Homeઆમચી મુંબઈસીએસએમટી, દાદર અને કુર્લા સ્ટેશન પર હુમલો કરવાની ધમકી: પ્રશાસન સતર્ક

સીએસએમટી, દાદર અને કુર્લા સ્ટેશન પર હુમલો કરવાની ધમકી: પ્રશાસન સતર્ક

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મધ્ય રેલવેના સૌથી વ્યસ્ત અને ભીડવાળા રેલવે સ્ટેશન સીએસએમટી, દાદર અને કુર્લા સ્ટેશન પર હુમલો કરવાની ધમકીભર્યો કૉલ પોલીસ હેલ્પલાઈન નંબર ૧૧૨ પર કરવામાં આવ્યો હતો, પરિણામે સતર્કતાના ભાગરૂપે રેલવે સહિત સિટી પોલીસ પ્રશાસન દ્વારા સતર્કતાના પગલાં ભરવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
નવી મુંબઈ હેલ્પલાઈન ૧૧૨ નંબર પર પોલીસને બુધવારે હુમલો કરવા સંબંધિત કોલ આવ્યો હતો. ઔરંગાબાદના ગંગાખેડથી કૉલ કરનારી વ્યક્તિએ ફોન કરીને કહ્યું હતું કે ગુજરાતના પોરબંદરથી આવનાર વ્યક્તિઓ દાદર, કુર્લા અને સીએસએમટી રેલવે સ્ટેશનો પર હુમલો કરશે. જોકે, કૉલ કરનારી વ્યક્તિને કથિત રીતે હુમલો કરનારી ગેંગનો સભ્ય છે કે નહીં તેની શંકાને આધારે અટક કરવામાં આવી છે તથા આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સંબંધમાં ઔરંગાબાદના વાળુજ ખાતે આરોપી વિરુદ્ધ આઈપીસી ૫૦૫ (૧) (બી), ૫૦૫ (૧) (ક), ૫૦૬ (૨) અને ૫૦૭ અન્વયે કેસ નોંધવામાં આવ્યો છે, એમ પોલીસે જણાવ્યું હતું.
આ કોલના સંબંધમાં બુધવારે બપોરના ૧.૨૧ વાગ્યાના સુમારે સાક્ષીના આધારે કેસ નોંધ્યો છે, જેમાં હેલ્પલાઈન નંબર પર એક કોલ કરનારી વ્યક્તિએ મુંબઈમાં દાદર, કુર્લા અને સીએસએમટી સ્ટેશન પર હુમલો કરવામાં આવશે અને હુમલાખોરો ઘોડબંદર મારફત મુંબઈમાં પ્રવેશશે. હેલ્પલાઈન પર મળેલા મેસેજની માહિતી નવી મુંબઈ પોલીસે નવી મુંબઈ અને મુંબઈ સિટી પોલીસને મોકલવામાં આવી હતી, જ્યારે રેલવે પોલીસને પણ માહિતી આપી હતી. રેલવે પોલીસ દ્વારા સુરક્ષાના ભાગરૂપે મુંબઈમાં સીએસએમટીથી પનવેલ અને કલ્યાણ સુધીનાં તમામ સ્ટેશન પર ગહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી તેના સંબંધમાં કોઈ નક્કર તથ્ય મળ્યું નથી. જોકે, છઠ્ઠી ડિસેમ્બરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે મંગળવારે વિશેષ પોલીસ ફોર્સને તહેનાત કરવાની સાથે તમામ સંવેદનશીલ રેલવે સ્ટેશનનું પેટ્રોલિંગ વધારવામાં આવ્યું હતું. પેટ્રોલિંગ વધારવાની સાથે સીસીટીવી મારફત ગહન ચેકિંગની પ્રક્રિયા વધારવામાં આવી છે, એમ રેલવે પોલીસે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમને પણ પાકિસ્તાનના એક નંબર પરથી ૨૬/૧૧ જેવા આંતકવાદી હુમલાની ધમકી આપતા સંદેશા મળ્યા હતા અને તેના સંબંધમાં પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી મુંબઈ ટ્રાફિક પોલીસના કંટ્રોલ રૂમને અનનોન નંબર પરથી હુમલો કરવાની માહિતી મળી હતી. આ મેસેજ સોમાલિયાના મોબાઈલ નંબર પરથી મોકલવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -