કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આજે બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં મહિલાઓ, યુવાનો અને વરિષ્ઠ નાગરિકોનું વિશેષ ધ્યાન રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ વખતે સૌથી મહત્વની વાત એ છે કે ટેક્સ સ્લેબમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. નવા ટેક્સ સ્લેબ અનુસાર, 7 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓએ હવે કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. બજેટમાં કરાયેલી જાહેરાતો બાદ નેતાઓની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે.
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ફારૂક અબ્દુલ્લાએ કહ્યું છે કે બજેટમાં મધ્યમ વર્ગને મદદ કરવામાં આવી છે, દરેકને કંઈક ને કંઈક આપવામાં આવ્યું છે.
કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું કે બજેટમાં કેટલીક સારી બાબતો હતી, હું તેને સંપૂર્ણપણે નકારાત્મક નહીં કહું, પરંતુ હજુ પણ ઘણા પ્રશ્નો ઉભા છે. બજેટમાં મનરેગાનો કોઈ ઉલ્લેખ નહોતો. મજૂરો માટે સરકાર શું કરવા જઈ રહી છે? બેરોજગારી, મોંઘવારી વિશે પણ વાત કરવામાં આવી ન હતી.
આરજેડી સાંસદ મનોજ ઝાએ કહ્યું કે મેં નાણાપ્રધાનને ઘણી વખત કહ્યું છે કે જ્યારે પણ બજેટ બનાવવામાં આવે ત્યારે કલમ 39 નો સંદર્ભ લો. બંધારણ સામે આંખ બંધ કરીને બજેટ બનાવશો તો કંઈ પ્રાપ્ત થશે નહીં. તમે રોજગાર માટે ગોળ ગોળ વાત કરી. આ બજેટ ખાસ લોકો દ્વારા ખાસ લોકો માટે ખાસ રીતે તૈયાર કરવામાં આવેલ બજેટ છે.
પીડીપી નેતા મહેબૂબા મુફ્તીએ કહ્યું કે આ બજેટ એ જ છે જે છેલ્લા 8-9 વર્ષથી આવી રહ્યું હતું. ટેક્સ વધારવામાં આવે છે, કલ્યાણકારી યોજનાઓ અને સબસિડી પાછળ નાણાં ખર્ચવામાં આવી રહ્યાં નથી. જનતાને ટેક્સનો લાભ મળવો જોઈએ, પરંતુ તેનાથી તેની કમર તૂટી રહી છે.
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે 2023-24ના કેન્દ્રીય બજેટે દેશના લોકોને આશાને બદલે નિરાશા આપી છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે બજેટથી મોંઘવારી અને બેરોજગારીમાં વધારો થયો થશે.
કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે આ બજેટથી મહિલાઓનું સન્માન વધ્યું છે, બાળકો અને કિશોરો માટે ડિજિટલ લાઈબ્રેરીની જાહેરાતમાં જિલ્લા સ્તરે બાળકો કેવી રીતે ભણશે અને વિકાસ કરશે તેનો ઉલ્લેખ કર્યો છે. મહિલા શક્તિ કેવી રીતે મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે તેનું પ્રતિબિંબ આજના બજેટમાં જોવા મળે છે. આ બજેટ મધ્યમ વર્ગના હિતમાં પણ છે, વિપક્ષ ભલે નારાજ હોય ભારતના લોકો તેનાથી ખુશ છે.
બજેટ અંગે રક્ષાપ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે 2023-24 માટેનું કેન્દ્રીય બજેટ ખેડૂતો, મહિલાઓ, સીમાંત વર્ગો અને મધ્યમ વર્ગને સહાય પૂરી પાડવાની પ્રાથમિકતા સાથે વિકાસ અને કલ્યાણ પર કેન્દ્રિત છે