યાર્ડમાં બુલેટ ટ્રેનના ક્લિનિંગ અને રિપેરિંગનું કામકાજ હાથ ધરવામાં આવશે, જાપાની મશીનરોનો થશે ઉપયોગ
ક્ષિતિજ નાયક
મુંબઈ: મુંબઈ-અમદાવાદ વચ્ચેની મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેન માટે ગુજરાતની સાથે મહારાષ્ટ્રમાં પણ જમીન-સંપાદનનું કામકાજ ૯૮ ટકા પાર પાડવાના અહેવાલ વચ્ચે મુંબઈમાં બીકેસીમાં ટર્મિનસ બનાવવાની પ્રક્રિયાની સાથે મુંબઈ નજીકના થાણેમાં યાર્ડ બનાવવા માટે તખતો તૈયાર કરી દેવામાં આવ્યો છે અને એના માટે બિડ પણ બહાર પાડવામાં આવી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
બીકેસીમાં અગાઉથી ટર્મિનસનું નિર્માણ કાર્ય માટે બિડ બહાર પાડવામાં આવી છે, જ્યારે થાણેમાં બુલેટ ટ્રેનને પાર્ક કરવાનું યાર્ડ બનાવાશે. અહીંના યાર્ડમાં બુલેટ ટ્રેન માટે રિપેરિંગ અને ક્લિનિંગની વ્યવસ્થા કરવામાં આવશે, જ્યારે વોશિંગ પ્લાન્ટની સાથે ઈન્સ્પેક્શન પણ કરવામાં આવશે. શરૂઆતના તબક્કે ઈન્સ્પેક્શનની ચાર લાઈન હશે. આ ઉપરાંત, ૧૦ સ્ટેબલિંગ લાઈનનું નિર્માણ કરવામાં આવશે. તબક્કાવાર ધીમે ધીમે વધારો કરવામાં આવશે અને આઠ ઈન્સપ્કેશશનની લાઈન હશે, જ્યારે ૩૧ જેટલી સ્ટેબલિંગ લાઈન બનાવી શકાશે, એમ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એનએચએસઆરસીએલ)ના અધિકારીએ જણાવ્યું હતું. એનએચએસઆરસીએલ એક પેકેજ અન્વયે થાણેમાં રોલિંગ સ્ટોક ડેપો માટે બિડ આમંત્રિત કરવામાં આવી છે, જેમાં યાર્ડના બાંધકામની કામગીરીનો સમાવેશ થાય છે. જાપાનના શિકાસીન ડેપોના માફક થાણેમાં તૈયાર કરવામાં આવશે. અહીંના યાર્ડમાં જરૂરી મશીનરી પણ જાપાનથી લાવવામાં આવશે, જ્યારે બુલેટ ટ્રેનના સેફ્ટીના પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે. બુલેટ ટ્રેનના યાર્ડમાં વેન્ટિલેશનની સારી વ્યવસ્થા રહેશે. એટલું જ નહીં, અહીંનો ડેપો એનર્જી એફિશિયન્ટ હશે, જ્યારે ભવિષ્યમાં સોલાર પેનલ બેસાડવામાં આવશે, જેથી જરૂરી ઊર્જા પણ પ્રાપ્ત કરી શકાશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
મુંબઈ-અમદાવાદ વચ્ચેના ૫૦૮ કિલોમીટરના અંતરમાં કલાકના ૩૫૦ કિલોમીટરની ઝડપથી બુલેટ ટ્રેન દોડાવવાની યોજના છે, જેમાં પહેલા તબક્કામાં બિલિમોરાથી સુરત વચ્ચે ટ્રેન દોડાવવામાં આવશે. ભૂતકાળમાં મહારાષ્ટ્ર સરકાર (એમવીએ)ના અવરોધને કારણે સમગ્ર યોજના પર પાણી ફરી વળ્યું હતું. જોકે, નવી સરકારના ગઠન પછી મહારાષ્ટ્રમાં કામકાજમાં ગતિ આવી છે. મહારાષ્ટ્રમાં જમીન સંપાદનનું કામકાજ ૯૮ ટકા પાર પાડવામાં આવ્યું છે. ૧૧૮ કિલોમીટરના કોરિડોરમાં પોલ બનાવી દેવામાં આવ્યા છે, જ્યારે સ્ટીલ અને લોખંડના ગર્ડર તૈયાર કરવામાં આવ્યા છે, જ્યારે બુલેટ ટ્રેનના સ્ટેશનનું પણ કામકાજ ચાલુ કરવામાં આવ્યું છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
મહારાષ્ટ્રની તુલનામાં ગુજરાતમાં નોંધપાત્ર કામગીરી થઈ છે, જેમાં ગુજરાતમાં સિવિલ કામકાજ ફાળવવામાં આવ્યું છે, જ્યાં ગર્ડર બેસાડવાની સાથે નાના-મોટા પુલ બનાવવામાં આવ્યા છે. આ મુદ્દે રેલવે મંત્રાલયે કહ્યું હતું કે ૨૩મી નવેમ્બર સુધીમાં ભૌતિક પ્રગતિ ૨૪.૧ ટકા હતી. ગુજરાતમાં ૩૦ ટકા અને મહારાષ્ટ્રમાં ૧૩ ટકા કામકાજ પૂરું થયું છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન મહત્ત્વાકાંક્ષી યોજના છે, જેમાં મુંબઈથી અમદાવાદ વચ્ચે ૫૦૮ કિલોમીટરનું અંતર છે, જ્યારે આ પ્રકલ્પ સાકાર થયા પછી મુંબઈથી અમદાવાદ બે કલાકમાં પહોંચી શકાશે. આ પ્રોજેક્ટ અંતર્ગત કામ કરનારી એજન્સી એનએચએસઆરએલ છે, જે બાંદ્રા-કુર્લા-કોમ્પ્લેક્સ, થાણે, વિરાર અને બોઈસરમાં નેટવર્ક વિકસાવવાનું છે.