પંજાબમાં ફરી એકવાર અરવિંદ કેજરીવાલનો જાદુ ચાલ્યો છે. વિધાનસભા ચૂંટણીમાં મોટી જીત નોંધાવનાર આમ આદમી પાર્ટીએ જલંધર લોકસભા પેટા ચૂંટણીમાં જીત મેળવી છે. કોંગ્રેસ, BJP, અકાલી-BSP ગઠબંધનને હરાવીને AAPના ઉમેદવાર સુશીલ કુમાર રિંકુ 58647 મતોથી જીત્યા છે.
મતગણતરી શરૂ થઈ ત્યારથી સુશીલ રિંકુ સતત આગળ ચાલી રહ્યા હતા. કોંગ્રેસનો કિલ્લો ગણાતા જલંધરમાં પાર્ટીને ખરાબ હારનો સામનો કરવો પડ્યો છે. જલંધર બેઠક 1999થી કોંગ્રેસ પાસે હતી. કોંગ્રેસને 24 વર્ષ બાદ હારનો સામનો કરવો પડ્યો છે.
આમ આદમી પાર્ટીની રણનીતિ સામે આજે તમામ પક્ષો હારી ગયા. જલંધર લોકસભા સીટ પર પેટાચૂંટણી જીતવા માટે આમ આદમી પાર્ટીએ તમામ પ્રયાસો કર્યા હતા. પંજાબ સરકારના ઘણા કેબિનેટ પ્રધાનોથી લઈને ખુદ સીએમ ભગવંત માન પણ અહીં સતત હાજર રહ્યા હતા. ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસોમાં, AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ અને CM ભગવંત માને રોડ શો દ્વારા લોકોને વોટ આપવાની અપીલ કરી હતી.
આ વર્ષે જાન્યુઆરીમાં “ભારત જોડો યાત્રા” દરમિયાન જલંધરના કોંગ્રેસના સાંસદ સંતોખ સિંહ ચૌધરીનું હૃદયરોગના હુમલાથી અવસાન થતાં આ બેઠક ખાલી પડી હતી. આ સીટ પર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, શિરોમણી અકાલી દળ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ટક્કર હતી. આ સીટ પર ચૂંટણી મેદાનમાં કુલ 19 ઉમેદવારો મેદાનમાં હતા.