Homeપુરુષપક્ષીઓની તારણહાર બંધુ બેલડી

પક્ષીઓની તારણહાર બંધુ બેલડી

પંદરસો પક્ષીના જીવ બચાવી ચૂક્યા છે દિલ્હીના આ બે ભાઈ ખબર પડતાં જ ઘટનાસ્થળે પહોંચી જાય છે. પક્ષીઓને બચાવી તેમની સારવાર કરે છે અને સ્વસ્થ થાય ત્યારે મુક્ત ગગનમાં છોડી દે છે

કવર સ્ટોરી -પ્રથમેશ મહેતા

દિલ્હીમાં રહેનારા બે ભાઈ અમિત જૈન અને અભિષેક જૈને માત્ર પક્ષીઓનું દુ:ખ સમજ્યું તેમ નથી, પણ પોતાનું આખું જીવન આ પક્ષીઓ માટે સમર્પિત કરી દીધું. આપણે સવારે જ્યારે જાગીએ છીએ ત્યારે પક્ષીઓનો અવાજ આપણા કાનોમાં સંભળાય છે. પક્ષીઓને ઉડતા કે રમતા જોવા પણ આપણને ગમે છે. તેમના મધુર અવાજ પણ આપણને સાંભળવી ગમે છે. પણ શું તમે આ પક્ષીઓના દર્દને સાંભળ્યું છે, જોયું છે જાણ્યું છે… તમે ક્યારેય ઘાયલ કે બીમાર પક્ષીને જોયું છે, જો જોયું પણ હશે તો કાં તો નજરઅંદાજ કરી દીધું હશે અને કાં વિચાર્યું હશે કે કરીએ તો શું કરીએ.
આપણને લાગે છે કે આ પક્ષીઓને બચાવવા માટે ક્યાં કોઈ સુવિધા છે, પણ દિલ્હીના આ બે ભાઈ છે જેમણે માત્ર પક્ષીઓનું દર્દ જોયું કે જાણ્યું, પણ પોતાના જીવનનું લક્ષ્ય જ બનાવી દીધું અને પોતાની જાતને સમર્પિત કરી દીધી. દિલ્હીના ભાઈઓ અમિત અને અભિષેકે લગભગ ૧૫૦૦ જેટલા પક્ષીના જીવ બચાવ્યા છે. તેમણે આ કામ વર્ષ ૨૦૧૮માં શરૂ કર્યું હતું. અમિત વ્યવસાયે કેમિસ્ટ છે અને અભિષેકની ગાર્મેન્ટની દુકાન છે. બન્ને ભાઈઓએ એકવાર જોયું કે એક કાગડો ઊંચાઈ પર ઝાડ પર લટકતો હતો. તેમણે ફાયર બ્રિગેડને બોલાવી તેને બચાવ્યો ને પછી હૉસ્પિટલ પહોંચાડી દીધો. બસ તે બાદ તેણે નક્કી કરી લીધું કે તેઓ પક્ષીઓને બચાવશે.
અભિષેકે પોતાની પક્ષી બચાવવાના અભિયાન વિશે વાત કરતા કહ્યું કે આ કામ અમે વર્ષ ૨૦૧૮માં શરૂ કર્યું હતું. ત્યારથી અમે જીવો માટે કામ કરીએ છીએ. અમે જોયું ડોગ લવર્સ છે, કેટ લવર્સ છે, અલગ અલગ એનિમલ લવર્સ છે, પણ પક્ષીઓ તરફ લોકોનું બહુ ઓછું ધ્યાન જાય છે. આનું કારણ છે સુવિધાઓનો અભાવ.
ત્યારે બન્ને ભાઈઓએ વિદ્યાસાગર જીવદાય નામે ટ્રસ્ટ ખોલ્યું અને પોતાની સાથે ઘણા સ્વયંસેવકોને જોડ્યા. આમાં કબૂતરો માટે દાણા વેચવાવાળા લોકો પણ સામેલ છે, જે દિલ્હીના ઘણા ચાર રસ્તા પર મળી જાય છે. જ્યાં સ્વયંસેવકો નથી ત્યાં આ બન્ને ભાઈઓ પોર્ટર જેવી ગાડીઓની સુવિધા બુક કરી દે છે. બન્ને ભાઈઓ દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાં રહે છે અને દિલ્હી-એનસીઆર બન્ને વિસ્તારોમાં પક્ષીઓની સેવા કરે છે. બન્ને ભાઈઓએ એક વાર બતકનો જીવ બચાવ્યો હતો. આ બતકના બચ્ચાઓ પણ હવે મોટા થઈ
ગયા છે.
આ લોકો જે પક્ષીઓને બચાવે છે તે જ્યારે સ્વસ્થ થઈ જાય ત્યારે ઉડાવી દે છે. પણ બતક જેવા પક્ષી પોતે ઉડીને જઈ શકતા નથી. આથી તેમને ગ્રેટર નોઈડાના અભયદાનમ હૉસ્પિટલમાં રાખવામાં આવ્યા છે, જ્યાં એનજીઓના બચાવેલા કબૂતરો અને બકરા પણ છે. એમ નથી કે આ લોકો પક્ષીઓનો જ બચાવ કરે છે અને બીજા જાનવરો માટે આવતા મદદના ફોનકોલ્સ નજરઅંદાજ કરે છે. તે તેમને બચાવવાની પણ પૂરી કોશિશ કરે છે. દિવસમાં તેમની પાસે ૫થી ૧૦ ફોનકોલ્સ રોજ આવી જ જાય છે.
અમિતે આ પક્ષીઓના જીવ બચાવવા સાથે એક સમસ્યા પર પણ ધ્યાન આપ્યું. રોજના લાખો વૃક્ષો કપાય છે અને તેથી આ પક્ષીઓનું ઘર ઉજડી જાય છે. તેમણે કહ્યું કે અમે જોયું કે વિકાસના નામે વૃક્ષો કપાવામાં આવે છે. ક્યાંક ફ્લાયઓવર બને છે તો ક્યાંક મેટ્રો. તમારા ઘરની એક સીડી પણ તૂટી જાય તો તમે લડવા માંડો છો, પણ આપણે એકવાર પણ વિચારતા નથી કે આ ઝાડ પર કેટલા પક્ષીઓના ઘર છે, ઈંડા છે, બચ્ચા છે અને આસાનીથી તેને કાપી નાખીએ છીએ. તો અભિષેક કહે છે કે લોકો ટૅકનોલૉજીને લીધે પ્રકૃતિથી દૂર જઈ રહ્યાં છે અને તેથી મૂંગા જીવો પ્રત્યેનો પ્રેમ ઓછો થઈ ગયો છે. લોકો પાર્કમાં જવાનું ભૂલી ગયા. ટીવી-મોબાઈલમાં લાગ્યા રહે છે. લોકો કૂતરા શબ્દનો ઉપયોગ ગાળ તરીકે કરે છે. જ્યારે બિલાડી વિશે કહે છે કે તે રસ્તો કાપે તો અપશુકન થાય. જીવો તરફ નકારાત્મકતા ફેલાવવામાં આવે છે. જે બિલાડી ભારતમાં અશુભ માનવામાં આવે છે, તે જાપાન, ચીન જેવા દેશમાં તો શુભ છે.
જૈન બંધુઓએ કહ્યું કે ભારતમાં ઘણી જાતના પક્ષી છે. જેમના વિશે બાળકો અને આસપાસના લોકોએ જાણવું જરૂરી છે. આગળનો પ્લાન સમજાવતા અભિષેકે કહ્યું કે હાલમાં તેઓ એક બે ગાડી બનાવવાનું વિચારે છે, જેમાં તેઓ પક્ષીઓ સિવાય અન્ય જાનવરોને પણ લઈ જઈ શકે. અત્યાર સુધી અમે અમારા પૈસાથી આ કામ કરી રહ્યા છીએ, કારણ કે તમામ ઘાયલ પક્ષીને બચાવવા માટે બન્ને ભાઈ કોઈ પાસેથી કોઈ પૈસા લેતું નથી. આ સંપૂણર્પણે મફત છે. પણ આ કામમાં તેમને ફંડની અને અન્ય લોકોના સાથની જરૂર છે.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -