મુંબઈઃ કેન્દ્રીય કેબિનેટમાં આજે સૌથી મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં કેન્દ્ર સરકારે કિરણ રિજિજુને કાયદા પ્રધાનના પદ પરથી હટાવીને તેમની જગ્યાએ અર્જુન રામ મેઘવાલને નિયુક્ત કરવામાં આવ્યા પછી એકાએક કેબિનેટમાં કરવામાં આવેલા ફેરફાર મુદ્દે વિપક્ષો સવાલ કરી રહ્યા છે. આ બાબતને લઈ મહારાષ્ટ્રમાં શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના નેતા સંજય રાઉતે રિજિજુને કાયદા મંત્રાલયમાંથી હટાવવા પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે રિજિજુ પ્રત્યે ન્યાયતંત્રની નારાજગીની નોંધ લીધી છે અને તેથી તેમનું મંત્રાલય બદલવામાં આવ્યું છે. આ ન્યાયતંત્રની જીત છે, એવું તેમણે જણાવ્યું હતું.
સાતમી જુલાઈ 2021ના રોજ રિજ્જિુને કાયદા પ્રધાન બનાવવામાં આવ્યા હતા. કાયદા પ્રધાન તરીકે રિજિજુ સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂક કરવાની કોલેજિયમ પ્રણાલીની ટીકા કરી હતી, જ્યારે કેન્દ્ર સરકારમાં અવાજ ઉઠાવનારાઓમાંના એક હતા અને તેને બંધારણની વિરુદ્ધ ગણાવતા હતા. કેટલાક નિવૃત્ત ન્યાયાધીશો પણ ભારત વિરોધી ગેંગનો હિસ્સો છે તેવી તેમની તાજેતરની ટિપ્પણી માટે તેમને આકરી ટીકાનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક નિવૃત્ત ન્યાયાધીશો અને કેટલાક કાર્યકર્તાઓ કે જેઓ ભારત વિરોધી ગેંગનો ભાગ છે તેઓ ભારતીય ન્યાયતંત્રને વિરોધ પક્ષની ભૂમિકા ભજવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો દાવો કર્યા બાદ તેમને અનેક લોકોની ટીકાના ભોગ બનવું પડ્યું હતું.
કેન્દ્ર સરકારે કરેલા અચાનક ફેરબદલની ટીકા કરતા રાઉતે દાવો કર્યો કે નરેન્દ્ર મોદીની સરકારમાં કોઈ પણ વ્યક્તિ કાયદા વિભાગને સ્વતંત્ર રીતે સંભાળવા સક્ષમ નથી. રિજિજુએ ન્યાયતંત્રની કામગીરીમાં દખલ કરવાની કોશિશ કરી અને ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને અન્ય લોકોનું અપમાન પણ કર્યું. સમગ્ર ન્યાયતંત્ર પ્રધાન અને સરકારની વિરુદ્ધ હતા, તેથી સરકારે આ પગલું ભરવું પડ્યું. દરમિયાન રાઉતે દાવો કરતા કહ્યું હતું કે આ કાયદો અને વ્યવસ્થાની જીત છે.
દરમિયાન એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના મુખ્ય પ્રવક્તા ક્લાઇડ ક્રેસ્ટોએ પણ દાવો કર્યો હતો કે રિજિજુ કાયદા અને પોતાની ફરજથી ઉપર રહેવાની કોશિશ કરી રહ્યા હતા. આવું કરનારા તમામ કેન્દ્રીય પ્રધાને માટે આ ઉદાહરણ હોવું જોઈએ. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે ઓછું કામ કરનારા પ્રધાનો માટે પણ સમાન ધોરણ નક્કી કરવું જોઈએ, ખાસ કરીને એવા નેતાઓ કે જેઓ મહિલાઓ અને બાળકો સંબંધિત મુદ્દાઓ પર વાત કરતા નથી.