ઉત્તરાખંડના જોશીમઠમાં થઇ રહેલા ભૂસ્ખલન વચ્ચે 4 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જે ઈમારતોમાં તિરાડો પડી છે અને વધુ પડતું નુકસાન થયું છે તેને જમીનદોસ્ત કરવામાં આવશે, જેથી નજીકની બીજી ઈમારતોને નુકસાન ન થાય. ડિમોલિશનનું કામ આજથી એટલે કે મંગળવારથી શરૂ થશે.
અધિકારીઓએ આપેલી માહિતી મુજબ જોશીમઠના વિસ્તારને ત્રણ ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. ભૂસ્ખલનના જોખમને ધ્યાનમાં રાખીને આ ઝોન બનાવવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ ભૂસ્ખલનને કારણે જોશીમઠની 600થી વધુ ઈમારતોમાં તિરાડો પડી ગઈ છે. સૌથી વધુ અસરગ્રસ્ત ઈમારતોને તોડી પાડવામાં આવશે.
જોશીમઠને આપત્તિગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે અને શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં બાંધકામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એક અહેવાલ મુજબ લગભગ 4 હજાર લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. જોશીમઠનો 30 ટકા વિસ્તાર ભૂસ્ખલનથી પ્રભાવિત થયો છે. નિષ્ણાતોની એક સમિતિ તપાસ કરી આ અંગે અહેવાલ આપશે, જે પીએમ કાર્યાલયને સુપરત કરવામાં આવશે.