ભારતીય કુસ્તી મહાસંઘના અધ્યક્ષ બ્રીજભૂષણ સિંહની તકલીફ હવે વધી ગઇ છે. દિલ્હી પોલીસે બ્રીજભૂષણના વિરોધમાં બે ગુના દાખલ કર્યા છે. જેમાં પોક્સો એક્ટ અંતર્ગત એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. દિલ્હીના કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે.
બ્રીજભૂષણ સિંહ પર મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મુદ્દે 21મી એપ્રિલના રોજ બ્રીજભૂષણ સિંહ પર દિલ્હી કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. જોકે પોલીસે ફરિયાદ ન નોંધતા રવિવાર 23મી એપ્રિલથી કુસ્તીબાજો જંતર – મંતર મેદાન પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
દરમીયાન સોમવારે 24મી એપ્રિલના રોજ કુસ્તીબાજ વીનેશ ફોગાટ સહિત 6 લોકોએ સુપ્રીકોર્ટમાં બ્રિજભૂષણ સિંહ સામે ગુનો દાખલ કરવાની માંગણી કરતી અરજી કરી હતી.
આ અંગે 28મી એપ્રિલના રોજ સુપ્રીકોર્ટમાં સરન્યાયાધિશ ધનંજય ચંદ્રચુડ અને ન્યાયાધિશ પી. એસ. નરસિંહાની બેન્ચ સામે સુનાવણી પૂરી થઈ હતી. ત્યારે દિલ્હી પોલીસ દ્વારા આજે જ બ્રિજભૂષણ સિંહ સામે ગુનો દાખલ કરવામાં આવશે એવી માહિતી સોલીસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને આપી હતી.
આખરે બ્રિજભૂષણ સિંહની સામે સગીર મહિલા કુસ્તીબાજની જાતીય સતામણી અંગે પોકસો એકટ અંતર્ગત પહેલો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તથા અન્ય મહિલા કુસ્તીબાજો દ્વારા કરવામાં આવેલ આક્ષેપોની તપાસ કરવા માટે બીજો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.