નવી દિલ્હીઃ બજેટ સત્રની ચર્ચા કર્યા વિના સંસદીય સત્ર પૂરું થવા મુદ્દે ગૃહ પ્રધાન અમિત શાહે વિપક્ષોની ઝાટકણી કાઢી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અહીં કૌશાંબી મહોત્સવનો શુભારંભ વખતે કોગ્રેસ સહિત વિપક્ષના પક્ષોની ઝાટકણી કાઢી હતી. લોકસભાના સાંસદ તરીકેનું સભ્યપદ રદ કરવામાં આવ્યા પછી ગૃહને ચાલવા નહીં દેવા સંબંધમાં કોંગ્રેસની ટીકા કરી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાને કહ્યું હતું કે ઈતિહાસમાં ક્યારેય એવું બન્યું નથી કે બજેટ સત્ર વિના સંસદીય ગૃહનું સત્ર પૂરું થયું હોય.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહેએ કહ્યું હતું કે ગઈકાલે સંસદીય સત્ર પૂરું થયું હતું. આઝાદીના ઈતિહાસમાં પણ ક્યારેય બન્યું નથી એવું દેશના બજેટ સત્રની ચર્ચા કર્યા વિના પૂરું થયું હતું.
વિરોધપક્ષના નેતાઓએ ગૃહની કામગીરી ચાલવા જ દીધી નહીં અને એનું કારણ હતું રાહુલ ગાંધી. રાહુલ ગાંધીનું સાંસદ તરીકેનું સભ્યપદ રદ કરવા અને સજાને પણ કોર્ટમાં પડકારી છે, પણ તમે સાંસદના સમયની બલિ ચઢાવી છે, એવું તેમણે જણાવ્યું હતું.

આ મુદ્દે અમિત શાહે ગાંધી પરિવાર પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે સોનિયાજી હોય કે રાહુલજી કે પછી કોઈ પણ હોય, પણ મોદીજીને ગાળો આપ્યા પછી કમળ વધારે મજબૂત બન્યું છે. તેઓ કહે છે કે લોકશાહી ખતરામાં છે, લોકશાહી ખતરામાં નથી, પરંતુ તમારો પરિવાર ખતરામાં છે. વાસ્તવમાં તમે આ લોકશાહીને જાતિવાદ, પરિવારવાદ અને તુષ્ટિકરણના ત્રણ નખમાં ઘેરી લીધા છે.
સંસદનું બજેટ સત્ર બીજા તબક્કામાં 13મી માર્ચથી છ એપ્રિલ સુધીનું હતું. આ સત્ર ગઈકાલે પૂરું થયું હતું. બજેટ સત્રમાં કોઈ પણ જાતની ચર્ચા કર્યા વિના વિપક્ષોએ સૌથી વધારે અવરોધ ઊભો કર્યો હતો, જેથી બજેટ સત્ર ચાલ્યું જ નહોતું. બજેટ સત્રમાં રાહુલ ગાંધીના સભ્યપદ રદ કરવા મુદ્દે કોંગ્રેસે નિરંતર સેશન ચાલવા દીધું નહોતું. આ ઉપરાંત, અદાણી મુદ્દે જેપીસી નિમવાનો પણ આગ્રહ રાખ્યો હતો, જ્યારે તેની સામે સત્તાધારી ભાજપના સભ્યોએ પણ રાહુલ ગાંધીએ માફી માગવા મુદ્દે અવરોધ ઊભો કર્યો હતો.