2023-24ના કેન્દ્રીય બજેટને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે આજે આપણે અહીં વાત કરીએ બજેટ સાથે સંકળાયેલી કેટલાક બીજી રોચક વાતો વિશે-
- દેશ આઝાદ થયો ત્યાર થઈ લઈને અત્યાર સુધી કુલ 74 વાર્ષિક બજેટ રજૂ કરવામાં આવ્યા છે. આ સિવાય 14 વચગાળાના બજેટ, ચાર સ્પેશિયલ બજેટ કે લઘુ બજેટ રજૂ કરાયા છે. તમને જાણીને નવાઈ લાગશે કે જવાહરલાલ નહેરુ, ઈંદિરા ગાંધી અને રાજીવ ગાંધી એ એવા વડાપ્રધાન હતા કે જેમણે બજેટ રજૂ કર્યું હતું.
- ભારતનું પહેલું બજેટ 26મી નવેમ્બર 1947માં રજૂ કરવામાં આવ્યું હતું અને આ બજેટ આરકે શણ્મુખમ ચેટ્ટીએ રજૂ કર્યું હતું. આરકે શણ્મુખમ ચેટ્ટીએ ભારતના પહેલાં નાણાં પ્રધાન તરીકે ફરજ બજાવી હતી.
- અત્યાર સુધીનું સૌથી લાંબુ બજેટ ભાષણ નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આપ્યું હતું. વર્ષ 2020માં નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતાં 2 કલાક 40 મિનીટનું ભાષણ આપીને વિક્રમ બનાવ્યો હતો.
- આ સિવાય નિર્મલા સીતારમણે બ્રીફકેસમાં બજેટ લઈ જવાની લાંબા સમયથી ચાલી આવેલી પરંપરાને તોડીને અલગ ચીલો ચાતર્યો હતો. 2019માં પ્રમુખ દસ્તાવેજો રજૂ કરવા માટે તેઓ ચોપડો લઈને બજેટ રજૂ કરવા આવ્યા હતા. આ ચોપડાને ખાસ પ્રકારના લાલ રંગના રેશમી કાપડમાં લપેટવામાં આવ્યું હતું અને તેના પર રાષ્ટ્રીય પ્રતિક બનાવવામાં આવ્યું હતું.
- છેલ્લાં 2 વર્ષની જેમ આ વખતે પણ કેન્દ્રીય બજેટ 2023 પેપરલેસ રહેશે. જૂની પદ્ધતિઓથી આગળ વધીને આ વખતે તેને સંપૂર્ણપણે ડિજિટલ મોડ દ્વારા લાવવામાં આવી રહી છે. કોરોના મહામારી દરમિયાન સરકારે સમયની જરૂરિયાતને ધ્યાનમાં લઈને પેપરલેસ બજેટ રજૂ કર્યું હતું. વર્ષ 2021માં દેશનું પહેલું પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યું – ડિજિટલ મોડ દ્વારા દેશનું પહેલું બજેટ વર્ષ 2021માં રજૂ કરવામાં આવ્યું હતું. વર્ષ 2020માં કોરોનાની લહેર ભારતમાં દસ્તક આપી હતી, તેથી વર્ષ 2021માં 1 ફેબ્રુઆરીએ રજૂ કરાયેલું બજેટ પેપરલેસ રાખવામાં આવ્યું હતું. એ જ રીતે, આગામી વર્ષ એટલે કે 2022 માં રજૂ કરાયેલું બજેટ પણ ડિજિટલ મોડ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.