લોકો હજી તો બોલીવૂડના લવબર્ડ્સ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નના કેફમાંથી ધીરેધીરે બહાર આવી રહ્યા છે ત્યાં વળી એક બીજા ઈન્ડિયન ફેડવેડિંગનું સાક્ષી આ રજવાડી રાજસ્થાન બની રહ્યું છે. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ દીકરી શેનેલ ઈરાનીના લગ્ન માટે રાજસ્થાનના નાગૌર જિલ્લામાં આવેલા 500 વર્ષ જૂનો ખીંવસર ફોર્ટ બૂક કરાવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શેનેલ અર્જુન ભલ્લા સાથે સાત ફેરા ફરવાની છે. આ હાઈ પ્રોફાઈલ વેડિંગને ખૂબ જ પર્સનલ રાખવામાં આવ્યા છે અને તેમાં માત્ર પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજરી આપશે. શેનેલ અને અર્જુન આજે ખીંવસર ફોર્ટમાં અગ્નિના ફેરા ફરશે. આ હાઈફાઈ લગ્ન વિશે જાણવા માટે સૌકોઈ ઉત્સુક છે તો આવો જોઈએ શું છે મહેમાનો માટેની ગોઠવણ અને લગ્નની વિધીઓ-સવારે ખીંવસર ફોર્ટના ડેઝર્ટ એરિયામાં સવારે 7-30થી 9-30 કલાક સુધી મહેમાનો અને પરિવારના લોકો માટે બ્રેકફાસ્ટનું આયોજન કરાયું હતું અને ત્યાર બાદ 11 વાગ્યે ફોર્ટના ભવ્ય મહેલમાં ચૂડાની રસમ કરવામાં આવી હતી. બપોરે 12.30 કલાકે લંચ અને 2.45 કલાકે વિન્ટેજ કારમાં દુલ્હેરાજા અર્જુનની જાન ઢોલ નગાડા સાથે વાજતે ગાજતે લગ્નસ્થળ પર પહોંચી હતી. 3.45 કલાકે સાફા પહેરાવવાની વિધિ કરવામાં આવી અને 4.45 કલાકે શેનેલ અને અર્જુનની જયમાલા થઈ હતી. સાંજે 6 વાગ્યે બંને જણ ફેરા ફરશે. ત્યાર બાદ રાતે આઠ વાગ્યે રિસેપ્શન યોજાશે અને આ લગ્નમાં સામેલ તમામ મહેમાનો માટે પુલ સાઈડ ડિનરની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.