એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
જમિયત ઉલેમા-એ-હિંદના વડા મહમૂદ મદનીએ જમીયતના રાષ્ટ્રીય અધિવેશનમાં કરેલા નિવેદનોએ ખાસી ચર્ચા જગાવી છે. મદનીએ દાવો કર્યો કે, ભારત મોદી અને ભાગવતનું છે તેટલું મદનીનું પણ છે. મદનીએ હિંદુવાદીઓને હાકલ કરી કે, પરસ્પર ભેદભાવ અને દુશ્મની ભૂલીને ભેટીએ અને દેશને વિશ્ર્વનો સૌથી શક્તિશાળી દેશ બનાવીએ. અમને સનાતન ધર્મથી ફરિયાદ નથી, તમને ઈસ્લામથી કોઈ ફરિયાદ ન હોવી જોઈએ.
મદનીએ દાવો કર્યો કે, આ ધરતી મુસ્લિમોની પહેલી માતૃભૂમિ છે. ઈસ્લામ ધર્મ બહારથી આવ્યો એમ કહેવું તદ્દન ખોટું અને નિરાધાર છે. મદનીના મતે ઈસ્લામ તમામ ધર્મોમાં સૌથી જૂનો છે અને મુસ્લિમો માટે ભારત સૌથી સારો દેશ છે પણ મુસ્લિમો વિરુદ્ધ નફરતના કેસ સતત વધી રહ્યા છે, ભારતમાં ઈસ્લામફોબિયા ઘણો વધી ગયો છે.
મુસ્લિમોનું સૌથી મોટું સંગઠન હોવાનો દાવો કરતું જમીયત ઉલેમા-એ-હિંદ મુસ્લિમોનું ૧૦૦ વર્ષ જૂનું સંગઠન છે. આ સંગઠનના વડા તરીકે મદનીની વાતનું મહત્ત્વ છે. મદનીએ હિંદુ-મુસ્લિમ ભાઈચારાની ને સાથે મળીને દેશને સૌથી શક્તિશાળી બનાવવાની વાત કરી એ સારી છે. તેને આવકારવી જોઈએ પણ ઈસ્લામ બહારથી નથી આવ્યો એ તેમની વાત ખોટી છે. આ દેશના બધા મુસ્લિમો બહારથી નથી આવ્યા એ વાત સાચી છે. ભારતના મોટા ભાગના મુસ્લિમો વટલાયેલા હિંદુઓ જ છે પણ તેમને વટલાવવાનું કામ બહારથી આવેલા મુસ્લિમોએ કરેલું.
મદનીએ ઈસ્લામ વિશ્ર્વનો સૌથી જૂનો ધર્મ છે એવો દાવો કર્યો એ પણ ગળે ઊતરે એવો નથી. દુનિયાના બધા ધર્મનાં લોકો પોતાના ધર્મનાં લોકોને મહાન બતાવવા આવી વાતો કર્યા કરે છે. પોતે બીજાથી મોટા છે એવું સાબિત કરવા મથ્યા કરે છે. આવી વાતો બીજાં ધર્મનાં લોકોના મનમાં તમારા માટે અણગમો પેદા કરે છે એ જોતાં ટાળવી જોઈએ.
મદનીની એ વાત સાવ સાચી છે કે, ભારતમાં છેલ્લાં કેટલાંક વરસોથી ઈસ્લામફોબિયા વધ્યો છે, મુસ્લિમો સામે નફરતનું પ્રમાણ સતત વધી રહ્યું છે. હાલના ભારતમાં કોઈ પણ મુદ્દાને હિંદુ વર્સીસ મુસ્લિમનો રંગ આપીને ઝેર ઓકવામાં આવે છે. કોઈ પણ મુદ્દાને હિંદુ-મુસ્લિમ રંગ આપવાની માનસિક વિકૃત્તિ કઈ રીતે વધી રહી છે તેનું તાજું ઉદાહરણ શાહરુખ ખાનની ફિલ્મ ચક દે ઈન્ડિયા વિશેની પોસ્ટ છે.
ચક દે ઈન્ડિયામાં શાહરુખ ખાને ભારતીય મહિલા હોકી ટીમના કોચ કબીર ખાનનું પાત્ર ભજવેલું કે જેને પાકિસ્તાન સામેની હાર પછી ગદ્દાર ગણાવી દેવાય છે. કબીર ખાન દેશભક્તિ સાબિત કરવા પૂરી તાકાત લગાવીને મહિલા હોકી ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવે છે. આ ફિલ્મ ભારતીય ટીમના ભૂતપૂર્વ ગોલકીપર મીર રંજન નેગીના જીવન પરથી બની હોવાનું કહેવાય છે. કહેવાતા હિંદુવાદીઓને ફિલ્મના હીરોનું નામ કબીર ખાન રખાયું તેની સામે વાંધો પડ્યો છે. નેગી હિંદુ હતો પણ તેની સિદ્ધિ એક મુસ્લિમના નામે ચડાવી દેવાઈ એવી બેકાર વાતો સાથેની પોસ્ટ ફરતી કરાઈ છે.
ચક દે ઈન્ડિયામાં પાકિસ્તાન સામેની હાર પછી કબીર ખાનને ગદ્દાર ગણાવાયો એવું બતાવાયું એ યોગ્ય હતું કેમ કે આ દેશમાં પાકિસ્તાન સામેની હાર પછી કોઈ હિંદુને ગદ્દાર કહેતું નથી. આપણી ક્રિકેટ ટીમ વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે નામોશી નોંધાવીને હારી પણ કોઈ વિરાટ કોહલી કે રોહિત શર્માને ગદ્દાર ગણાવ્યા ? ના ગણાવ્યા પણ શીખ અર્સદીપસિંહને ખાલિસ્તાવનાદી ગણાવીને ગદ્દાર કહી દેવાયેલો. આ તો એક ઉદાહરણ આપ્યું પણ ભારતમાં આ માનસિકતા હાવી થઈ જ ગઈ છે. આ માનસિકતા પ્રબળ બની તેના મૂળમાં ભાજપ અને કહેવાતાં હિંદુવાદી સંગઠનો છે. ભાજપ અને હિંદુવાદી સંગઠનો બંનેના ચાવવાના જુદા ને બતાવવાના જુદા છે તેથી એક તરફ એ લોકો ડાહી ડાહી વાતો કરે છે ને બીજી તરફ મતબેંક માટે થઈને મુસ્લિમ વિરોધી નિવેદનબાજીને પોષે છે.
મોહન ભાગવત અને નરેન્દ્ર મોદી બંને મુસ્લિમોને આ દેશનાં લોકો ગણાવે છે, હિંદુ કહે છે ને તેમની સામે ભેદભાવથી નહીં વર્તવાની સૂફિયાણી સલાહ આપે છે પણ ભાજપ અને હિંદુવાદી સંગઠનોના નેતાઓ કે કાર્યકરો એ રીતે વર્તતા નથી. ભાજપ અને સંઘ બંને સૂફિયાણી સલાહો બહુ આપે છે પણ મુસ્લિમ વિરોધી નિવેદનો કરનારને રોકતા નથી કે ટોકતા પણ નથી ત્યારે તેમની સામે પગલાં લઈને દાખલવો બેસાડવાની તો આશા જ ના રખાય.
ગયા મહિને દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક મળેલી. તેમાં ભાજપના કાર્યકરોએ મોદીએ સલાહ આપેલી કે, મુસ્લિમ વિરોધી નિવેદનો આપવાં બંધ કરે. ભાજપના ઘણા લોકોને હજુ પણ લાગે છે કે, પોતે હજુ વિપક્ષમાં છે તેથી ગમે તેવાં નિવેદનો કરે છે. આ લોકોએ શિષ્ટ ભાષા બોલવી જોઈએ તેવી ટકોર પીએમ મોદીએ કરી હતી.
મોહન ભાગવત તો વારંવાર કહે છે કે, ભારતમાં રહેતી દરેક વ્યક્તિ હિંદુ છે અને ભારતમાં રહેતા મુસ્લિમો તથા હિંદુઓનાં ડીએનએ એક જ છે. ભાગવતની વાત સાચી છે કે નહીં તેની પંચાતમાં આપણે પડતા નથી પણ તેમનો આશય મુસ્લિમો તરફ સારી રીતે વર્તવું જોઈએ એ કહેવાનો છે. કમનસીબે ભાગવત ને મોદી બંને વાતો જ કરે છે, મુસ્લિમ વિરોધી માનસિકતા બતાવનારને કશું કરતા નથી.
આ માહોલ માટે મુસ્લિમોનો એક વર્ગ પણ જવાબદાર છે જ. ભાજપ અને હિંદુવાદી સંગઠનોમાં સો ટકા લોકો મુસ્લિમ વિરોધી ઝેર નથી ઓકતા એ રીતે મુસ્લિમોમાં પણ મોટા ભાગના મુસ્લિમો બકવાસ કર્યા વિના શાંતિથી રહે જ છે પણ તેમના ઠેકેદારો બકવાસ કરીને મુસ્લિમ વિરોધી માનસિકતા પ્રબળ બને એ રીતે વર્તે જ છે. દેશ કરતાં ધર્મ મોટો છે એવી તેમની માનસિકતાના કારણે લોકોના મનમાં મુસ્લિમ વિરોધી માનસિકતા પ્રબળ બની રહી છે એ સમજવું પડે.
મુસ્લિમોએ આ માનસિકતા બદલવી પડે. જે નમૂના હિંદુવિરોધી કે દેશવિરોધી બકવાસ કરતા હોય તેમને ખંખેરવા પડે ને રોકવા પડે. મદની જાહેર મંચ પરથી હિંદુઓને ગળે લગાડવાની વાતો કરે ને દેશવિરોધી વાતો કરનારને કંઈ કહેવા કે કરવા તૈયાર ના થાય એ ના ચાલે. ગુજરાતીમાં એક કહેવત છે કે, તાળી એક હાથે ના પડે. આ દેશને મહાન બનાવવો હોય તો હિંદુઓ અને મુસ્લિમ બંનેએ સાથે મળીને કામ કરવું જ પડે. એકબીજા માટે નફરત રાખીને અળગા રહેવાથી દેશ મહાન નથી બનવાનો. બંનેએ અમે મોટા છીએ એ માનસિકતા છોડવી પડે.