Homeદેશ વિદેશમુંબઈગરા, ખેડૂતો, શિક્ષકો, રિક્ષા-ટૅક્સી ચાલકોને બજેટમાં લહાણી

મુંબઈગરા, ખેડૂતો, શિક્ષકો, રિક્ષા-ટૅક્સી ચાલકોને બજેટમાં લહાણી

મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને નાણાં પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્ય વિધાનસભામાં ગુરુવારે રજૂ કરેલા નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના અંદાજપત્રમાં મુંબઈગરા, ખેડૂતો, શિક્ષકો, રિક્ષા-ટૅક્સી ચાલકો, મહિલાઓ, માછીમારો સહિત દરેક ક્ષેત્રના લોકોને ખુશ કરવાનો પ્રયાસ કરાયો હતો. ૧૬,૨૦૦ કરોડ રૂપિયાની મહેસૂલી ખાધ દર્શાવતા બજેટમાં ૧,૭૨,૦૦૦ કરોડ રૂપિયાની જોગવાઈઓ જાહેર કરાઈ છે. બજેટને પગલે સરકાર પર ૩,૩૧૨ કરોડ રૂપિયાનો નાણાકીય બોજ આવનાર હોવાનું નાણાં પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું. આ બજેટમાં નોકરી-વ્યવસાય કરતી
મહિલાઓને પ્રોફેશન ટૅક્સમાં રાહત, પ્રત્યેક ખેડૂતને ૬,૦૦૦ રૂપિયાની સહાય, ખેડૂતો માટે ૧ રૂપિયાની પાક વીમા યોજના, મહિલાઓને સરકારી બસોના ટિકિટભાડાંમાં ૫૦ ટકા ડિસ્કાઉન્ટ અને ક્ધયાસંતાનો માટે નવી યોજના બજેટની મુખ્ય લાક્ષણિકતાઓ છે. આદિવાસીઓ-પછાત વર્ગો તથા મુંબઈ સંબંધી જાહેરાતો પણ નોંધપાત્ર છે. બજેટમાં માળખાકીય વિકાસની યોજનાઓમાં મૂડીરોકાણ, રોજગારીના અવસરોમાં વૃદ્ધિ, યુવાનોમાં કૌશલ્યવૃદ્ધિ અને પર્યાવરણને અનુકૂળ વિકાસપ્રવૃત્તિને પણ મહત્ત્વ આપવામાં આવ્યું છે. જેટ ફ્યુઅલ પર વૅટ (વેલ્યુ ઍડેડ ટૅક્સ) પચીસ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવ્યો છે.
નાણાં પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન મુંબઈ મહાનગર ક્ષેત્રમાં ૫૦ કિલોમીટરનું મેટ્રો નેટવર્ક ઉમેરવાની જાહેરાત કરી હતી. અંદાજિત ૪,૪૭૬ કરોડ રૂપિયાના ખર્ચે ગાઈમુખથી મીરારોડ-શિવાજી ચૌક સુધી ૯.૨ કિલોમીટરની મેટ્રો લાઇન-૧૦, અંદાજિત ૮,૭૩૯ કરોડ રૂપિયાના ખર્ચે વડાલાથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સુધી મેટ્રો લાઇન -૧૧, અંદાજિત ૫,૮૬૫ કરોડ રૂપિયાના ખર્ચે કલ્યાણથી તલોજા સુધી ૧૨.૭૭ કિલોમીટરની મેટ્રો લાઇન-૧૨ સહિતની મુંબઈ મેટ્રોની યોજનાઓ આ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે.
દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે મુંબઈની સૌંદર્યવૃદ્ધિ અને વિવિધ વિસ્તારોના સુશોભનની યોજનાના ભાગરૂપે ૧,૭૨૯ કરોડ રૂપિયાના ખર્ચે ૮૨૦ સાર્વજનિક સુવિધાઓમાં સુધારા હાથ ધરવામાં આવશે. મુંબઈની આસપાસ જળમાર્ગોનો વાહન વ્યવહાર વધારવામાં આવશે. એ યોજનામાં થાણે અને વસઈની ખાડીઓમાં જળવાહન વ્યવહારની ૪૨૪ કરોડ રૂપિયાની યોજના હાથ ધરવામાં આવી છે. ગેટવે ઑફ ઇન્ડિયા નજીક રેડિયો કલબ પાસે વૉટર ટ્રાન્સપોર્ટની જેટ્ટી બાંધવા માટે ૧૬૨.૨૦ કરોડ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે. તેનાથી દક્ષિણ મુંબઈ તથા કલ્યાણ, ડોંબિવલી, થાણે, વસઈ અને નવી મુંબઈ વચ્ચે જળવાહન વ્યવહાર વધશે. દાદરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના સ્મારકનું બાંધકામ વર્ષ ૨૦૨૫માં પૂર્ણ થશે. શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેના સ્મારકનું બાંધકામ વર્ષ ૨૦૨૩માં પૂરું થશે. શિરડી ઍરપોર્ટનું નવું પેસેન્જર ટર્મિનલ ૫૨૭ કરોડ રૂપિયામાં પાર પાડવામાં આવશે.
ફડણવીસે ગુરુવારે બપોરે બે વાગ્યે વિધાનસભામાં બજેટની જોગવાઈઓ વાંચવાની શરૂઆત કરી હતી. તેમણે હંમેશના પેપર ડૉક્યુમેન્ટના સ્થાને આઈપૅડમાંથી બજેટની જોગવાઈઓનું વાચન કર્યું હતું. ફડણવીસે નવી શિંદે સરકારમાં નાણાં પ્રધાન તરીકે પહેલી વખત બજેટ રજૂ કર્યું હતું. દેવેન્દ્ર ફડણવીસ વર્ષ ૨૦૧૪થી વર્ષ ૨૦૧૯ના ગાળામાં ભાજપની સરકારના મુખ્ય પ્રધાન હતા ત્યારે નાણાં પ્રધાન સુધીર મુનગંટીવારે બજેટ રજૂ કર્યા હતા.
બજેટ રજૂ કરતાં નાણાં પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે અગાઉની પાક વીમા યોજનામાં ખેડૂતોએ પાક વીમાની બે ટકા રકમ પ્રીમિયમમાં ભરવાની રહેતી હતી. હવે ખેડૂતોએ પ્રીમિયમ ભરવાનું નહીં રહે, સરકાર પ્રીમિયમ ભરશે. નમો શેતકરી મહાસન્માન યોજના હેઠળ રાજ્ય સરકાર તરફથી (કેન્દ્ર સરકારની પીએમ કિસાન સમ્માન નિધિની ૬,૦૦૦ રૂપિયાની સહાય ઉપરાંત) ૬,૦૦૦ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. ૧.૧૫ કરોડ ખેડૂત પરિવારોને એ યોજનાનો લાભ અપાશે. તેને માટે ૬૯૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ સરકાર ભોગવશે. નવી ‘લેક લાડકી’ યોજના હેઠળ પીળા અને કેસરી રેશન કાર્ડધારક પરિવારમાં ક્ધયાનો જન્મ થાય તો એ પરિવારને ૫,૦૦૦ રૂપિયાની સબસિડી અપાશે. એ બાળકીને ભણતર માટે એ પહેલા ધોરણમાં આવે ત્યારે ૪,૦૦૦ રૂપિયા, છઠ્ઠા ધોરણમાં આવે ત્યારે ૬૦૦૦ રૂપિયા અને ૧૧મા ધોરણમાં આવે ત્યારે ૮,૦૦૦ રૂપિયા અપાશે. એ ક્ધયા ૧૮ વર્ષની થાય ત્યારે ૭૫,૦૦૦ રૂપિયાની રોકડ રકમ તેને આપવામાં આવશે. મહિલાઓને ફ્લેટની ખરીદીમાં સ્ટૅમ્પ ડ્યુટીમાં ૧ ટકાની રાહત આપવામાં આવશે. હતાશ, અસહાય, જાતીય શોષણથી મુક્ત કરાયેલી અને કૌટુંબિક હિંસાનો ભોગ બનેલી મહિલાઓને આશ્રય માટે ‘શક્તિ સદન’ની (સ્વાધાર અને ઉજ્જ્વલા યોજનાઓના સમન્વય દ્વારા કેન્દ્ર સરકારની સહાયથી) યોજના પણ હાથ ધરવામાં આવશે. પચીસ હજાર રૂપિયા સુધી પગાર ધરાવતી મહિલાઓનો પ્રોફેશન ટૅક્સ માફ કરવામાં આવ્યો છે. અગાઉ ૧૦,૦૦૦ રૂપિયાથી વધારે પગાર ધરાવતી મહિલાઓએ પ્રોફેશન ટૅક્સ ભરવો પડતો હતો.
દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે ખેડૂતોને સહાય સંબંધી ફાળવણીની રકમમાં ૬,૯૦૦ કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારની આરોગ્ય વીમા યોજના મહાત્મા ફુલે જનઆરોગ્ય યોજનામાં અપાતી રકમ ૧.૫૦ લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવી છે. મુંબઈ, અમરાવતી, નાશિક, છત્રપતિ સંભાજી નગર અને નાગપુરના સાર્વજનિક ઉદ્યાનોમાં શિવાજી મહારાજના જીવન અને કાર્ય વિશે ઑડિયો-વિઝ્યુઅલ્સ દર્શાવવાની વ્યવસ્થા માટે ૨૫૦ કરોડ રૂપિયા ફાળવાયા છે. બીજીથી નવમી જૂન વચ્ચે શિવનેરી કિલ્લા ખાતે શિવાજી મહારાજના રાજ્યાભિષેકના અવસરની ઉજવણી માટે ૩૫૦ કરોડ રૂપિયા, શિવાજી મહારાજે સ્થાપેલા કિલ્લાની જાળવણી માટે ૩૦૦ કરોડ રૂપિયા ફાળવાયા હોવાનું ફડણવીસે જણાવ્યું હતું. ખેડૂતોને કરજમાફી યોજનાનો લાભ આપવા અને નૈસર્ગિક ખેતીને પ્રોત્સાહનની પણ તેમણે જાહેરાત કરી હતી. (એજન્સી)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -