એવી પ્રબળ ઈચ્છા કરે એ ઈચ્છાની પ્રબળતા પ્રમાણે વહેલોમોડો તે જીવ તે યોનિમાં અવતરે છે. સુરસિંહે કહ્યું પ્રત્યેક જીવની ચેતના અજર, અમર છે, અને એક મહાપિણ્ડનો અંશ છે. એ ચેતનાના પ્રત્યેક પરમાણુમાં સૃષ્ટિના ચક્ર સંચાલનનું બીજ રહેલું છે. તે બીજમાં સમસ્ત બ્રહ્માંડનું વૃક્ષ છુપાયેલું છે અને કાળે કરીને એ વૃક્ષ ફલિત થાય છે, જીવ વિધ-વિધ યોનિ, લોક અને સંદર્ભમાં જન્મે છે. પ્રત્યેક જન્મની સ્મૃતિ નાશવાન છે. પણ વીતેલા જન્મો અને આવતા જન્મોની વિગત-અનાગત સંસ્કારો જીવતી ચેતના પર પડેલા હોય છે અને એ કારણે તમામ ‘લોક’ના તમામ જીવ પરસ્પરની નકલ કરતા હોય એવું જણાય છે.
*
હરિયો વિચારમાં પડી ગયો. આવું બધું હાઈ થિન્કિંગ એને બહુ ફાવતું નહીં. સુરસિંહને એણે પૂછ્યું કે ટૂંકમાં સમજાવો કે હવે શું થવાનું છે.
સુરસિંહે કહ્યું કે ઊંટલોકની એક જૂની કહેવત છે, વિનાશકાળે વિપરીત બુદ્ધિ આજથી અઢી અબજ અને બે કરોડ ત્યાશી લાખ, બાણું હજાર, છસ્સોને બે વર્ષ, આઠ માસ, છ દિવસ અને સાડા પાંચ ઘટિકા પછી ઊંટલોકનો નાશ થવાનો છે.
હરિયો અકળાયો. એ તો અબજો વરસની વાત થઈ તાત્કાલિક ભવિષ્ય કહોને?
સુરસિંહે કહ્યું, એ વિનાશના બીજ રોપાઈ ગયાં છે. ઊંટલોકમાં અત્યારે પશુઓમાં સંપ પ્રવર્તે છે. પણ અમુક ઊંટોના મનમાં ઊંટ જાતિ શ્રેષ્ઠ છે એવો વિચાર રોપાઈ ચૂક્યો છે. એ ઊંટોનો નાયક છે ચન્દ્રસેન. આત્મપ્રીતિના વિષથી ઊંટો ધીમે ધીમે પરસ્પરથી ઉચ્ચ છે એવો મત પ્રસિદ્ધ કરશે. સામૂહિક ચેતનાની સર્વોપરિતાને સ્થાને વૈયક્તિક ચેતનાની મહત્તાનો યુગ આવશે. અને શનૈ: શનૈ સમસ્ત ઊંટ જાતિ અસંખ્ય દર્પણોમાં જોઈ જોઈ આત્મરતિ કરી નષ્ટ થશે.
હરિયાએ પૂછ્યું, પછી?
સુરસિંહે કહ્યું, એની સાથે સાથે ઊંટલોકની સમસ્ત પ્રાણીસૃષ્ટિ નાશ પામશે. સુરસિંહે નિ:શ્ર્વાસ નાખ્યો અને હરિયાને વિમાન દર્શાવી બેસવા સૂચવ્યું, હરિયો યુગવિમાનમાં બેઠો.
સુરસિંહે કહ્યું, અમે તને ફરી અંતરિક્ષની સફરે મોકલીએ છીએ. આ વખતે તારા વિમાનનું ઉડ્ડયન સાડા ત્રેવીસ અંશની ત્રિજયાએ થશે. એથી કાળક્ષેપ તિર્યક ગતિથી થશે અને તારા યુગો પૃથક પ્રવેગે વીતશે.
હરિયાએ પૂછ્યું, ઊંટ બનીને હવે હું ક્યાં જાઉં?
સુરસિંહે કહ્યું, હરિ, મિત્ર, સમજ કે તું અમારો એક પત્ર છે. ભાવિના ગર્ભમાં તું અને તારું વિમાન અમારો સંદેશો છે. તું પાછો આવશે ત્યારે અમારા ઊંટલોકની વિધિલિપિ બીજા કોઈ લોકમાં ભજવાયેલી જોઈને આવશે. એ પુરોદર્શન વડે અમે કદાચ અમારા ભાવિને બચાવી શકીશું.
સુરસિંહે હરિયાને માણસની ચામડીનું બનાવેલું પહેરણ પહેરાવ્યું.
હરિનું યુગવિમાન એક પાટા ઉપર ગોઠવાયું. પાંચ ઊંટે ઠેલીને વિમાનને અંતરિક્ષના બારા ઉપર ગોઠવ્યું સુરસિંહે ગળામાં લટકાવેલી ઘડિયાળ જોઈ કાઉન્ટડાઉન શરૂ કર્યા, ‘દસ-નવ-આઠ…’
હરિયાનું મગજ ભમવા લાગ્યું ઊંટલોકની સ્મૃતિઓ સપાટાબંધ ઓગળવા લાગી. આંખો પટ-પટ થવા લાગી. ‘સાત-છ-પાંચ-ચાર…’ સિંહના અવાજો દૂર દૂર જવા લાગ્યા. હરિની આંખો બંધ થઈ ગઈ ‘ત્રણ – બે – એક – ફાયર!’ અને રેતી ઉપર લખેલા નામ ઉપર મોજું ફરી વળતા નામ અલોપ થઈ જાય તેમ ઊંટલોકમાંથી હરિનું યુગ વિમાન અલોપ થઈ ગયું.
*
હરિયાએ આંખ ખોલી. યુગવિમાનની ચાંપું જોઈ નકશો જોયો. પણ કંઈ દિશામાં કેમ વાળવું એની માસ્ટરી આવી ન હોતી. અને કયા લોકમાં ઊતરવા પૈડું કેમ ફેરવવું એનો આઈડિયા પાકો ન હોતો. હરિયાએ જાતને કહ્યું, મેલને ધડ, થવાનું હસે ઈ થાશે.