કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારામન 1 ફેબ્રુઆરીએ દેશનું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં કોરોનાના પ્રકોપને કારણે, ભારતની અર્થવ્યવસ્થાને પણ ઘણી અસર થઈ છે. ભારતની અર્થવ્યવસ્થા ધીમે ધીમે પરિસ્થિતિમાંથી બહાર આવી રહી છે. દરેક આવનારું બજેટ કંઈક નવું લઈને આવે છે, પરંતુ એક વાત છેલ્લા 75 વર્ષથી અચળ રહી છે. બજેટ તૈયાર કરતી વખતે ગુપ્તતાનું પાલન કરવામાં આવે છે.
નાણા પ્રધાનના ભાષણ પહેલા બજેટની વાતો બહાર ન જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. તેના માટે બજેટ તૈયાર કરનારી ટીમે કોઈના સંપર્કમાં આવ્યા વિના થોડા દિવસ નાણા મંત્રાલયમાં રહેવું પડે છે. ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના આ જમાનામાં કોઈ પણ વાતને લાંબા સમય સુધી ગુપ્ત રાખી શકાતી નથી. આવી સ્થિતિમાં પણ નાણા મંત્રાલયના બજેટને ગુપ્ત રાખવું ખૂબ મુશ્કેલ છે.
બજેટ કેન્દ્રીય નાણા મંત્રાલય અને અન્ય વિભાગોના કેટલાક અધિકારીઓની મદદથી તૈયાર કરવામાં આવે છે. આ માટે પસંદગીના અધિકારીઓની ટીમ નાણા મંત્રાલયમાં રાખવામાં આવે છે. તેમને બહારની દુનિયા સાથે કોઈપણ પ્રકારના સંપર્કની મંજૂરી નથી, જે દરમિયાન તેઓ એક રીતે ક્વોરેન્ટાઈન થઈ ગયા હોય છે.
ઇન્ટેલિજન્સ બ્યુરો આ અધિકારીઓની દરેક કાર્યવાહી પર ચાંપતી નજર રાખે છે. આ કામમાં દિલ્હી પોલીસ પણ તેમની મદદ કરે છે. આ ટીમમાં કાયદા મંત્રાલય, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી) અને સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઈઝ એન્ડ કસ્ટમ્સ (સીબીઈસી)ના કેટલાક કાનૂની નિષ્ણાતોનો સમાવેશ થાય છે. તેમજ આ બજેટની નકલો તૈયાર કરવા માટે પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોના અધિકારીઓને ભોંયરામાં રાખવામાં આવ્યા છે.
આ અધિકારીઓને ઘરે જવા દેવાતા નથી. નાણા મંત્રાલય દિલ્હીના નોર્થ બ્લોકમાં તેમના ભોજન અને રહેવાની તમામ વ્યવસ્થા કરે છે. અંદર કામ કરતી વખતે આ લોકોના મોબાઈલ ફોન કે અન્ય વસ્તુઓ પણ જમા કરી દેવામાં આને છે. બધા આંતરિક કમ્પ્યુટર્સ પણ સર્વરથી ડિસ્કનેક્ટ કરી નાખવામાં આવે છે. જ્યારે નાણા પ્રધાન સંસદમાં બજેટ રજૂ કરે છે ત્યારે આ ટીમને બોલાવવામાં આવે છે.
બજેટનું પ્રિન્ટિંગ શરૂ થાય તે પહેલા હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવે છે. આ પ્રસંગે નાણા મંત્રાલયના કર્મચારીઓને કેન્દ્રીય નાણા પ્રધાનના હાથેથી મીઠાઈ આપવામાં આવે છે. આ ઇવેન્ટનું મહત્વ એ છે કે મીઠાઈ પીરસવામાં આવ્યા પછી, બજેટની તૈયારી અને પ્રિન્ટિંગ પ્રક્રિયામાં સીધા જ સંકળાયેલા અધિકારીઓ અને સહાયક કર્મચારીઓએ વિશ્વ સાથેનો તેમનો સંપર્ક કાપી નાખવો પડે છે અને મંત્રાલયમાં રહેવું પડે છે.
ક્યારેક કટોકટીના કિસ્સામાં, અધિકારીને એક રૂમમાં લઈ જવામાં આવે છે જ્યાં તેને ગુપ્તચર અધિકારીની હાજરીમાં કૉલ કરવાની મંજૂરી આપવામાં આવે છે.