ગોરેગામના વાદક વૃંદને પુણેથી આવતા અકસ્માત
અકસ્માતો:
(અ) શનિવારે મુંબઈ-પુણે ધોરી માર્ગ પર રાયગડ પાસે બસ ખીણમાં ગબડી પડતાં ૧૩ જણ મૃત્યુ પામ્યા હતા અને ૨૯ જણ ઇજા પામ્યા હતા, એ ખીણમાં પડેલી બસના કાટમાળની તસવીર. (બ) બીજી તસવીર આંધ્ર પ્રદેશના અનંતપુરના સિંગનમાલા ખાતે એક પેસેન્જર બસમાં આગ લાગવાની ઘટનાની છે. (ક) ત્રીજી તસવીર કર્ણાટકના ટુમકુરુ પાસેના હિરેહલ્લી ગામ પાસે ખાનગી બસ જોડે અથડાયેલી એસયુવી કારની વિકૃત સ્થિતિની છે. એ અકસ્માતમાં કારમાં બેઠેલા ચાર જણ મૃત્યુ પામ્યા હતા.
પુણે: રાયગઢ જિલ્લામાં આવેલા જૂના મુંબઇ-પુણે હાઇવે નજીક એક બસ ખીણમાં પડી જતાં આશરે ૧૩ જણા માર્યા ગયા હતા અને ૨૯ જણા ઘાયલ થયા હતા. આ દુર્ઘટના શનિવારે વહેલી સવારે નોંધાઇ હતી એમ પોલીસોએ જણાવ્યું હતું.
આ ખાનગી બસમાં પારંપારિક સંગીત જૂથના લોકો પુણેથી મુંબઇ જઇ રહ્યાં હતાં. મુંબઇ-પુણેના જૂનાં હાઇવે નજીક આવેલા શિંગરોબા મંદિર નજીકની ખીણમાં આ બસ વહેલી સવારે ૪.૫૦ વાગ્યે પડી ગઇ હતી. એમ પોલીસના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું.
આ અકસ્માત ખોપોલી પોલીસ સ્ટેશનની હદમાં નોંધાયો હતો.
મુંબઇના ગોરેગામથી આવેલા ‘બાજી પ્રભુવાદક જૂથ’નાં સભ્યો આ બસમાં પુણેથી મુંબઇ જઇ રહ્યાં હતાં. પુણે જિલ્લામાં આવેલાં પિંપરી-ચિંચવડ વિસ્તારમાં એક ઇવેન્ટમાં ભાગી લીધાં પછી તેઓ પાછાં ફરી રહ્યા હતાં. આ બસ મોડી રાતના એક વાગ્યે કાર્યક્રમના સ્થળેથી મુંબઇ જવા નીકળી હતી, એમ આ અધિકારીએ જણાવ્યું હતું.
માર્યા ગયેલાઓમાં અને ઘાયલોમાં મોટાભાગના મુંબઇના ગોરેગામ અને સાયનના તેમ જ પાલઘર જિલ્લામાં આવેલા વિરારના હતા, એમ રાયગઢના સુપ્રીન્ટેન્ડટ ઑફ પોલીસ (એસપી) સોમનાથ ગર્ગે જણાવ્યું હતું. ઘાયલોને ખોપોલી રુરલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
છે. બસમાં મોટેભાગે ૧૮થી ૨૫ વર્ષની ઉંમરના લોકો હતા એમ વધારાના એસપી અતુલ ઝેન્ડેએ જણાવ્યું હતું.
સ્થાનિક પોલીસની એક ટૂકડી અને ટ્રેકરોનું એક જૂથ બચાવકાર્યમાં જોડાયું છે એમ પોલીસે વધુમાં જણાવ્યું હતું.
ખોપોલી એ મુંબઇથી ૭૦ કિ.મી. દૂર આવેલું છે.
કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે આ અકસ્માત અંગે હિન્દીમાં ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના રાયગઢમાં થયેલો અકસ્માત એ દુ:ખદ ઘટના છે. મેં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે આ અંગે વાતચીત કરી છે. સ્થાનિક વહીવટીતંત્ર આ અકસ્માતના બચાવકાર્યમાં જોડાયું છે. અકસ્માતમાં માર્યા ગયેલાઓના કુટુંબીજનોને હું દિલસોજી પાઠવું છું, અને ઈજાગ્રસ્તો જલદી સાજા થાય એવું ઈચ્છું છું.
મુખ્ય પ્રધાન શિંદેએ નવી મુંબઈમાં આવેલી એમજીએમ હૉસ્પિટલની મુલાકાત લઈને ઈજાગ્રસ્તોના ખબરઅંતર પૂછયા હતા. આ સિવાય તેમણે અકસ્માતના સ્થળની પણ મુલાકાત લીધી હતી. ઘાયલોમાંથી પાંચ જણાની હાલત ગંભીર હોવાનું જણાવ્યું હતું.
એકનાથ શિંદેએ આ અકસ્માતમાં માર્યા ગયેલાઓના નજીકના સંબંધીને રૂા. પાંચ લાખ આપવાની જાહેરાત કરી હતી અને ઈજાગ્રસ્તોની સારવારનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે એમ કહ્યું હતું.
બસમાં કુલ ૪૨ જણ હતા, જે ‘બાજી પ્રભુ ઝાંજ પથક’ના હતા. શિંગ્રોબા નજીક બસ પહોંચી ત્યારે બસના ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવતાં બસ ખીણમાં પડી હતી. (પીટીઆઇ)