Homeઉત્સવરિવ્યૂસ અને રેટિંગ્સ વધારશે બ્રાન્ડની પ્રતિષ્ઠા

રિવ્યૂસ અને રેટિંગ્સ વધારશે બ્રાન્ડની પ્રતિષ્ઠા

બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે – સમીર જોશી

રિવ્યુસ અને રેટિંગના જમાનામાં આપણે જીવી રહ્યા છીએ. આજે કોઈપણ વસ્તુ ખરીદવી હોય તો આપણે જોશું કે તે બ્રાન્ડનું રેટિંગ ૪ સ્ટારથી વધુ છે કે નહિ. સોઇથી લઈને એરોપ્લેનની ખરીદી આજે રિવ્યૂસ અને રેટિંગ્સના સહારે થાય છે. આજના સમયમાં વેપાર અને બ્રાન્ડ માટે આ સૌથી મોટો પડકાર છે. જો કોઈ આને અવગણવાની કોશિશ કરશે તો તેનાં પરિણામો ભોગવવા પણ તૈયાર રહેવું પડશે. સરળ વાત છે; જો આજની તારીખે આપણે આના તરફ ધ્યાન નહિ આપીયે તો તમે તમારી બ્રાન્ડનું પરસેપ્શન બનાવવાનું લોકોના હાથમાં આપી બેસશો.
રિવ્યૂસ અને રેટિંગ્સને સમજવાની કોશિશ કરીયે. આ શા માટે જરૂરી છે, આના ફાયદા અને ગેરલાભો, કેવી રીતે આને મેનેજ કરવું વગેરે.
આજે ગ્રાહકો રિવ્યૂસ અને રેટિંગ્સના આધારે તમારા પર, તમારા વ્યવસાયમાં અને બ્રાન્ડ પર વિશ્ર્વાસ કરે છે. ગ્રાહકો કદાચ તમારા વ્યવસાય વિશે તમે જે કહેવા માગો છો તે બધુ માનશે નહીં. આવા સમયે ત્રીજી વ્યક્તિએ કહેલા શબ્દો પર તે વધુ મદાર રાખશે અને તેથી રિવ્યૂસને મહત્ત્વ છે. એક રિસર્ચ પ્રમાણે ૮૪% જેટલા ગ્રાહકોએ નોંધ્યું છે કે તેમના ખરીદીના નિર્ણયોમાં રિવ્યૂઝે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. વધુમાં, ૬૮% લોકો એક થી છ રિવ્યુસ જોયા પછી ઉત્પાદન અથવા સેવા વિશે પોતાનો અભિપ્રાય બાંધે છે.
રિવ્યૂસ સંભવિત ગ્રાહકોની નજરમાં તમારી એક્સપરટીઝ અર્થાત કુશળતાને પણ માન્ય કરે છે. તેઓ સાબિત કરે છે કે તમે ચોક્કસ પડકારને દૂર કરવામાં અથવા ચોક્કસ ધ્યેય સિદ્ધ કરવામાં અન્ય લોકોને સફળતાપૂર્વક મદદ કરી છે. આમ તમે એક કુશળ બ્રાન્ડ ઓનર તરીકે પોતાને પ્રસ્થાપિત કરો છો.
રિવ્યૂસ વ્યવસાયો માટે એટલીજ જરૂરી છે જેટલી તે ગ્રાહકો માટે. ઉદાહરણ તરીકે, આના સહારે તમારો સંભવિત ગ્રાહકો સાથે મજબૂત સંબંધ સ્થાપિત કરે છે, અને જો તમારી પ્રતિષ્ઠા સારી હશે તો તમને તમારાં ઉત્પાદનો માટે પ્રીમિયમ કિંમત વસૂલવાની તક પણ આપશે. એક અભ્યાસ પ્રમાણે જો કંપનીની પ્રતિષ્ઠા સારી હોય તો ગ્રાહકો અમુક ઉત્પાદનો માટે ૨૨% વધુ ચૂકવવા તૈયાર થઇ શકે છે.
આજે આપણે ગૂગલના રિવ્યૂ પર મદાર રાખીયે છીએ. ગૂગલ, શોધકર્તાઓને તેવું ક્ધટેન્ટ આપવા માગે છે જે નિપુણતા દ્વારા સમર્થિત હોય, અધિકૃત સ્ત્રોત દ્વારા આપવામાં આવે અને શક્ય તેટલી વિશ્ર્વસનીય હોય. આ ત્રણેય માપદંડોને આધારે, તે સર્ચના પરિણામોમાં આવી બ્રાન્ડને ઉચ્ચ ક્રમાંક પર લાવવાની શક્યતા વધારે છે. જયારે ગૂગલ તમારી બ્રાન્ડનાં અસંખ્ય સકારાત્મક રિવ્યૂસ જુએ છે, ત્યારે તે તેમને સંકેત આપે છે કે તમારી બ્રાન્ડ સારી પ્રતિષ્ઠા ધરાવે છે અને આના પરિણામે ગૂગલ તમારી સાઇટને ઉચ્ચ રેન્ક આપવાની સંભાવના વધારે છે.
હવે આ સકારાત્મક રિવ્યૂસનો તમારી બ્રાંડને પ્રમોટ કરવા કેવી રીતે લાભ લઇ શકો. સૌ પ્રથમ તમારી વેબસાઇટ પર તમારા સકારાત્મક રિવ્યૂસને પ્રદર્શિત કરો જેથી તમારી વેબસાઈટ પર જે કોઈ આવે તેઓ માટે તે એક પુરાવા તરીકે કામ કરે. બીજુ, તમારી માર્કેટિંગના ભાગ રૂપે તમારા રિવ્યૂસનો ઉપયોગ પણ કરી શકો છો. તમારી સોશિયલ મીડિયા પર અથવા માર્કેટિંગ ઇમેઇલ્સમાં આને શેર કરો. આ ઉપરાંત, ઓનલાઈન રિવ્યૂસના જઊઘ લાભો ચૂકશો નહીં. જ્યારે તમારા પ્રેક્ષકો ખરીદીની વિચારણા તબક્કામાં હોય ત્યારે તેઓ જે શબ્દોનો ઉપયોગ કરે છે તેને ઓળખો.
હવે પ્રશ્ર્ન થશે કે, સકારાત્મક રિવ્યૂસ કેવી રીતે વધારવા? જો તમારું ઉત્પાદન અથવા સેવા સારી છે, તો સ્વાભાવિક રીતે તમને ખુદ ગ્રાહકો તરફથી કેટલાક સકારાત્મક રિવ્યૂઓ મળશે, પરંતુ તમને મળેલી સંખ્યા વધારવા માટે તમે વધારાના પગલાં લઈ શકો છો. સૌથી સરળ અને સ્પષ્ટ રીત, જો તમે કોઈ ઉત્પાદન વેચો છો, તો એક સરળ ઈમેઈલ બનાવો જે ચોક્કસ સમયગાળા પછી ખરીદદારોને આપમેળે મોકલવામાં આવે છે. આ ઇમેઇલ રિવ્યૂ આપવા માટે શક્ય તેટલું સરળ બનાવવું જોઈએ, પછી ભલે તે ફોર્મને સીધા ઇમેઇલમાં એમ્બેડ કરતું હોય અથવા ગૂગલ જેવી રિવ્યૂ સાઈટની સીધી લિંક્સ આપે. ભાવિ ખરીદીઓ પર ડિસ્કાઉન્ટ અથવા મફત શિપિંગ માટેના પ્રોમો કોડ જેવી વાતો પણ વિચારી શકાય જે રિવ્યૂ મેળવવા માટે જરૂરી છે. જો ઓનલાઇન પ્રોડક્ટ વેચો છો તો ચેકઆઉટ, શિપિંગ અને ઉત્પાદનની ગુણવત્તા જેવી વસ્તુઓથી ગ્રાહકના સંતોષ વિશે પૂછતો ખરીદી પછીનો સર્વે એ વધુ સકારાત્મક રિવ્યૂ મેળવવાની રીત છે. જો તમે સર્વેક્ષણમાં કોમેન્ટનો સમાવેશ કરો છો, તો તમે સકારાત્મક પ્રતિભાવો એકત્રિત કરી શકો છો અને પછી આનો વિવિધ રીતે ઉપયોગ કરી શકો છો.
મહત્ત્વની વાત કે સકારાત્મક રિવ્યૂના જવાબ કેવી રીતે આપવા. જ્યારે તમે સકારાત્મક રિવ્યૂ પ્રાપ્ત કરો છો, ત્યારે તેનો પ્રતિસાદ આપવો મહત્ત્વપૂર્ણ છે. પ્રતિભાવ લાંબો કે ઊંડાણપૂર્વકનો હોવો જરૂરી નથી. તેને ફક્ત એ બતાવવાની જરૂર છે કે તમે તમારા ગ્રાહકો માટે આભારી છો અને તેમની સાથે સતત જોડાયેલા રહેવા માટે પ્રતિબદ્ધ છો. આ ફક્ત તમારા અને તમારા પ્રેક્ષકો વચ્ચે સંબંધ નિર્માણ કરતું નથી, પરંતુ તે અન્ય ગ્રાહકોને રિવ્યૂ આપવા માટે પણ પ્રોત્સાહિત કરે છે.
જેમ સકારાત્મક રિવ્યૂ મળે તેમ નકારાત્મક રિવ્યૂઓનો સામનો પણ કરવો પડે અને તે ઘણીવાર વધુ પ્રમાણમાં જોવામાં આવે છે. આનું કારણ આજની યુવા પેઢી માને છે કે તેમને પોતાનો મત પ્રદર્શિત કરવાનો અધિકાર છે.
તમને પ્રાપ્ત થતી નકારાત્મક સમીક્ષાઓની સંખ્યા ઘટાડવા માટે શરૂઆતથી અંત સુધી ગ્રાહકને શ્રેષ્ઠ અનુભવ આપો. આમાં ઉત્પાદન અથવા સેવાની ગુણવત્તા શામેલ છે, આ ઉપરાંત ચોક્કસ ઉત્પાદનો અથવા સેવાઓ સરળતાથી મળવી, જો ઓનલાઈન વેપાર છે તો સરળ ચેકઆઉટની પ્રક્રિયા રાખો, સરળ વેબસાઇટ બનાવો જેને નેવિગેટ કરવી આસાન હોય, ખરીદીનો નિર્ણય લેવા માટેની પૂરતી માહિતીઓ અને જો વધુ માહિતીની જરૂર હોય તો સ્પષ્ટ સંપર્ક પ્રક્રિયા.
નકારાત્મક રિવ્યૂઓ ટાળવાની બીજી અસરકારક રીત એ છે કે સામાન્ય રીતે પુછાતા પ્રશ્ર્નોના સંપૂર્ણ જવાબો આપવા. આના દ્વારા ગ્રાહક જાણશે કે તે વ્યવસ્થિત બ્રાન્ડ ખરીદી રહ્યો છે. તમારા ઉત્પાદન અથવા સેવા પાછળ ગેરંટી આપવાનું વિચારો. જો ગ્રાહકો જાણતા હોય કે તમે તેમને શ્રેષ્ઠ સંભવિત અનુભવ આપવા માટે પ્રતિબદ્ધ છો, તો તેઓ નકારાત્મક રિવ્યૂ આપતા પહેલા તમારો સંપર્ક કરે તેવી શક્યતા વધુ છે. આ તમને સમસ્યાને ઉકેલવાની તક આપે છે.
સૌથી મહત્ત્વનું, નકારાત્મક રિવ્યૂનો જવાબ કેવી રીતે આપવો. અનિવાર્યપણે, તમને પ્રસંગોપાત નકારાત્મક રિવ્યૂઓ પ્રાપ્ત થશે. તેને અવગણવાને બદલે, તેનો ઉપયોગ તમારા ગ્રાહકો પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા દર્શાવવાની તક તરીકે કરો. રિવ્યૂનો સીધો પ્રતિસાદ આપો, કોઈપણ સમસ્યા માટે માફી માગો અને સમસ્યાને ઠીક કરવાની ચોક્કસ રીત ઓફર કરો. જો આ નાખુશ ગ્રાહકને સંપૂર્ણપણે સંતુષ્ટ કરતું નથી, તો પણ તે દર્શાવે છે કે તમે ખરેખર તમારા ગ્રાહકોની કાળજી લો છો. નકારાત્મક રિવ્યૂના વાંચનારા અન્ય લોકો જોશે કે તમે ખરેખર સમસ્યા હલ કરવાનો પ્રયાસ કર્યો છે, જે વાસ્તવમાં તમારી બ્રાન્ડને કેટલા લોકો સમજે છે તે બતાવશે.
આમ, રિવ્યૂસ અને રેટિંગ્સનો સીધો સંબંધ તમારી બ્રાન્ડની પ્રતિષ્ઠા સાથે છે. તેઓ ગ્રાહકની ખરીદીની વર્તણૂક, તમારી સર્ચ એન્જિન રેન્કિંગ, તમારી પરસીવ્ડ વેલ્યૂ અને છેવટે, તમારી બોટમ લાઈન અર્થાત નેટ પ્રોફિટને પ્રભાવિત કરે છે. આથી આજની તારીખે ઓનલાઇન પ્રતિષ્ઠામાં રોકાણ તમને જોઈતા લાંબા ગાળાનાં સકારાત્મક પરિણામો આપી શકે છે. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -