કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરી આજે હિંગોલી જિલ્લાની મુલાકાતે આવ્યા છે અને તેમના હસ્તે અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. આ જ દરમિયાન કાર્યક્રમમાં ધમાલ કરવાનો પ્રયાસ પણ કેટલાક લોકો દ્વારા કરવામાં આવ્યો હતો. પરંતુ આ બંને ખેડૂતોને પોલીસે તાત્કાલિક કબજામાં લઈને મામલો સંભાળી લીધો હતો.
હિંગોલી જિલ્લામાં આવેલા રામ લીલા મેદાનમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ સમયે ગડકરીના હસ્તે બે હાઈવેનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું અને સમયે બે ખેડૂતોએ ધમાલ મચાવવાનો પ્રયાસ કર્યો હતો. ગડકરીનું ભાષણ ચાલી રહ્યું હતું એ સમયે આ બંને ખેડૂતો વચ્ચે ઊભા થઈને નારા લગાવવા લાગ્યા હતા અને તે સવાલો પણ પૂછી રહ્યા હતા. જેને કારણે બધાનું ધ્યાન એ તરફ ગયું હતું. પોલીસે તાત્કાલિક બંને ખેડૂતોને કબજામાં લઈને બહાર લઈ ગયા હતા. નેશનલ હાઈવેના કામકાજમાં પ્રશાસન દ્વારા અન્યાય કરવામાં આવ્યો હોવાની ફરિયાદ આ ખેડૂતો દ્વારા કરાઈ રહી હતી. બંનેએ આ બાબતે ગડકરી પાસેથી ખુલાસો માંગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસોએ સમયસૂચકતા વાપરીને ધમાલ મચાવનારા આ બંને ખેડૂતોને તાબામાં લઈને આખો મામલો થાળે પાડ્યો હતો.