કિંગખાન એટલે કે શાહરૂખ ખાન દર થોડા દિવસે કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતો જ હોય છે અને છેલ્લે આવેલી તેની ફિલ્મ પઠાણ તેના માટે ગેમચેન્જર સાબિત થઈ છે. આ ફિલ્મના રિલીઝ થઈને એક મહિના કરતા વધારે સમય થઈ ગયો છે, પણ તેમ છતાં ફેન્સના દિલોદિમાગ પર તેનો જાદુ છવાયેલો જોવા મળી રહ્યો છે.
હવે હેડિંગ વાંચીને તમને લાગશે કે કોઈ ફિલ્મના શૂટ માટે કિંગખાન આસનસોલ ગયો હશે અને ચાહકોએ તેને જોવા માટે ભીડ ઉમટી હશે તો એવું બિલકુલ નથી. વાત જાણે એમ છે કે પશ્ચિમ બંગાળના આસનસોલમાં રહેતાં એક ફેને કિંગખાનનું લાઈફ સાઈઝ મીણનું પૂતળું બનાવ્યું છે અને એમાં એક્ટરનો પઠાણ લૂક જોવા મળી રહ્યો છે.
આસનસોલમાં રહેતાં સુશાંત રાવે બે મહિનાની અંદર શાહરૂખ ખાનનો આ સ્ટેચ્યુ તૈયાર કર્યો છે અને સુશાંતે આ સ્ટેચ્યુને પોતાના પર્સનલ મ્યુઝિયમમાં રાખ્યુંછે. જેવું સુશાંતે આ વેક્સનું સ્ટેચ્યુ રિવીલ કર્યું ત્યારથી જ શાહરૂખના ફેન્સ આ સ્ટેચ્યુને જોવા માટે મ્યુઝિયમમાં ભીડ કરી હતી અને સ્ટેચ્યુ સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરવા લાગ્યા હતા.
આ પહેલાં સુશાંતે બોલીવૂડના અનેક સ્ટાર્સના વેક્સના સ્ટેચ્યુ બનાવ્યા છે અને શાહરૂખ ખાનનું આ નવમું સ્ટેચ્યુ છે. આસનસોલના મેયરે આ સ્ટેચ્યુનું અનાવરણ કર્યું હતું.
કિંગખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ચાર વર્ષ બાદ પઠાણથી કિંગખાને કમબેક કર્યું હતું અને હાલમાં તે તેની આગામી ફિલ્મ ડંકીના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે તાપસી પન્નુ સાથે જોવા મળશે. આ ઉપરાંત તે ફિલ્મ જવાનમાં પણ કામ કરતો જોવા મળશે, જેમાં સાઉથના અન્ય સુપરસ્ટાર્સ પણ જોવા મળશે. ફેન્સ આતુરતાપૂર્વક તેની આ ફિલ્મોની રાહ જોઈ રહ્યા છે.
View this post on Instagram