ભાયખલાના પૂર્વ વિસ્તારમાં આવેલા વીરમાતા જીજાબાઇ ભોસલે પાર્ક અને પ્રાણી સંગ્રહાલય મુંબઇગરાઓ માટે મનોરંજનનું સૌથી મહત્વનું સ્થળ છે.
આ પાર્ક અને પ્રાણી સંગ્રહાલયની સાપ્તાહિક રજા દર બુધવારે હોય છે. આ વખતે બુધવારે એટલે કે આવતી કાલે ગુડી પડવો એટલે કે મરાઠી લોકોનો નવા વર્ષનો તહેવાર છે, જે મહારાષ્ટ્રભરમાં જાહેર રજાનો દિવસ છે. જાહેર રજાના દિવસે નાગરિકો પાર્ક અને પ્રાણી સંગ્રહાલયની મજા માણી શકે તે માટે મુંબઇ મહાનગર પાલિકાએ સાપ્તાહિક રજા બુધવારના બદલે ગુરુવારે કરી છે.
નોંધનીય છે કે મહાનગરપાલિકા દ્વારા અગાઉ પસાર કરાયેલા ઠરાવ મુજબ, જો બુધવારે જાહેર રજા આવે છે, તો તે બુધવારે પાર્ક અને પ્રાણી સંગ્રહાલય જાહેર જનતા માટે ખુલ્લા રાખવામાં આવે છે. આ મુજબ બુધવારે એટલે કે 22 માર્ચ 2023એ ગુડી પડવા નિમિત્તે જાહેર રજા છે. આ રજાના દિવસે પાર્ક અને પ્રાણી સંગ્રહાલય જનતાની સુવિધા માટે ખુલ્લા રહેશે. સપ્તાહની સાપ્તાહિક રજા આવતા ગુરુવારે એટલે કે 23 માર્ચ 2023ના રોજ રહેશે. પડવાની રજાના દિવસે બાળકો પાર્ક અને પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ, છોડ અને પક્ષીઓને જોઈ શકે અને ત્યાંના એકંદર વાતાવરણનો આનંદ માણી શકે એ માટે આ કદમ ઉઠાવવામાં આવ્યું છે.
મ્યુનિસિપલ પ્રશાસને માહિતી આપી છે કે પ્રાણી સંગ્રહાલય 23 માર્ચ, 2023, ગુરુવારે લોકો માટે બંધ રહેશે. સાપ્તાહિક રજા સિવાય અઠવાડિયાના અન્ય તમામ દિવસોમાં આ પાર્ક નાગરિકો માટે ખુલ્લો રહે છે. પાર્કની ટિકિટ બારી તે દિવસે સવારે 9.30 થી સાંજના 5.00 વાગ્યા સુધી ખુલ્લી રહે છે. પાર્ક સાંજે 6.00 વાગ્યે બંધ થાય છે.
આ પાર્કમાં 3 થી 15 વર્ષની વયના બાળકો માટે પ્રવેશ ફી રૂ. 25/- અને મોટા લોકો માટે રૂ. 50/- પ્રતિ વ્યક્તિ છે. જોકે, માતા-પિતા અને 15 વર્ષ સુધીના 2 બાળકો સહિત 4 લોકોના પરિવાર માટે રૂ.100/- ની સંયુક્ત ફી લેવામાં આવે છે.