અમેરિકી બૅન્કોની સ્થિતિ કથળી હોવાના નિર્દેશો સાથે ગત એપ્રિલ મહિનામાં એકંદરે રોકાણકારોની સોનામાં સલામતી માટેની માગ જળવાઈ રહેતાં સતત બીજા મહિનામાં માસિકધોરણે ૧.૧ ટકા જેટલો સુધારો આગળ ધપ્યો હતો. જોકે, ગત સપ્તાહે અમેરિકાના વર્ષ ૨૦૨૩ના પહેલા ત્રિમાસિકગાળાના આર્થિક વિકાસદરના આંકડા બજારની અપેક્ષા કરતાં ઉણાં આવ્યા હોવાથી તેમ જ ફુગાવાની ઊંચી સપાટી જળવાઈ રહેતાં અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારા અંગે આક્રમક વલણ જાળવી રાખે તેવી ભીતિ સપાટી પર આવતા સપ્તાહના અંતે ઘટ્યા મથાળેથી માગ ખૂલતાં ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું. જોકે સ્થાનિક ઝવેરી બજારમાં સપ્તાહ દરમિયાન વૈશ્ર્વિક અહેવાલો અને ડૉલર સામે રૂપિયાની વધઘટને ધ્યાનમાં લેતાં સોનાના ભાવ બેતરફી સાંકડી વધઘટે અથડાઈને અંતે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે સાધારણ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૩નો ઘટાડો આવ્યો હતો. ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર સપ્તાહના આરંભે હાજરમાં સોનાના ભાવ આગલા સપ્તાહના ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૦,૧૯૧ના બંધ સામે નરમાઈના ટોને ૬૦,૦૯૬ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં ૬૦,૦૭૮ અને ઉપરમાં રૂ. ૬૦,૫૧૫ની રેન્જમાં અથડાઈને અંતે સાપ્તાહિક ધોરણે રૂ. ૨૩ના મામૂલી ઘટાડા સાથે રૂ. ૬૦,૧૬૮ના મથાળે રહ્યા હતા.
સ્થાનિકમાં ગત સપ્તાહે શનિવારે ધનતેરસ પછી સોનાની ખરીદી માટે સપરમા દિવસ ગણાતા અક્ષય તૃતિયાની દેશભરમાં ઉજવણી થઈ હતી, પરંતુ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૦,૦૦૦ની મનોવૈજ્ઞાનિક સપાટીની ઉપર જ પ્રવર્તી રહ્યા હોવાથી તહેવારની ખરીદી શુકનપૂરતી અથવા તો રાબેતા મુજબની સરખામણીમાં પાંખી માગ જોવા મળી હોવાનું એક હોલસેલરે જણાવ્યું હતું. વધુમાં અન્ય એક ડીલરે જણાવ્યું હતું કે હાલમાં સોનાની ભાવસપાટી ઊંચી હોવાથી ગ્રાહકો જૂનું સોનું આપીને નવું સોનું ખરીદી રહ્યા હોવાથી સપ્તાહ દરમિયાન જ્વેલરોની નવી ખરીદી પણ અત્યંત ઓછી રહી હતી. આમ એકંદરે માગ નિરસ રહેવાને કારણે સ્થાનિકમાં ડીલરો વૈશ્ર્વિક બજારની સરખામણીમાં સોનાના ભાવ જે આગલા સપ્તાહે ઔંસદીઠ ૧૬ ડૉલર ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હતા તેની સામે ૧૨ ડૉલર ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હતા.
વધુમાં સોનાના અગ્રણી વપરાશકાર દેશ ચીન ખાતે પણ વિશ્ર્વ બજાર પાછળ ભાવ ઊંચી સપાટીએ રહ્યા હોવાથી રિટેલ માગમાં ઘટાડો થયો હતો. તેમ જ રોકાણકારો પણ અન્ય રોકાણ તરફ વળ્યા હોવાથી રોકાણલક્ષી માગ પણ પાંખી રહી હોવાનું ગ્રેટર ચાઈના સ્થિત એમકેએસ પીએએમપીનાં રિજિનલ ડિરેક્ટર બર્નાર્ડ સિને જણાવતાં ઉમેર્યું હતું કે એકંદરે સોનામાં માગ નિરસ રહેતાં સ્થાનિક ડીલરો સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ ૨થી ૯ ડૉલર આસપાસના પ્રીમિયમમાં ઑફર કરી રહ્યા હતા. વધુમાં અમુક વિશ્ર્લેષકોનું માનવું છે કે અમેરિકામાં આર્થિક વિકાસદર ધીમો પડતાં તેની માઠી અસરો અન્ય અર્થતંત્રો પર પડતાં વૈશ્ર્વિક આર્થિક મંદીને ધ્યાનમાં લેતાં આગામી દિવસોમાં સોનામાં સલામતી માટેની માગ જળવાઈ રહેશે.
એકંદરે આર્થિક વૃદ્ધિની ચિંતા અને ડૉલર ઈન્ડેક્સની નરમાઈને કારણે ગત એપ્રિલ મહિનામાં વૈશ્ર્વિક બજારમાં સતત બીજા મહિનામાં માસિક ધોરણે સુધારો જોવા મળ્યો હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે હવે રોકાણકારોની નજર આગામી બીજી અને ત્રીજી મેના રોજ યોજાનારી અમેરિકી ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠક પર સ્થિર થઈ છે. હાલમાં અંદાજે ૮૫.૪ ટકા બજાર વર્તુળોનું માનવું છે કે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો વધારો કરશે. સામાન્યપણે આર્થિક અનિશ્ર્ચિતતાના સંજોગોમાં સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગ રહેતી હોય છે, પરંતુ હાલમાં વ્યાદરની ઊંચી સપાટી અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાથી વ્યાજની ઊપજ ન આપતી સોના જેવી અસ્ક્યામતોમાં રોકાણકારો સોનામાં નવી લેવાલીથી દૂર રહેતાં હોય છે. જોકે, ગત સપ્તાહે અમેરિકામાં વર્ષ ૨૦૨૩ના પહેલા ત્રિમાસિકગાળાના જીડીપીમાં ઘટાડો આવ્યાના અહેવાલો તેમજ અમેરિકામાં બૅન્કિંગ ક્ષેત્રની કથળેલી હાલતને ધ્યાનમાં લેતાં ગત સપ્તાહના અંત આસપાસ સોનામાં સલામતી માટેની છૂટીછવાઈ માગ ખૂલી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે હાલ સોના/ચાંદીનો રેશિયો ૪૫થી ૮૫ના સ્તરની વચ્ચે રહે છે તે જોતાં સોનાના ભાવમાં થોડાઘણાં અંશે કરેક્શન આવે તેવી શક્યતા છે. તેમ જ આ કરેક્શનને ખરીદવાની તક ગણી શકાય, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે અમારા મતે આગામી સપ્તાહ દરમિયાન વૈશ્ર્વિક સોના માટે ઔંસદીઠ ૧૯૮૦ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની અને ૨૦૦૦ ડૉલરની સપાટી પ્રતિકારક સપાટી પૂરવાર થઈ શકે છે, જ્યારે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૮,૦૦૦થી ૬૧,૦૦૦ની રેન્જમાં અથડાતા રહે તેવી શક્યતા જણાય છે.
દરમિયાન ગત સપ્તાહના અંતે બૅન્કોના ધોવાણની ભીતિ અને ફુગાવો ઊંચી સપાટી પર જળવાઈ રહ્યો હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદર વધારામાં આક્રમક અભિગમ જાળવી રાખે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો થવાથી ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ સાધારણ ૦.૧ ટકાના સુધારા સાથે ઔંસદીઠ ૧૯૮૯.૯૧ ડૉલર અને વાયદામાં ભાવ સાંકડી વધઘટે અથડાઈને ૧૯૯૯.૧૦ ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા. સિલિકોન વેલી બૅન્કની સમસ્યાઓને વહેલાસર ઓળખવામા નિષ્ફળ જવાની ફેડરલ રિઝર્વે આકારણીમાં કબુલાત કરવાની સાથે જણાવ્યું હતું કે હવેથી ધિરાણકર્તા બૅન્કો પર વધુ કડક દેખરેખ રાખવામાં આવશે અને કડક નિયમો કરવામાં આવશે. વધુમાં આ અહેવાલ એવા સમયે આવ્યો હતો, જ્યારે અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પણ ઘટાડો થવાથી સોનાના સુધારાને ટેકો મળ્યો હોવાનું એક વિશ્ર્લેષકે જણાવ્યું હતું.
આગામી નીતિવિષયક બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો વધારો કરે તેવી શક્યતા બજાર વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ રોકાણકારોની મુખ્યત્વે નજર બેઠકના અંતે વ્યાજદરમાં વધારો અટકાવવાનો સંકેત આપવામાં આવે છે કે નહીં તેના પર સ્થિર થઈ છે.