વૈશાખ સુદ પૂનમને શુક્રવાર, પાંચમી મેએ વિશ્ર્વે બુદ્ધ જયંતી ઊજવી, પરંતુ પ્રશ્ર્ન એ છે કે આ જયંતી ઊજવવાની લાયકાત આપણી પાસે છે ખરી?
પ્રાસંગિક -મુકેશ પંડયા
મગધ દેશના સમ્રાટ અશોકે ખૂંખાર યુદ્ધ કરી કલિંગ દેશ જીત્યો અને જ્યારે એ જીતના મદમાં ત્યાં ફરવા નીકળ્યો ત્યારે ચારે કોર તેને મૃતદેહો જ જોવા મળ્યા. આખી ભૂમિ જાણે સ્મશાનમાં ફેરવાઇ ગઇ હતી. આ દૃશ્યો એ સહન ન કરી શક્યો. પારાવાર પશ્ર્ચાતાપ સાથે એણે બુદ્ધનો અહિંસા અને કરુણાયુક્ત ધર્મ અપનાવ્યો. આવી જ કોઇ પશ્ર્ચાતાપની લાગણી આજે યુદ્ધ અને હિંસાને જ પર્યાય સમજી બેઠેલા લોકોને થાય એ જરૂરી છે. રશિયા અને યુક્રેનના યુદ્ધમાં અનેક જીવો મોતના મોંમા ધકેલાઇ ગયા છે. કરોડોની માલમતાને નુકસાન થયું છે. સુદાનમાં આંતરવિગ્રહ ફાટી નીકળ્યો છે. ભારત સહિત અનેક દેશો અવારનવાર આતંકવાદ અને નક્સલવાદની હિંસાત્મક કાર્યશૈલીનો ભોગ બનતા રહે છે. અમેરિકા અને યુરોપની કેટલીયે શાળાઓમાં વિદ્યાર્થીઓ પુસ્તકને બદલે બંદૂકો લઇને જાય છે અને કેટલાય નિર્દોષોનું ઢીમ ઢાળી દે છે. ગુનેગારોની દુનિયામાં વર્ચસ્વ અને ધાક જમાવવા સતત એન્કાઉન્ટરો થતા રહે છે. બંદૂકની ગોળીઓ ધાણીની જેમ ફૂટતી રહે છે. દુનિયાનો કોઇ ખૂણો એવો બાકી નહીં હોય જ્યાં શસ્ત્રો અને હિંસાનું સામ્રાજ્ય વિસ્તર્યુ ન હોય. આપણે કયા મોઢે અહિંસાને વરેલા બુદ્ધની જયંતી ઉજવી શકીએ?
જોકે, આશા અમર છે. લાખો નિરાશામાં એક અમર આશા છુપાઇ છે. આ આશા અત્યારે તો બુદ્ધના અહિંસા અને શાંતિના ઉપદેશ પાછળ ડોકિયા કરી રહેલી દેખાઇ છે. આ ઉપદેશને અમલમાં મૂકીને જ વિશ્ર્વ શાંતિ અને કલ્યાણને માર્ગે વધી શકે એમ છે. હિંસા એ કોઇ પણ સમસ્યાનું સમાધાન નથી એ વાત આપણને તેમના ઉપદેશમાંથી શીખવા મળે છે. ચાલો તેમની વાણીના થોડા અંશો ગ્રહણ કરીને આપણે શાંતિનો માર્ગ શોધીએ.
ભગવાન બુદ્ધે ચોખ્ખું કહ્યું છે કે જીવનમાં હજારો યુદ્ધ જીતવાં કરતાં તમારી જાત પર વિજય મેળવવો એ વધારે સારું છે. જાત પર મેળવેલી જીત હંમેશા તમારી જ રહેશે. તેને કોઇ તમારી પાસેથી છીનવી નહીં લે.
કેટલી સાચી વાત છે. ભૂતકાળમાં અને અત્યારે સામ્રાજ્યવાદી રાજાઓ અને નેતાઓ હંમેશાં લોહી વહેવડાવીને બીજાનો પ્રદેશ જીતતા રહ્યા છે અને હડપતા રહ્યા છે. આવા દેશ જીતો પણ કોઇના દિલ ના જીતી શકો તો નકામું છે. બળ અને હિંસાથી દેશ તો જીતી શકાય છે, પણ મન જીતી શકાતા નથી. પોતાની જાતને જીતી શકાતી નથી. જીતેલો પ્રદેશ પાછો છીનવાઇ તો નહીં જાયને તેની સતત ચિંતા રહ્યા કરે છે. જ્યારે અહિંસા અને કરુણાના ભાવથી જાતને જીતી શકાય છે અને આ જીત ક્યારેય કોઇ છીનવી ન શકે.
ભગવાન બુદ્ધે બીજી એક સરસ વાત કહી છે. શત્રુ અને વેરીથી જે નુકસાન થાય છે તેના કરતાં ખોટા માર્ગે ચાલનારું મન વધુ નુકસાન પહોંચાડે છે. સો ટકા સાચી વાત. આજે માણસના મન બગડી ગયા છે.
કોઇને સત્તાની તો કોઇને સંપત્તિની, કોઇને પ્રદેશની તો કોઇને માનપાનની ભૂખ લાગી છે. આ ભૂખ શમાવવા તે કોઇ પણ રસ્તો અખત્યાર કરવા તૈયાર થઇ જાય છે. શસ્ત્રો ઉઠાવે છે. બેફામ હિંસા આચરે છે. જેટલી શક્તિ એ આવા ખોટા માર્ગે વાપરે છે તેના કરતાં અડધા ભાગની શક્તિ પણ એ જો મનને ખોટા માર્ગે જતા અટકાવવામાં ઉપયોગમાં લે તો ન્યાલ થઇ જાય.
બુદ્ધ વધુમાં કહે છે કે દુષ્ટતાથી દુષ્ટતાનો અંત ક્યારેય થતો નથી. ક્રોધને પકડી રાખવો એ બીજા પર ફેંકવાના ઇરાદાથી ગરમ કોલસાને પકડી રાખવા જેવું છે. તે તમને બાળી નાખશે.
બુદ્ધના ઉપદેશને જેમ સમ્રાટ અશોકે ગ્રહણ કર્યો તેમ આજના સમ્રાટો ગ્રહણ કરી શકે? બુદ્ધના ધમ્મ ચક્રને (જેને આપણે અશોક ચક્ર કહીએ છીએ) તિરંગામાં સ્થાન અપાયું છે તેમ તેમના વિચારોને આપણા હૃદયમાં સ્થાન આપવું જોઇએ. નાતજાતના ભેદ-ભાવ મિટાવવામાં અને હિંસક યજ્ઞો અટકાવવામાં પણ બુદ્ધનો નોંધપાત્ર ફાળો રહ્યો છે.
ચાલો યુદ્ધ ભૂલીને બુદ્ધને યાદ કરીએ. આંતરમનને શુદ્ધ કરીએ.