મુંબઈ: સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ગઈકાલે ડૉલર સામે રૂપિયો બાવીસ પૈસાના કડાકા સાથે ૮૩ની ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચ્યા બાદ આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને ક્રૂડતેલના ભાવમાં ઘટાડાતરફી વલણ રહેતાં રૂપિયામાં ઘટ્યા મથાળેથી ૧૮ પૈસાના બાઉન્સબૅક સાથે ૮૨.૮૨ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું ઈક્વિટી માર્કેટમાં વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩ના બંધ સામે સુધારાના ટોને ૮૨.૮૭ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૨.૯૧ અને ઉપરમાં ૮૨.૭૩ સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધથી ૧૮ પૈસાના સુધારા સાથે ૮૨.૮૨ની સપાટીએ બંધ રહ્યો હતો. સતત બે સત્રમાં ડૉલર સામે રૂપિયામાં ઘટાડાતરફી વલણ રહ્યા બાદ આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને ક્રૂડતેલના વાયદામાં બે ટકા જેટલો ઘટાડો તેમ જ એશિયન ચલણોમાં મજબૂત વલણ તથા સંભવિતપણે રિઝર્વ બૅન્કે બજારમાં હસ્તક્ષેપ કરતાં રૂપિયામાં સુધારાને ટેકો મળ્યો હોવાનું એચડીએફસી સિક્યોરિટીઝના વિશ્ર્લેષક દિલીપ પરમારે જણાવ્યું હતું. આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૬૩૬.૭૫ પૉઈન્ટનો અને ૧૮૯.૬૦ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો. તેમ જ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૬૨૮.૦૭ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવા છતાં વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધથી ૦.૫૨ ટકા ઘટીને ૧૦૩.૯૭ આસપાસ તેમ જ બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૨.૧૩ ટકા ઘટીને બેરલદીઠ ૮૦.૩૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયાના બાઉન્સબૅકને ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.