મુંબઈ: વર્સોવા ખાતે રિડેવલપમેન્ટ માટે એનઓસી (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) મેળવવા ચુકવેલી ૫.૧૯ કરોડ રૂપિયાની રકમ ડેવલપરને પરત કરવાનો આદેશ બોમ્બે હાઈ કોર્ટ દ્વારા મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (મ્હાડા) અને મુંબઈ મહાનગર પાલિકા (બીએમસી)ને આપવામાં આવ્યો છે. કોસ્ટલ રેગ્યુલેશન ઝોનના નિયમો અને નિયંત્રણને કારણે આ પ્રોજેક્ટ અમલમાં નહોતો મૂકી શકાયો. એસડી એસવીપી નગર રિડેવલપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ તેમજ એના અધિકૃત હસ્તાક્ષરકર્તા લીના રણદિવેએ દાખલ કરેલી અરજીની સુનાવણી હાઇ કોર્ટમાં થઈ રહી હતી. આ અરજીમાં પૈસા પરત કરવા મ્હાડા અને બીએમસી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.
અરજીમાં જણાવ્યા અનુસાર વર્સોવામાં મ્હાડા પાસે એક ક્લસ્ટર પ્લોટ હતો જેને ડેવલપ કરી ૩૧ પ્લોટમાં વિભાજિત કરી એ પ્લોટ અલગ અલગ લોકોને ફાળવવામાં આવ્યા હતા. આ પ્લોટ જેમને હસ્તક હતા એ લોકોએ વર્સોવા અંધેરી શાંતિવન કોઓપરેટીવ હાઉસિંગ સોસાયટીની સ્થાપના કરી હતી. સોસાયટીએ અરજી કર્યા પછી મ્હાડા અને સોસાયટી વચ્ચે ૧૫ ઓક્ટોબર, ૧૯૯૩ના દિવસે લીઝ ડીડ પર હસ્તાક્ષર થયા હતા. જોકે, સોસાયટીએ બાંધકામ કરેલા કેટલાક બિલ્ડીંગ ૨૦૧૦ સુધીમાં જર્જરિત થયા હોવાથી એના રિડેવલપમેન્ટની જવાબદારી અરજી કરનાર ડેવલપરને આપવામાં આવી હતી. જરૂરી પ્રક્રિયા અનુસાર ૫,૧૯, ૨૦,૧૮૬ કરોડ રૂપિયાની ચુકવણી કરવા ડેવલપરને જણાવ્યું હતું. તેમાંથી કેટલીક ચુકવણી મ્હાડાને અને કેટલીક બીએમસીને કરવામાં આવી હતી. જોકે, કોસ્ટલ રેગ્યુલેશન ઝોનના નિયમોને કારણે ડેવલપરને પ્રોજેક્ટ માટે અંતિમ મંજૂરી નહોતી મળી. (એજન્સી)