કવર સ્ટોરી -અભિમન્યુ મોદી
ભારતમાં કોસ્મેટિક્સની ઇન્ડસ્ટ્રી બહુ મોટી છે. ૨૦૨૩ માં છએક બિલિયન ડૉલરની માર્કેટ કેમ કોસ્મેટિક્સ કંપનીઓ ધરાવે છે. સવા બે ટકાના વિકાસ દરે આ ઇન્ડસ્ટ્રી વધી રહી છે. આવતા પાંચ વર્ષમાં તેનો વિકાસદર પાંચ પ્રતિશતની નજીક પહોંચે એવો અંદાજ છે. જો કે સૌથી વધુ રેવન્યુ અમેરિકા જનરેટ કરે છે. દુનિયાનું દરેક માણસ સરેરાશ સાડા ચાર ડોલર જેટલો વાર્ષિક ખર્ચો મેક-અપ પાછળ કરે છે. જેમ એસેન્શિયલ અને નોન-એસેન્શિયલ સર્વિસ હોય એમ જ હવે મેક-અપમાં લક્ઝરી પ્રોડક્ટ્સ અને નોન-લક્ઝરી પ્રોડક્ટ્સ હોય છે. ૮૩ ટકા જેટલો ધંધો નોન-લક્ઝરી પ્રોડક્ટ્સમાંથી થાય છે. અર્થાત પ્રાથમિક કક્ષાનો મેક અપ કહેવાય એ બધા વાપરે છે અને તે જીવન જરૂરિયાતની ચીજવસ્તુ ગણાય છે.
કોસ્મેટિક્સ પ્રોડક્ટ્સનું ઓનલાઇન સેલિંગ એક અલગ જ અજાયબ દુનિયા છે જે નવી નવી ખુલી છે. ઓફલાઈન કરતાં ઓનલાઇન કોસ્મેટિક્સના બિઝનેસનો વિકાસ વધુ થઈ રહ્યો છે. મેક-અપનો સામાન જો કે જાતે જોઈ ચકાસીને અને ફીલ કરીને લેવાની વસ્તુ છે તો પણ સ્ત્રીઓ ઓનલાઇન ખરીદીમાં પોતાની પસંદગીની કંપનીની પ્રોડક્ટ્સનો ઓર્ડર કરે છે. શાર્ક ટેન્ક ઇન્ડિયા હિટ ગયેલો શો છે જેની બે સિઝન આવી ગઈ છે. તેની પેનલમાં સુગર કોસ્મેટિક્સની માલકિન એક શાર્ક તરીકે છે. તે શોમાં પણ ઘણા સ્ટાર્ટ અપ કોસ્મેટિક્સ કંપનીના આવે છે. કારણ કે તેની ડિમાન્ડ વધી રહી છે અને મેક અપ ઇન્ડસ્ટ્રીની માર્કેટ પાસે બહુ નવી તકો ઊભી થવાની છે.
આ તો અર્બન એટલે કે શહેરી વિસ્તારની વાત થઈ. કોસ્મેટિક્સ પ્રોડક્ટ્સ ગામડામાં ખૂબ પહોંચી છે. ભૂતકાળમાં ભારતના ગ્રામ વિસ્તારની સ્ત્રીઓ બ્યુટી પ્રોડક્ટસથી દૂર રહેતી. પણ હવે ગ્રામ પ્રદેશની સ્ત્રીઓ મેક અપનો સામાન વાપરે છે. નાની છોકરીઓને બર્થ ડે ગિફ્ટમાં લિપસ્ટિક કે નેલ પોલિશ મળે છે. મોટી સ્ત્રીઓ પણ જુદા જુદા ક્રીમ ને કાજલ ને એવું બધું વાપરે છે. અંતરિયાળ વિસ્તારોમાં લોકલ કંપનીની પ્રોડક્ટ્સ વેચાતી હોય છે. લોકલ કોસ્મેટિક્સ કંપનીઓનું ન દેખાતું અર્થતંત્ર મોટું હોય છે.
પણ… પરંતુ… ક્ધિતુ… એક દહેશત ને અન્ડરએસ્ટીમેટ કરી શકાય એમ નથી કે અમુક સ્ત્રીઓને પ્રોડક્ટ્સની જરૂર જ નથી પડવાની. એવો સ્ત્રી વર્ગ વધતો જાય છે જે હવે પોતાની જાતને સુંદર દેખાડવા માટે મેક અપનો ઉપયોગ નથી કરતી પણ કેમેરા ફિલ્ટરનો ઉપયોગ કરે છે. આ સ્ત્રીઓ તે છે જેનું જીવન સોશ્યલ મીડિયા છે. સોશ્યલ મીડિયાના લાઈક, કમેન્ટસ અને ફેન ફોલોઇંગ જ તેમનું જીવનબળ છે. તેઓ આખો દિવસ તેના ઘરની અંદર રહે છે અથવા તો પોતાના રૂમ કમ સ્ટુડિયોમાં રહે છે. વીડિયો ક્ધટેન્ટ, રીલ, મીમ્સ કે ફોટોગ્રાફ્સ પોસ્ટ કરે રાખે છે. નેચરલ રીતે શૂટ કરાયેલા તેના ચહેરાને એડિટ કરીને એકદમ રૂપાળો બનાવવામાં આવે છે. ચહેરા ઉપરના ડાઘ નીકળી જાય છે, ખીલ નાબૂદ થઇ જાય છે અને આઇ-બ્રોને શેપ પણ ડિજિટલ રીતે આપવામાં આવે છે.
જેમ યુવતી વધુ સેક્સી દેખાય એમ તેની પોસ્ટ ઉપર એંગેજમેન્ટ વધુ. સોશ્યલ મીડિયા ખાસ કરીને ઇન્સ્ટાગ્રામનો આ જ સિદ્ધાંત છે. હવે મોંઘીદાટ મેક-અપ કીટનો ઉપયોગ કરવો અને મેક-અપ ઠઠારવો એના કરતાં બેહતર છે કે એક પેઇડ એપ્લિકેશન સબ્સ્ક્રાઇબ કરીને એમાં રૂપાળું દેખાઈ જવું. આખી દુનિયા તો એ જ જોશે અને એ જ માનશે જે તમે બતાવી રહ્યા છો. મેક-અપ કીટ તો ખાલી થઈ જાય પણ કેમેરાના ફિલ્ટર ખાલી થતાં નથી. માટે મેક-અપનો સામાન આવી સ્ત્રીઓ ઓછો ખરીદે છે કારણ કે તેણે બહાર જવાનું હોતું જ નથી. તે તો આખો દિવસ સ્ક્રીનમાં જ રહે છે.
સામાજિક અને મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ જુવો તો આ બહુ મોટી ચિંતાનો વિષય કહેવાય. અહીં યુવતીઓનો એક મોટો વર્ગ વાસ્તવિકતાથી ભાગી રહ્યો છે. આવી યુવતીઓ માટે સ્ક્રીન જ આખો સંસાર છે. અસલ સંસારથી તેઓ ભાગી રહી છે કારણ કે જે લાઈક – કમેન્ટ તેમને ઇન્સ્ટા આપે છે એ રિયલ લાઇફમાં મળતું નથી. ફેમિલી ફંકશનમાં કોઈ દૂરના સગા ‘નાઇસ પીક ડીઅર’ એવી ટિપ્પણી કરતું નથી. માટે ફેઇક સેલ્ફ કોન્ફિડન્સના ભુક્કા બોલી જાય છે. માટે તેઓ જાહેરમાં આવવાનું પસંદ નથી કરતા પણ સ્ક્રીનમાં રહેવાનું પસંદ કરે છે.
મેક-અપ ઓછો વપરાય એ આપણી ચિંતાનો વિષય નથી, પણ આજની જનરેશન પોતાનું માઈન્ડ મેક અપ નથી કરી શકતા એ મોટી ઉપાધિનો વિષય છે. યુવાપેઢી અને કિશોર પેઢી તો જડબાતોડ હોવી જોઈએ. વાસ્તવિકતાને સ્વીકારતી હોવી જોઈએ. દંભમાં બહુ વડીલો જીવીને ગયા. આ નવી પેઢી તો સામી છાતીએ સત્યનો સ્વીકાર કરતી હોવી જોઈએ. જોઈએ, સ્ત્રીઓની નવી પેઢી, યુવતીઓની નવી જનરેશન કયા રસ્તા ઉપર આગળ વધે છે.