કેફિયત-એ-કચ્છ -રાજેશ માહેશ્ર્વરી
૨૦૧૦માં કચ્છની બન્ની ભેંસ (કુંઢી) ભેંસની રાષ્ટ્રીય સ્તરે ૧૧મી નસ્લ (ઓલાદ) તરીકે સ્વીકૃતિ મળી. માલધારીઓ કહે છે કે “છુપા હીરાની સાચી પરખ થયી મતલબ બન્ની ભેંસ ચઢિયાતી તો હતી જ હવે બીજા લોકો પણ તેને એ રીતે સ્વીકારશે. પોતાની ભેંસને માન્યતા અપાવવાનું કે એ તરફ દેશનું ધ્યાન ખેંચવાનું કામ સ્વયં માલધારીઓ દ્વારા થયો હોય તેવો આ પ્રથમ બનાવ હતો. બન્ની (કુંઢી) ભેંસ માલધારીઓનું અને કચ્છી પ્રજાનું ગૌરવ વધાર્યું છે. કચ્છના પશુ સંશોધન પૈકી કચ્છી બકરી, કચ્છી ઊંટ ને હવે બન્ની ભેંસ એમ ત્રણ પશુ પ્રજાતિઓ રાષ્ટ્રીય માન્ય પશુધનમાં પોતાનું સ્થાન ધરાવે છે.
સામાન્ય રીતે પશુ નસ્લોનું નામ પ્રાચીન પરંપરાથી ચાલ્યુ આવતું હોય તેના આધારે નક્કી કરવામાં આવે છે. કચ્છી બકરી અને કચ્છી ઊંટની નસ્લનું નામ કચ્છ વિસ્તારને ધ્યાનમાં રાખીને જયારે બન્ની ભેંસનું નામ બન્ની વિસ્તારના આધારે કાયમ થયું છે. આમ જે તે પશુ નસ્લને રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ કે સ્વીકૃતી મળે એટલે જે તે વિસ્તારનું નામ પણ એ સાથે જોડાઇ જાય છે અને તેને ખ્યાતિ મળે છે.
કચ્છ એ સામાજિક, સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વૈવિધ્યતાથી સભર પ્રદેશ છે. બન્ની એ કચ્છના વૈવિધ્ય સભરતાનો એક ભાગ છે. છેલ્લા કેટલાય દાયકાઓથી બન્ની અલગ અલગ મુદ્દાઓને લઇને ચર્ચાના કેન્દ્રસ્થાને રહ્યું છે. બન્નીની ભાતિગળ સંસ્કૃતિ, હસ્તકલા, પશુપાલન, રણોત્સવ, પર્યટન અને પશુ મેળા જેવા રચનાત્મક મુદ્દાઓ પણ ચર્ચાના સ્થાને રહ્યાં છે.
હવે આપણે સૌ જાણીએ છીએ તેમ કચ્છના ભૂગોળ અને ભૂ-રચનામાં બન્નીનુ સ્થાન અને તેની જમીનનું બંધારણ કચ્છના અન્ય ભૌગોલિક સ્થાનોથી અલગ છે. બન્ની ‘બનઇ’ હોવાથી બન્ની કહેવાય છે. કરોડો વર્ષો પહેલાં સમુદ્રમાંથી જ્યારે કચ્છ ભૂમિની ઉત્પત્તિ થઇ તેના પછી બન્ની વિસ્તાર બન્યો હોવાનું મનાય છે. બન્ની કેવી રીતે બની તેના માટેના બે મતો પ્રચલિત છે. એક મત મુજબ જયારે સરસ્વતી નદી જીવિત હતી ત્યારે હિમાલયમાંથી પેદા થતી સરસ્વતી નદી રાજસ્થાન, બનાસકાંઠા થઇને કચ્છના મોટા રણમાં ફેલાઇને અરબ સાગરમાં વિલીન થતી હતી, ત્યારે સરસ્વતીના વહેણમાં હિમાલયન વિસ્તારમાંથી ઢસડાઇને આવતો કાંપ આ વિસ્તારમાં પથરાતો હતો તે કાપ જમા થતા ધીમે ધીમે આ વિસ્તાર ફળદ્રુપ બન્યો (વૈદિક સંસ્કૃતિ મુજબ). બીજા મત મુજબ બન્નીનુું સ્થાન કચ્છ મેઇન લેન્ડથી નીચાણમાં અને ઉત્તરી રણથી ઊંચાઇમાં હોવાથી કચ્છ મેઇન લેન્ડ (ભુજની પર્વતીય હારમાળા)ની ઉત્તરથી સાત નદીઓનું પાણી બન્નીમાં થઇને રણમાં સમાતું હોવાથી મેઇન લેન્ડમાંથી નદીઓ મારફતે ઢસડાઇને આવતો કાંપ બન્નીમાં પથરાય છે. અને આ ફળદ્રુપ કાંપને કારણે બન્ની ઘાસિયા મેદાન બન્યો.
કારણ જે પણ હોય પ્રાકૃતિક રીતે બન્ની અલગ પ્રકારનું ઇકોસિસ્ટમ (નિવસન તંત્ર) ધરાવતો વિસ્તાર છે. ઇકો સિસ્ટમ એટલે કે નિવસન તંત્ર અથવા પારિસ્થિતિક તંત્ર, ટૂંકમાં એક એવા પ્રકારની પર્યાવરણ પ્રણાલીનું ક્ષેત્ર કે જે કુદરતી રીતે બીજા વિસ્તારોથી અલગ પર્યાવરણીય સંતુલન અને પરિસ્થિતિ ધરાવતું હોય. અહીં અલગ અલગ કુલ ૩૨ પ્રકારની ઘાસની જાતો અને અનેક વિધ દેશી વૃક્ષો તેમ જ વનસ્પતિ જોવા મળે છે. ઘાસિયા ભૂમિ હોવાને કારણે પારંપરિક રીતે વિચરતી અને ધૂમ્મકડ (વણઝારા) એવી માલધારી જાતિઓ પાંચથી સાત સદીઓ પહેલાં પોતાના પશુઓ સાથે અલગ અલગ સ્થાનોએથી આવી તે અહીં વસી ધીમે ધીમે સ્થાય પણ થયા. કચ્છ રાજના વખતમાં પણ બન્નીને મહાલ તરીકેનો અલગ દરજજો હતો. ઉપરાંત કચ્છ રાજે બન્નીને ફકત ગાયોના ચરિયાણ માટે અનામત રાખેલું. (બન્નીનું જમીનનું બંધારણ કદાચ માત્ર ઘાસ ઊગી શકે તેવા પ્રકારનું હોઇ ખેતી કે અન્ય કોઇ પણ પ્રકારની પ્રવૃત્તિઓ અહીં ન થાય તેવી જોગવાઇ કરવામાં આવી હતી.)
આમ, બન્ની એટલે ઘાસિયા ભૂમિ અને ઘાસિયા ભૂમિ એટલે પશુઓની ભૂમિ. પશુપાલન અહીં નૈસર્ગિક રીતે વિકસ્યું છે. મર્યાદિત પાણીના સ્ત્રોતો. દુષ્કાળોમાં સ્થળાંતર, વિષમ તાપમાન જેવી કઠીન કુદરતી પરિસ્થિતિને કારણે અહીંના પશુઓ પણ ખડતલ અને વિષમ પરિસ્થિતિમાં ટકી રહેનારા બન્યા છે. પશુઓ સાથે અહીંનો માલધારી પણ વિકટ પરિસ્થિતિમાં સમય સંજોગોમાં અનુકૂળ થઇને ખંતીલા અને ખડતલ બન્યા છે.
પશુઓને ઉછેરનાર માલધારીઓની જીવનશૈલી પણ માલ આધારિત બની છે. તેમની જીવન શૈલી અને સંસ્કૃતિ પણ ‘માલધારી સંસ્કૃતિ’ તરીકે ઓળખાઇ છે. અહીંના મોટા ભાગના માલધારીઓ મુસ્લિમ સમાજના છે. આ માલધારીઓ અને વસતા હરિજન (મેઘવાળ) સમુદાયના લોકો પણ પશુઓના ચર્મ આધારિત કલા ચર્મકલા અને હસ્તકળા સાથે સંકળાયેલા છે. આ રીતે બન્નીનું ઇકો સિસ્ટમ (નિવસન તંત્ર) ઘાસ માલ અને માલધારી જીવનશૈલી માટેનું અનુકૂળ તંત્ર છે.
માલધારી જીવનશૈલી એ કુદરતને અનુકૂળ જીવનશૈલી એટલે કુદરતમાંથી લેવું અને કુદરતને પાછું આપવું જે મળે છે. તે જ જરૂરિયાત, પરંતુ પૂરતું લેવું જેથી કુદરત (પર્યાવરણ)નું સંતુલન પણ જળવાઇ રહે. બન્નીના માલધારીઓની જીવનશૈલી બન્નીની પર્યાવરણનું સંતુલન પણ જળવાઇ રહે.
બન્નીના માલધારીઓની જીવન શૈલી બન્નીની પર્યાવરણ પ્રણાલીને અનુકૂળ છે. તેઓ બન્નીમાંથી મળતા સ્ત્રોતો જેવા કે લાકડું, ઘાસ, માટી, છાણ વગેરેના ઉપયોગથી પોતાના ભૂંગા બનાવે છે. માટી કામ, ભરત કામ, હસ્તકળા વડે માલધારી બહેનો તેમાં પોતાની કલા-શૃંગાર દ્વારા ઊર્મિઓને વ્યક્ત કરે છે. સ્થાનિક નસલના દેશી પશુઓને પાળીને જૈવિક સંપદાનું સંરક્ષણ અને જતન કરે છે. ઉપરાંત પોતાના પશુઓના માધ્યમથી તે પશુઓ પર નભતા જંગલી પશુઓનું પણ સંરક્ષણ કરે છે.
પૂરક માહિતી : રમેશ ભટ્ટી
(ક્રમશ:)