ફિલ્મનામા -નરેશ શાહ
હા, એ સાચું છે કે શમિતાભ ફિલ્મ શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચનને ધ્યાનમાં રાખીને જ મેં લખી હતી દિગ્દર્શક આર. બાલકીના આ શબ્દો છે, ખરેખર તો એક ફિલ્મમાં બે મોટા સ્ટાર હોય તો એ માત્ર ફિલ્મ નથી રહેતી, તેમાં બીજું પણ ઘણું આવી જતું હોય છે અને મને આ ઘણુંબધુંને સમજવામાં ઘણો સમય લાગ્યો. એવા પણ દિવસો આવ્યાં કે સ્ટોરી સેશન વખતે અમિતજી કહેતાં : આ મારી ફિલ્મ નથી સામા પક્ષ્ો શાહરુખ ખાન પણ એ જ વાત કરતાં : આ મારી ફિલ્મ નથી
આખરે કેટલાંય મહિનાની મહેનત પછી મને સમજાયું કે શમિતાભમાં બે સુપરસ્ટાર એક્સાથે નહીં ઝળકી શકે. હું ખુબ પરેશાન થઈ ગયો. મેં મનોમન માંડવાળ કરી લીધું કે હું શમિતાભ નહીં બનાવું પણ મારી અંદરથી અવાજ આવ્યો કે અત્યારે નહીં કરે તો આ ફિલ્મ તું ક્યારેય નહીં કરી શકે અને… હું ધનુષ્ાને મળ્યો અને ફિલ્મ વાપસ પટરી પે આ ગઈ પણ હા, શરૂઆતમાં શમિતાભ ફિલ્મમાં એક સુપરસ્ટાર (અમિતાભ બચ્ચન) નો અવાજ અને એક સુપરસ્ટાર (શાહરુખ ખાન)નો ચહેરો જ હતા.
અલગ મૂડ, મિજાજ અને માહૌલની ફિલ્મો બનાવનારાં આર. બાલકીનું આ સ્ટેટમેન્ટ આપણને એક સર્જકની આંતરિક મથામણ અને વ્યવહારિક મૂંઝવણનો ચિતાર આપે છે તો હંટર જેવી બોલ્ડ ફિલ્મથી એન્ટ્રી કરનારા હર્ષ્ાવર્ધન કુલકર્ણીની વાત સાંભળો : હંટર ફિલ્મ મેં ર૦૧રમાં શૂટ કરી લીધી હતી પણ ફિલ્મ ર૦૧પમાં એટલે કે ત્રણ વર્ષ્ા પછી રિલીઝ થઈ શકી. સૌથી વધુ સમસ્યા ત્યારે થાય કે જયારે તમારી ફિલ્મમાં કોઈ સ્ટાર ન હોય… જયારે હું હંટર બનાવતો હતો ત્યારે જ મોનસૂન શૂટઆઉટ નામની ફિલ્મ બની હતી, જેમાં નવાઝુદ્દીન સિદ્દીકી હતા. એ કાન્સમાં દર્શાવવામાં આવી હતી પણ એ આજ સુધી રિલીઝ નથી થઈ (ર૦૧૭ના અંતમાં એ રિલીઝ થઈ પણ ઘણાખરાંને ખબર પણ નથી). તમને ખબર છે, વિક્કી ડોનર પણ રિલીઝ કરવા માટે કોઈ તૈયાર થતું નહોતું. એ તો તેની સાથે જહોન અબ્રાહમ એસોસિએટ થયા એટલે ઈરોઝવાળા ફિલ્મને રિલીઝ કરવા તૈયાર થયા.
ચળક્તાં, આંજી દેતાં સિનેમા જગતના આ એવા સ્વાનુભવ છે, જે આપણને અજવાળામાં દટાઈ જતી કાળમીંઢ સચ્ચાઈથી વાકેફ કરાવે છે. આવા ઓથેન્ટિક કેફિયતના સ્ત્રોત હોય છે, જે તે વ્યક્તિએ સ્વયં લખેલાં લખાણો યા ગંભીરતાપૂર્વક લેવાયેલાં ઈન્ટરવ્યૂઝ.
ૄૄૄ
આજ ફીર જીને કી તમન્ના હૈ, આજ ફીર મરને કા ઈરાદા હૈ…
તનમનમાં અલગ જ ઊર્જા ભરી દેતું આ ગીત ગાઈડ ફિલ્મનું છે. વિજય આનંદના ડિરેકશનમાં બનેલી ગાઈડને હિન્દી સિનેમાની કલાસિક કેટેગરીમાં મૂક્વામાં આવે છે પણ તમે ગાઈડ જેમના પુસ્તક પરથી બનેલી એ આર. કે. નારાયણની આત્મકથામાંય ડેઝ વાંચો તો ખબર પડે કે તેમને ગાઈડ ફિલ્મથી ખાસ સંતોષ્ા નહોતો. દેવ આનંદે પોતાના બેનર હેઠળ ગાઈડ બનાવી એ પહેલાં સત્યજીત રાય નારાયણની વાર્તા પરથી આ ફિલ્મ બનાવવા માંગતા હતા. તેમણે એ માટે વહિદા રહેમાનનો સંપર્ક કરેલો. વહિદા એ જમાનામાં મોટા સ્ટાર. સત્યજીત રાયએ તેમને કહ્યું કે હું તમને તમારી માર્કેટ પ્રાઈસ તો ન આપી શકું પણ ઓછા પૈસામાં તું કામ કરે તો હું રોઝીના રોલમાં તને (વહિદા રહેમાનને) લેવા માંગું છું. વહિદા સહમત થયા એટલે તેમણે આર. કે. નારાયણનું પુસ્તક પહેલાં વાંચી જવા માટે કહ્યું પણ નિયતિ જુઓ : ગાઈડમાં વહિદા રહેમાન રોઝી જ બન્યાં પણ તેનું નિર્માણ દેવ આનંદે ર્ક્યું હતું. સત્યજીત રાય જેવા દિગ્ગજ ગાઈડ બનાવવા માટેના પઘડા ગોઠવી જ ન શક્યાં…
આ સચ્ચાઈ નસરીન મુન્ની કબીર લિખિત પુસ્તક ક્ધવર્સેશન વીથ વહિદા રહેમાનમાં આલેખાયેલી છે. ગુરુદત્તે મુંબઈ બોલાવીને અઢાર વરસના વહીદા રહેમાન સાથે ત્રણ વરસનો કોન્ટ્રાકટ ર્ક્યો ત્યારે સ્વિમિંગસૂટ નહીં પહેરવાની અને ન ગમતાં વસ્ત્રો રિજેકટ કરવાની શરત ઉમેરવાના આગ્રહમાં ગુરુદત્ત અને રાજ ખોસલાએ ત્રણ દિવસ બગાડીને પણ આખરે ઝૂંક્વું પડયું હતું, એ વાત પણ આ પુસ્તકમાં છે. નસરીન મુન્ની કબીરે વાતચીત (સવાલ-જવાબના) સ્વરૂપમાં વહિદા રહેમાન ઉપરાંત ગુલઝાર, એ. આર. રહેમાન, જાવેદ અખ્તર સાથેના પુસ્તકો પણ આપણને આપ્યાં છે. લતા મંગેશકરનું સૂર-ગાથા પણ આવું જ પુસ્તક. પોતે આખી ગીતા ગાઈ ન શક્યાં, તેનો લતાજીને કાયમી અફસોસ રહેશે, એ સૂર-ગાથા વાંચવાથી ખબર પડે તો નસીરૂદ્દીન શાહની ચર્ચાસ્પદ સ્મરણ ગાથા એન્ડ ધેન વન ડે: અ મેમોરમાં તેમણે સ્વીકાર્યું છે કે, ૧૯ વરસની વયે તેમણે પોતાનાથી પંદર વરસ મોટી પુરવીન સાથે નિકાહ કરેલા અને પુત્રીના પિતા પણ બન્યાં. પરંતુ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, દિલ્હી પહોંચ્યા પછી નસીરને પત્ની અને બાળકી બોજ લાગવા માંડયા હતા… પોતાની તોફાની પણ સાચુકલી સ્મરણગાથામાં નસીરભાઈએ પોતે ગંજેડી બની ગયેલા તેની વાત પણ ઈમાનદારીથી કરી છે.