ચીન પાકિસ્તાન પાસેથી ગધેડા ખરીદે છે એ તો જાણીતી વાત છે. હવે જાણવા મળ્યું છે કે ચીન શ્રીલંકા પાસેથી વાંદરા પણ ખરીદશે. શ્રીલંકા સામાન્ય રીતે સજીવોની નિકાસ કરતું નથી, પરંતુ આ પ્રથમ વખત શ્રીલંકા ચીનને એક લાખ જેટલી મોટી સંખ્યામાં વાંદરા મોકલશે. શ્રીલંકાના કૃષિ મંત્રાલયે ચીનને એક લાખ વાંદરા આપવાના અહેવાલોનું સમર્થન કર્યું હતું અને જણાવ્યું હતું કે ચીનની કંપનીએ 1 લાખ વાંદરા મોકલવા માટે અરજી કરી હતી, જેને શ્રીલંકાની સરકારે સ્વીકારી લીધી છે. જોકે, આ બધા વાંદરાઓને એક સાથે મોકલવામાં નહીં આવે શરૂઆતમાં માત્ર 1000 વાંદરાઓ જ ચીન મોકલવામાં આવશે અને ત્યારબાદ ધીરેધીરે બીજા વાંદરાઓને મોકલવામાં આવશે.
ચીનમાં સજીવોની જાળવણી અંગેના કોઈ ખાસ કાયદા અમલમાં નથી, તેથી પર્યાવરણવાદી સંસ્થાઓએ શ્રીલંકાના આ નિર્ણયનો વિરોધ શરૂ કર્યો છે અને જણાવ્યું છે કે શ્રીલંકાની સરકારનો વાંદરાઓને મોકલવાનો નિર્ણય યોગ્ય નથી.
દરમિયાન મળતી માહિતી મુજબ ચીન એક વાંદરા અને ખરીદી પાછળ આશરે 30 થી 50 હજાર રૂપિયાનો ખર્ચ કરશે. શ્રીલંકાની સરકારે જણાવ્યું હતું કે શ્રીલંકાના ખેતીલાયક વિસ્તારોમાં વાંદરાઓનું ઘણો ત્રાસ છે અને તેઓ ખેતીને ઘણું નુકસાન કરે છે, તેથી આ વિસ્તારના વાંદરાઓને ચીનમાં મોકલવામાં આવશે. ચીનમાં હાલમાં વાંદરાઓની વસ્તી 30 લાખની હોવાનો એક અંદાજ છે. શ્રીલંકા માંથી ટોક મકાક જાતિના વાંદરાઓને ચીન મોકલવામાં આવશે.
નોંધનીય છે કે ટોક મકાક એ શ્રીલંકાનું એક બંદર છે જ્યાંના વાંદરાઓને ટોક મકાક નામથી ઓળખવામાં આવે છે.