યૌન ઉત્પીડનના આરોપો અને કુસ્તીબાજોના વિરોધનો સમાનો કરી રહેલા રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડીયા(WFI)ના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ પર રાજીનામું આપવાનું દબાણ વધી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેન્દ્રીય રમતગમત મંત્રાલયે ગુરુવારે બ્રિજભૂષણ સિંહને 24 કલાકની અંદર રાજીનામું સોંપવા અલ્ટીમેટમ આપ્યું છે. ગઈકાલે સાંજે કેન્દ્રીય ખેલ પ્રધાન અનુરાગ ઠાકુરે વિરોધ કરી રહેલા કુસ્તીબાજો સાથે તેમના નિવાસસ્થાને બેઠક કરી હતી.
ગુરુવારે મોડી સાંજે અનુરાગ ઠાકુર સાથે યોજાયેલી બેઠકમાં બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને રવિ દહિયા સામેલ હતા. આંતરરાષ્ટ્રીય સ્તરની કુસ્તીબાજ અને વિશ્વ ચેમ્પિયનશિપમાં ભારત માટે મેડલ વિજેતા વિનેશ ફોગાટે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ અને ભાજપના સાંસદ પર મહિલાઓ રેસલર્સનું યૌન શોષણ કરવાના આરોપ લગાવ્યા છે.
નવી દિલ્હીના જંતર-મંતર મેદાનમાં ધારણા પર બેઠેલા કુસ્તીબાજોએ બ્રિજ ભૂષણ સિંહના રાજીનામાની માંગ કરી છે અને સરકારને રાષ્ટ્રીય કુસ્તી મહાસંઘને વિસર્જન કરવા અરજી પણ કરી છે. વિરોધ શરૂ થયા પછી, ખેલ મંત્રાલયે બુધવારે WFI પાસેથી તેના પ્રમુખ પર લાગેલા આરોપો પર સ્પષ્ટતા માંગી હતી.
બ્રિજ ભૂષણસિંહે કહ્યું હતું કે તેઓ રાજીનામું નહીં આપે. તેમણે કહ્યું કે, “મેં પહેલા જ દિવસે કહ્યું હતું કે જો તેમની પાસે કોઈ પુરાવા હોય તો તેને સાર્વજનિક કરો. મારી પર લાગેલા યૌન ઉત્પીડનના આરોપો સાબિત થાય તો હું ફાંસીએ લટકવા તૈયાર છું.”