હેન્રી શાસ્ત્રી
દુલ્હો દહેજ આપવા તૈયાર: કળિયુગની કમાલ
કળિયુગની વાત નીકળે એટલે જે પણ ચર્ચા – દલીલ થાય એમાં નકારાત્મક સૂર જ મોટેભાગે ડોકિયાં કરતો હોય છે. ‘શું થવા બેઠું છે? આ તો હળાહળ કળિયુગ છે’ જેવી વાત તમારા કાને ઘણી વાર પડી હશે, જોકે, મધ્ય પ્રદેશના છીંદવાડા શહેરનો કિસ્સો જાણ્યા પછી અનેક લોકોને કહેવાનું મન થશે કે આ તો ભઈ કળિયુગની કમાલ છે. આવા કળિયુગને આવકારવા મહિલા વર્ગ તો તલપાપડ હશે. વાત એમ છે કે એક વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં દુલ્હાના હાથમાં એક પોસ્ટર છે જેમાં તેણે સાફ સાફ શબ્દોમાં લખ્યું છે કે પોતે લગ્નમાં દહેજ નહીં લે. તમે કહેશો કે એમાં નવી વાત શું કરી? દહેજ તો દૂષણ છે અને એનો વિરોધ જ કરવાનો હોય. જોકે, આજે એકવીસમી સદીમાં પણ કેટલેક ઠેકાણે દહેજનો નાગ ફૂંફાડા મારે છે. એ પરિસ્થિતિમાં ‘હું દહેજ નહીં લઉં, પણ દહેજ આપીશ’ એવી પુરુષની રજૂઆત આશ્ર્ચર્ય જન્માવે છે. અલબત્ત યુવકે પોસ્ટરમાં એમ પણ લખ્યું છે કે યુવતી સરકારી નોકરી કરતી હોવી જોઈએ. લગ્ન ઈચ્છુક યુવકનું આ પોસ્ટર દહેજ અને સરકારી નોકરી એ બંને પર કટાક્ષ કરે છે. સરકારી નોકરી કરતી યુવતી દહેજ સ્વીકારીને એ યુવક સાથે લગ્ન કરવા તૈયાર થાય છે કે કેમ એ જાણવું રસપ્રદ રહેશે.
————-
તુને મારી એન્ટ્રિયા તો ભૌંકને લગી ઘંટિયા
પરણવા નીકળતા વરરાજા શાનથી ઘોડા પર બેસી નીકળતા અને વરઘોડો નીકળ્યો એમ કહેવાતું. સાહ્યબી વધી, વિચારો બદલાયા એમ સવારી ઘોડાથી હાથી સુધી પહોંચી. વરઘોડાના મોડર્ન અવતારમાં વર છે પણ ઘોડાની બાદબાકી થઈ ગઈ છે. નિતનવા નુસખા અજમાવાય છે. મહારાષ્ટ્રના એક નાનકડા શહેરમાં વરઘોડામાં નજરે પડેલા દ્રશ્યની કલ્પના વરરાજાની થનારી અર્ધાંગનીએ પણ નહીં કરી હોય. સોશ્યલ
મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં દર્શન નંદુ નામના વરરાજાએ બાઈક પર પ્રિય પાળેલા શ્ર્વાન સાથે પ્રવેશી એન્ટ્રીને યાદગાર બનાવી દીધી છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી ક્લિપમાં શેરવાનીમાં સજ્જ ભાઈ નંદુ સાથે એનો પ્રિય શ્ર્વાન પણ રંગીન શેરવાનીમાં નજરે પડે છે. જોકે, બારાતના આગમન સાથે બેન્ડવાજા અને બીજી જે પણ આગતાસ્વાગતા થઈ એની કોઈ અસર શ્ર્વાનના ચહેરા પર નજરે નથી પડતી. ચાર જ દિવસમાં આ ક્લિપને ૧૮ લાખ લોકોએ જોઈ અને મજેદાર પ્રતિક્રિયા વ્યક્ત કરી. એક કુંવારાએ તો ત્યાં સુધી કીધું કે ‘દુલ્હે રાજાનો પ્રાણીપ્રેમ અનોખો છે. મારા લગ્નમાં પણ આવી ધમાકેદાર એન્ટ્રી કરવાની પ્રેરણા મળી છે. છેવટે શ્ર્વાન પરિવારનો જ સભ્ય છે ને. લોકો આ પ્રેમાળ પ્રાણી કેમ ઘરમાં પૂરી લગ્ન માણવા આવતા હોય છે એ મારી સમજ બહાર છે. પરિવારના સભ્યો લગ્નમાં નાચે – ઝૂમે અને શ્ર્વાન બિચારો બે પગ વચ્ચે પૂંછડી દબાવી ઘરમાં એકલો નિ:સાસા નાખતો બેઠો રહે એ વળી કેવું? નંદુ ભાઈ, આ વીડિયો શેર કરી લોકોની આંખ ઉઘાડવા બદલ આભાર.’ આ વીડિયો વિષે વાગ્દત્તાની પ્રતિક્રિયા નથી જાણવા મળી જે મીઠી તો નહીં હોય એટલું જરૂર કહી શકાય.
————
કહે તો આસમાં સે ચાંદ તારે તોડ લાઉં
પ્રિયતમાને રીઝવવા પ્રિયતમ શું શું કરી શકે એની ચરમસીમા એટલે ‘તું કહેતી હોય તો આકાશના તારા તોડી લાવું.’ પર્વતની ટોચ પર કે પછી પાણીમાં ઊંડે ડૂબકી લગાવી પ્રપોઝ કરવાના અનેક કિસ્સા છે. આ કિસ્સાઓમાં દિવ્યદેપ ભટનાગર નામના યુવકની ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલી ક્લિપમાં પોતાની હિરોઈનને રીઝવવા ખાસ હીરો લેવા હીરાના પાટનગર તરીકે ઓળખાતા એન્ટવર્પ પહોંચી ગયો એની મજેદાર વાત જોવા – જાણવા મળે છે. પોતાની ગર્લફ્રેન્ડ માટે કંઈક અનોખું કરવા ઉત્સુક મિસ્ટર ભટનાગર ખાસ હીરાની વીંટી લેવા માટે એન્ટવર્પ પહોંચી ગયા. બેલ્જિયમ પહોંચ્યા પછી ભાઈસાહેબે લેપટોપમાં થોડું રિસર્ચ કર્યું અને ખાંખાંખોળાં કર્યા પછી એક અનોખી વીંટી પોતાની ગર્લફ્રેન્ડ માટે ખરીદી.
સ્વદેશ પાછા ફરી ભટનાગરે પરિવાર અને મિત્રોને એકઠા કરી અનોખા અંદાજમાં ગર્લફ્રેન્ડને સરપ્રાઈઝ આપવાનું નક્કી કર્યું. પૈસાની છૂટ હોવાથી આખેઆખું ઓડિટોરિયમ બુક કર્યું અને કોરિયોગ્રાફરને બોલાવી મિત્રોની મદદથી એક ખાસ નૃત્યગીત તૈયાર કર્યું. કહેવાની જરૂર ખરી કે પ્રેમિકા કેવી રાજી થઈ. ‘જો તમારું પ્રિય પાત્ર તમારા માટે મહત્ત્વ ધરાવતું હોય તો એ એને ગાઈ વગાડીને કહેવું જોઈએ’ એવું મિસ્ટર ભટનાગરનું કહેવું છે. ઈન્ટરનેટ પર આ પોસ્ટને ખૂબ પસંદ કરવામાં આવી છે.