કવર સ્ટોરી -અભિમન્યુ મોદી
અમિતાભ-જ્યા બચ્ચનના લગ્ન યાદ છે? રાજેશ ખન્નાના લગ્ન ટીવી પર નિહાળ્યા હતા કે નહીં? કોઈ ફિલ્મી કલાકારના લગ્નને ફિલ્મ સ્વરૂપે નિહાળ્યા છે? સ્મૃતિ પટલમાં જોર આપ્યા બાદ પણ કોઈ વીડિયો ફાઈલ નહીં મળે. મળશે તો તસવીર માત્રને માત્ર એક જ તસવીર. એક સમય હતો જ્યારે કલાકારો પોતાના લગ્નથી લઈને હનીમૂન વેકેશન સુધીની પ્રત્યેક માહિતી ગુપ્ત રાખતા હતા. કારણ? જો પ્રજાને ખબર પડે કે તેમના સ્ટાર ફલાણી જગ્યાએ વેકેશન ઊજવશે તો ચાહકોની ભીડ ઊમટી પડે એટલે બધું અંગત અંગત જ રહેતું. આજે તો લગ્નની કંકોત્રીથી લઈને ભોજનની આઈટ્મ સહિતની સૂક્ષ્મ માહિતી ઇન્સ્ટાગ્રામ પર મળી રહે છે. આ બધું જાહેર કઈ રીતે થાય છે? ખુદ સેલેબ્સ જ મીડિયા મારફત પ્રજા સુધી જરૂર પૂરતી માહિતી ફેલાવે છે. આજનું આધુનિક બોલીવુડ રોકડી કરવામાં માને છે એટલે જ તેના લગ્નને પણ વેબ સિરીઝ સ્વરૂપે શૂટ કરીને તેના ઓટીટી રાઇટ્સ વેચીને કરોડોમાં કમાણી કરે છે.
કિયારા-સિદ્ધાર્થના લગ્નની ખાસ વાત શું હતી? કંઈ નહીં! જેમ દરેક સેલેબ્રિટી ડેસ્ટિનેશન વેડિંગ કરે છે, એ જ પ્રકારે બન્નેએ લખલૂટ ખર્ચ કર્યો, પરંતુ લગ્ન બાદ એક મિનિટ આડત્રીસ સેક્ધડનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામમાં આવ્યો. જેમાં કિયારા ફિલ્મી સ્ટાઇલમાં એન્ટ્રી મારે છે. સિદ્ધાર્થ કાંડા ઘડિયાળનો ઈશારો કરી સમયનું ભાન કરાવે છે. કિયારા યશરાજની ફિલ્મની માફક પ્રિયતમ પાસે આવીને તેને વરમાળા પહેરાવે છે. ચોમેરથી પુષ્પ વર્ષા થાય છે અને બન્ને તસતસતું ચુંબન કરે છે. બન્ને ચાહકોનું અભિવાદન ઝીલે છે. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં કિયારા અડવાણીના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ થયેલા આ વીડિયો પરથી તેણે ચોખ્ખા ૪૫ લાખની કમાણી કરી લીધી છે. માત્ર એક વીડિયોમાંથી અધધ રકમ! હજુ તો વીડિયો ચાલે છે એટલે કેટલા કાવડિયા એકઠા થશે તેની ચર્ચા કરવા ઇન્સ્ટગ્રામનું એનાલિસિસ કરવું પડે. બોલીવુડનું આ બિઝનેસ મોડેલ બિરદાવવા લાયક છે. પોતાના લગ્નમાં જેટલો ખર્ચ કરે છે તેનાથી ડબલ તો લગ્નના રાઇટ્સ વેચીને કમાણી કરી લે છે.
બોલીવુડ સેલેબ્રિટિઝનાં ચાહકો પોતાના ફેવરિટ સ્ટાર્સની વેડિંગને લઈને વધુ પડતા ઉત્સાહી હોય છે. ચાહકો તેઓની વેડિંગમાં થનારી નાનામાં નાની એક્ટિવિટી જાણવા માટે ઉત્સાહિત હોય છે. એટલા માટે જ હવે મોટા-મોટા ઓટીટી પ્લેટફોર્મ્સ પણ સેલેબ્સની વેડિંગનાં સ્ટ્રિમિંગ રાઈટ્સ ખરીદવા માટે રસ દાખવે છે. જેથી લગ્ન બાદ સેલેબ્સ તેના વેડિંગની એક્સક્લુઝિવ ફુટેજ અને ફોટોગ્રાફ્સને મોટી કિંમત પર વેચી શકે છે. પ્રિયંકા ચોપરાથી લઈને નયનતારા અને હંસિકા મોટવાની સુધી, તમામ સેલેબ્સે પોતાનાં લગ્નનાં સ્ટ્રીમિંગ રાઈટ્સ ઓટીટી પ્લેટફોર્મને વેચ્યા છે. આ ટ્રેન્ડ કોઈ નવો નથી. વર્ષો પૂર્વે રાજ કપૂરે રણધીર કપૂરના લગ્નની હાઇલાઇટ્સને દૂરદર્શનમાં શોર્ટ ફિલ્મ સ્વરૂપે રજૂ કરી હતી. તેનાથી રાતોરાત વ્યૂઅરશિપમાં ઉછાળો આવ્યો હતો, પરંતુ ત્યારે ઓટીટી તો હતું નહીં કે આઠ આંકડાના ફિગરમાં કોન્ટ્રાકટ થઈ શકે. આજે ઓટીટી માટે સેલેબ્સના લગ્ન લગડી સમાન છે. તેનાથી જ ઓટીટી પ્લેટફોર્મ ઊંચા ભાવે જાહેરખબર મેળવી શકે છે.
ઓટીટીના બિઝનેસને માર્કેટિંગના પાઇન્ટ ઓફ વ્યુથી પણ સમજવો રહ્યો. ઓટીટી પ્લેટફોર્મ આખા દેશમાં ડંકો વગાડવા માટે અંગ્રેજી કે હિન્દી પાછળ હાથ ધોઈને પડી રહે તો એમનો ગજ વાગે નહીં. એમણે એવું ક્ધટેન્ટ પીરસવું પડે જેનાથી પ્રેક્ષકોને પણ કંઈ નવું નિહાળ્યાનો આનંદ થાય. ઓટીટીએ મેટ્રો સિટીના વિસ્તારો બહાર, જેમને ટિયર-ટુ અને ટિયર-થ્રી એટલે વિકસતાં શહેરો કે વિસ્તારો લેખાવી શકાય ત્યાંના ભારતીયોને પોતાના કરવા પડે. ઓટીટીની બજારનો ખરો અને ઝડપી વિકાસ હવે આવા વિસ્તારોમાં થવાનો છે. માર્કેટિંગ વિના વેપાર કે નફો નથી. યાદ રહે કે સબસ્ક્રિપ્શન લઈને ઓટીટી માણતા દર્શકો કરતાં એ દર્શકો વધુ અગત્યના છે, જેઓ જાહેરાતનાં વિઘ્નો સહન કરીને મફતમાં ઓટીટી માણીને રાજી છે. આવા પ્રેક્ષકો પોતાના લાડકવાયા હીરો-હિરોઈન પાછળ પણ સબસ્ક્રિપ્શન રૂપી રોકાણ કરે તો પણ ઓટીટી પ્લેટફોર્મને મોટો ફાયદો થઈ જાય આવા સમયે બોલીવુડના નવદંપતી પણ રોકડી કરી લેવાના મૂડમાં છે. એટલે પોતાના લગ્નને પણ ઓટીટી પ્લેટફોર્મ પાસે જ શૂટ કરાવે જેથી શૂટિંગ કે ફોટોશૂટની ઝંઝટ જ નહીં.
સિદ્ધાર્થ-કિઆરા અડવાણીનાં લગ્ન ૭ ફેબ્રુઆરીનાં રોજ જેસલમેરમાં સૂર્યગઢ પેલેસમાં થયાં. લગ્નની વિગતો જાહેર થઈ, પરંતુ એકપણ વીડિયો કે ફોટો કોઈપણ જગ્યાએ વાઈરલ થયા નહી! કેમ? પ્રારંભિક ધોરણે દંપતીએ એમેઝોન સાથે લગ્નના સ્ટ્રીમિંગ રાઈટ્સની ચર્ચા કરી લીધી હતી. એટલે એમેઝોનની ટીમ જ સઘળું સંકટ લઈને ફરતી હતી. હંસિકા મોટવાણીએ ૪ ડિસેમ્બર,૨૦૨૨ના રોજ બિઝનેસમેન સોહેલ કથૂરિયા સાથે લગ્ન કર્યાં હતા. તેઓએ લગ્ન પહેલાં જ ડિઝની+ હોટસ્ટારને પોતાની વેડિંગનાં સ્ટ્રીમિંગ રાઈટ્સ વેચી દીધા હતા. તેનો પ્રોમો પણ હાલ જ રિલીઝ થયો હતો. તેને વેબ સીરિઝની માફક રિલીઝ કરવાનું પ્લાનિંગ છે. હંસિકાનાં લગ્ન પર બનેલી સીરિઝનું નામ ‘લવ શાદી ડ્રામા’ છે. આખો સોદો ૧૭કરોડમાં પડ્યો. આટલા રૂપિયામાં તો પાંચ ગુજરાતી ફિલ્મ બની જાય. નયનતારા અને વિગ્નેશે પણ પોતાનાં લગ્નના સ્ટ્રીમિંગ રાઈટ્સ નેટફ્લિક્સને વેચ્યા હતા. આ રાઈટ્સ ૨૫ કરોડમાં વેચવામાં આવ્યા હતા.
પ્રિયંકા ચોપરા અને નિક જોન્સે પોતાનાં લગ્નની તસવીરો ઈન્ટરનેશનલ મેગેઝિન ‘વોગ્યુ’ને ૧૮ કરોડમાં વેચ્યા હતા. તેઓના લગ્ન રાજસ્થાનનાં ઉમ્મેદ ભવન પેલેસમાં થયાં હતાં. લગ્નમાં ‘નો ફોન પોલિસી’ હતી. મીડિયાની એન્ટ્રી ન થઈ શકે તે માટે વેન્યૂની આસપાસ કડક સુરક્ષા રાખવામાં આવી હતી.વિરાટ કોહલી અને અનુષ્કાના લગ્ન વર્ષ ૨૦૧૭માં થયાં હતાં, બંનેએ ભારતની બહાર ઈટાલીમાં લગ્ન કર્યાં હતાં. તેઓએ પોતાના લગ્નના ફોટોઝ અને વીડિયોઝ સ્ટાડસ્ટ મેગેઝિનને વેચ્યા હતા. અલબત, આ ડીલમાં મળેલા પૈસાને વિરાટ-અનુષ્કાએ ચેરિટીમાં દાન કરી દીધા હતા.
વિશ્ર્વભરમાં સેલેબ્સના વેવિશાળ અને છૂટાછેડા આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. સેલેબ્સના લગ્નજીવનમાં સાયુજ્યનો અભાવ હોય તો પણ લોકોને નિહાળવું ગમે અને રળિયામણી ઘટનાઓ રચાય તો ગોસિપની ગલીમાં પકોડા તણાય ત્યારે તેમના લગ્નની બારીક ક્ષણ માટે આજના યુવાધનના ખિસ્સાને ઓટીટીનું લવાજમ ભારે નથી પડતું. આ બિઝનેસ મોડેલને સફળ બનાવવાનું કામ નાજુક નમણી કિયારા અને પહાડી અવાજના સિદ્ધાર્થે કરી બતાવ્યું. કિઆરા-સિદ્ધાર્થના વિવાહ બાબતે ‘બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના’ કે પછી ‘ભેંસ ભાગોળે, છાશ છાગોળે અને ઘરમાં ધમાધમ’ જેવો તાલ સર્જાયો હતો. માત્ર ઇન્ડસ્ટ્રી અને પ્રશંસકો જ નહીં, જ્યોતિષીઓ પણ તેમનાં લગ્નને લઇને અતિ ઉત્સાહિત હતા. તેઓ સિદ્ધાર્થ-કિઆરાના વિવાહિત જીવન વિશે જાતજાતની આગાહીઓ સુધ્ધાં કરવા લાગ્યાં હતા. અંતે બન્નેના લગ્ન થયા તેમાં અમેઝોનનું રોકાણ અને નવદંપતીમાં લાભદાયક નીવડ્યું. જો કે આ ડીલ હજુ ફાઇનલ નથી થઈ. કિયારા-સિદ્ધાર્થે શૂટિંગ માટેની ચર્ચા કરી હતી શક્ય છે જે તેમના વેવિશાળના સ્ટ્રીમિંગ રાઇટ્સ અન્ય કોઈ પ્લેટફોર્મના ફાળે પણ જઈ શકે છે.
સ્ટ્રીમિંગ રાઇટ્સનો બિઝનેસ હજુ ભારતના શ્રીમંત વર્ગને ધ્યાને આવ્યો નથી. જેમ પ્રિ-વેડિંગ અને ડેસ્ટિનેશન વેડિંગ માટે આજનાં મહાનગરોમાં પાણીની જેમ પૈસા ખર્ચાય છે તેમ સ્ટ્રીમિંગ રાઇટ્સમાં પણ લોકો રસ દાખવશે ત્યારે કેવો યુગ આવશે? ગુજરાતમાં મામાના દીકરાની દીકરીના લગ્નનું ઓટીટી પર પ્રસારણ થશે! અને સગાં-વ્હાલાને વળતર સ્વરૂપે મીઠાઈ નહીં ઓટીટીના સ્ટ્રીમિંગ રાઇટ્સ વેચાશે?