આજે બધાની નજર કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમન પર છે. લોકોને બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ હોય છે. આગામી વર્ષે 2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે એ પહેલા નરેન્દ્ર મોદી 2.0 સરકારનું છેલ્લું પૂર્ણ બજેટ હશે.
સંસદ જતા પહેલા કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમને બજેટને લઈને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. તેમની સાથે નાણા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. આ સામાન્ય પ્રક્રિયા છે જે બજેટની રજૂઆત પહેલા અનુસરવામાં આવે છે. રાષ્ટ્રપતિએ બજેટને ઔપચારિક મંજુરી આપી હતી.
ત્યારબાદ તેઓ સંસદ ભવન પહોંચ્યા હતા. બજેટ રજૂ કરતા પહેલા નાણાપ્રધાનની તસવીર સામે આવી છે. નિર્મલા સીતારમન આ વર્ષે પણ પેપરલેસ બજેટ રજૂ કરશે. તેના હાથમાં લાલ કપડાથી ઢંકાયેલું આઈપેડ જોઈ શકાય છે.
નિર્મલા સીતારમણે જ બ્રીફકેસમાં ખાતાવહી લાવવાની વર્ષો જૂની પરંપરાને તોડી હતી. વર્ષ 2021થી તેઓ લાલ-મખમલના કપડામાં ઢંકાયેલ ‘મેડ-ઈન-ઈન્ડિયા’ આઈપેડમાં બજેટની ડિજીટલ કોપી લઈને આવે છે.
બજેટ પહેલા શેરબજારમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 378.32 પોઈન્ટ એટલે કે 0.64 ટકાના વધારા સાથે 59,928.22 પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી 109.95 પોઈન્ટ એટલે કે 0.62 ટકાના વધારા સાથે 17,772.10 પર જોવા મળી રહ્યો છે.