ફોકસ -ઉમેશ ત્રિવેદી
છેલ્લા કેટલાય સમયથી બોલીવૂડની ફિલ્મો સતત નિષ્ફળ જાય છે આ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં પણ બોલીવૂડને થોડે ઘણે અંશે સફળતા મળી છે એમ કહી શકાય. શાહરૂખ ખાનની ‘પઠાણ’ ફિલ્મે બોલીવૂડમાં થોડો આશાનો સંચાર કર્યો હતો અને ત્યાર પછી રણબીર કપૂર-શ્રદ્ધા કપૂરની ‘તૂ જૂઠી મૈં મક્કાર’ ફિલ્મે રૂા. ૧૨૦ કરોડનો બિઝનેસ કરીને થોડી રાહત આપી છે.
આમ પણ એમ કહેવાય છે કે ઉત્તરાયણ પહેલાં એટલે કે ૧૪મી જાન્યુઆરી પહેલાં બોલીવૂડમાં જે ફિલ્મો રિલીઝ થાય છે તેને કમૂરતાં નડે છે અને તે બોક્સ ઓફિસ પર ધબાય નમ: થાય છે. આ વર્ષે એટલે ૨૦૨૩નાં ૧૩મી જાન્યુઆરીએ અર્જુન કપૂર, તબુ, નસીરુદ્દીન શાહ, કોંકણાસેન શર્મા અભિનીત ફિલ્મ ‘કુત્તે’ રજૂ થઈ હતી. આ ફિલ્મથી વિશાલ ભારદ્વાજના પુત્ર આસમાન ભારદ્વાજે દિગ્દર્શનની શરૂઆત કરી હતી, પણ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર માત્ર ચાર કરોડની જ કમાણી કરી શકી હતી. અર્જુન કપૂર પરથી ફલોપ સ્ટારનું લેબલ હજી સુધી હટી શક્યું નથી.
આ સિવાય જાન્યુઆરી મહિનામાં છત્રીવાલી, ઘનચક્કર, લક્કડબગા જેવી ફિલ્મો રિલીઝ થઈ. રશ્મિકા મંદાના, સિદ્ધાર્થ મલહોત્રા, પરમિત શેઠની ‘મિશન મજનૂ’ સીધી જ ઓટીટી પર રજૂ કરવામાં આવી. ત્યાર પછી ૨૫મી જાન્યુઆરીએ શાહરૂખ ખાન દીપિકા પદુકોણ, જહોન અબ્રાહમ, ડિમ્પલ કાપડિયા, આશુતોષ રાણા અભિનીત ફિલ્મ ‘પઠાણ’ના રજૂ થઈ અને આ ફિલ્મે બોક્સ ઓફિસ ગજાવી મૂકી હતી. આ ફિલ્મ હિન્દીની સાથે જ તમિળ અને તેલુગુમાં પણ રિલીઝ થઈ. હિન્દીમાં આ ફિલ્મે રૂા. ૫૦૦ કરોડનો બિઝનેસ કર્યો અને વિશ્ર્વભરમાંથી તેણે રૂા. ૧,૦૦૦ કરોડની કમાણી કરી છે.
જોકે, પઠાણની આંધીમાં રાજકુમાર સંતોષી દિગ્દર્શિત ફિલ્મ ‘ગાંધી ગોડસે એક યુદ્ધ’ રજૂ થઈ પણ ૨૬મી જાન્યુઆરીએ આવેલી આ ફિલ્મ થિયેટરમાંથી ક્યારે ઊતરી ગઈ એની પણ જાણ ન થઈ.
ફેબ્રુઆરી મહિનામાં અક્ષયકુમાર અને કાર્તિક આર્યન જેવાં હીરોની ફિલ્મો રજૂ થઈ, પણ આ બે જણ બોક્સ ઓફિસ ગજાવી ન શક્યા. કાર્તિક આર્યનની ક્રીતિ સેનન, મનીષા કોઈરાલા, પરેશ રાવળ, રોનિત રોય સાથે ‘શહજાદા’ ૧૭મી ફેબ્રુઆરીએ રજૂ થઈ. ફિલ્મનાં નિર્માતા તરીકે કાર્તિક આર્યને શરૂઆત કરી હતી. નિર્માતા તરીકેની તેની આ પહેલી જ ફિલ્મ હતી, પણ બોક્સ ઓફિસ પર તે ઊંધે માથે પટકાઈ હતી.
ત્યાર પછી ૨૪મી ફેબ્રુઆરીએ અક્ષયકુમાર, ઈમરાન હાશમીની ‘સેલ્ફી’ રજૂ થઈ. જે સાઉથની ફિલ્મની ‘રિમેક’ હતી. રૂા. ૧૧૦ કરોડને ખર્ચે બનેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર માત્રને માત્ર ૨૦થી ૨૨ કરોડ જ કમાઈ શકી હતી એટલે ફ્લોપ સાબિત થઈ હતી. આ અગાઉ ફેબ્રુઆરી મહિનામાં ફુરસત, ફરાઝ, શિવ શાી બલબોઆ જેવી ફિલ્મો રજૂ થઈ હતી અને સીધી ઓટીટી પર યામી ગૌતમની લોસ્ટ, નસીરુદ્દીન શાહની ધ બ્રોકન ટેબલ, વિકી કૌશલની ઓલમોસ્ટ પ્યાર વિથ ડી જે મહોબ્બત જેવી ફિલ્મો રજૂ થઈ હતી.
આઠમી માર્ચે રણબીર કપૂર, શ્રદ્ધા કપૂર, ડિમ્પલ કાપડિયા, બોની કપૂર અભિનીત ‘તૂ જૂઠી-મૈં મક્કાર’
રજૂ થઈ. આ ફિલ્મે શરૂઆતથી જ બોક્સ ઓફિસ ગજાવી અને અત્યારસુધીમાં આ ફિલ્મે રૂા. ૧૩૦ કરોડ કરતાં વધુ કમાણી કરીને બોલીવૂડમાં થોડા પ્રાણ પૂર્યા છે. શ્રદ્ધા કપૂર-રણબીર કપૂરની જોડીને લોકોએ આવકારી છે અને લવ રંજનનાં દિગ્દર્શનના પણ વખાણ થયા છે.
કપિલ શર્મા ટી.વી. પરનો સુપરસ્ટાર છે, પણ લોકો તેને એક હીરો તરીકે સ્વીકારતાં નથી, એ વાત ફરી એક વાર સાબિત થઈ. ‘ઝિવગાટો’નામની તેની ફિલ્મ માર્ચ મહિનાની ૧૭મીએ રિલીઝ થઈ. નંદિતા દાસ દિગ્દર્શિત આ ફિલ્મમાં ‘ડિલિવરી બૉય’ની વાત સારી રીતે રજૂ કરવામાં આવી હતી, પણ આ ફિલ્મને બોક્સ ઓફિસ પર સરિયામ નિષ્ફળતા મળી છે.
૧૭મીએ જ ‘મિસીસ ચેટર્જી વર્સેસ નોર્વે જેવી’ફિલ્મ રજૂ થઈ હતી. તેમાં રાણી મુખર્જીના અભિનયના ખૂબ જ વખાણ થયા હતા, પણ ફિલ્મ જોવા માટે દર્શકો આવ્યા જ નહીં. માર્ચ મહિના દરમિયાન જ સીધી ઓટીટી પર આઉચ ટુ ર્કોટ આઉટ, એમ આય નેકસ્ટ જેવી ફિલ્મો રજૂ થઈ હતી. ઓટીટી પર રજૂ થયેલી ફિલ્મ ‘ગુલમહોર’ દ્વારા શર્મિલા ટાગોરે અભિનય ક્ષેત્રે પુનરાગમન કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે મનોજ બાજપાઈ, અમોલ પાલેકર જેવાં કલાકારો હતા, પણ તે છતાં તે દર્શકોને આકર્ષવામાં નિષ્ફળ ગઈ છે, અને અનુભવ સિંહાની રાજકુમાર રાવ, ભૂમિ પેડણેકર, ક્રીતિકા કામરાની ‘ભીડ’ પણ ફલોપ સાબિત થઈ હતી.
માર્ચ મહિનાના અંતમાં એટલે કે ૩૦મી માર્ચે બે ફિલ્મો રજૂ થઈ, જેમાં સાઉથની ફિલ્મ ‘દસરા’ અને દક્ષિણની ફિલ્મની રિમેક ફિલ્મ ‘ભોલા’ રજૂ થઈ છે. આ બંને ફિલ્મે શરૂઆત સારી કરી છે, તે જોતાં આ ફિલ્મ સફળ ફિલ્મોની યાદીમાં સ્થાન મેળવે એવી શક્યતા છે. અજય દેવગણ, તબુ અભિનીત આ ફિલ્મથી ફરી એક વાત સાબિત થઈ છે કે અજય દેવગણને ‘રિમેક’ફિલ્મો ફળે છે. ‘ભોલા’નાં દિગ્દર્શક તરીકે પણ અજય દેવગણના વખાણ થઈ રહ્યા છે.
ગયા વર્ષે એટલે કે ૨૦૨૨નાં જાન્યુઆરી મહિનામાં કોઈ ફિલ્મ કોરોના કાળને કારણે રજૂ થઈ નહોતી. પણ ત્યાર પછી રજૂ થયેલી ગંગૂબાઈ કાઠિયાવાડી, ધ કાશ્મીર ફાઈલ્સ અને આરઆર ફિલ્મે બોક્સ ઓફિસ ગજાવી હતી ‘આરઆરઆર’ એ તો વિશ્ર્વભરમાંથી રૂા. ૧,૨૦૦ કરોડ કરતાં વધુ કમાણી કરી હતી, તો ગંગૂબાઈ કાઠિયાવાડીએ રૂા. ૨૧૦ કરોડની કમાણી કરી હતી અને ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મે રૂા. ૩૪૦ કરોડની કમાણી કરીને ૨૦૨૨નાં પ્રથમ ત્રણ મહિનામાં બોલીવૂડને રાહત અપાવી હતી.
હવે બોલીવૂડની નજર ૨૧મી એપ્રિલે રજૂ થનારી સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસ કી જાન’ પર ટકેલી છે. આ ફિલ્મમાં સલમાનની સાથે પૂજા હેગડે વેંકટેશ અને જગત્પતિ બાબુ છે, ત્યાર પછી શાહરૂખ ખાનની ‘જવાન’ બીજી જૂનના રજૂ થવાની છે, તેમાં શાહરૂખ ખાન, નયનતારા, વિજય સેતુપતિ, પ્રિયામણી છે. ત્યાર પછી ૧૬મી જૂને પ્રભાસ, સૈફ અલી ખાન, ક્રીતિ સેનન, સન્ની સિંહની ઓમ રાઉત દિગ્દર્શિત ફિલ્મ ‘આદિપુરુષ’પર નજર છે. જૂન મહિનો બોલીવૂડ માટે મહત્ત્વનો સાબિત થશે એમ કહી શકાય.
‘જવાન’ અને ‘આદિપુરુષ’ ઉપરાંત જૂન મહિનામાં જ અજય દેવગણ અભિનીત ‘મૈદાન’ અને કાર્તિક આર્યન -કિયારા અડવાણી અભિનીત ‘સત્યપ્રેમ કી કથા’ રિલીઝ થવાની છે. આમ, આગામી ત્રણ મહિના પર બોલીવૂડની મીટ બંધાયેલી છે.
૨૦૨૩નાં પહેલાં ત્રણ મહિનામાં સાઉથની ફિલ્મો ‘ડબ’ કરીને રજૂ કરવામાં આવી તો તેને પણ સફળતા મળી નથી. તેમાં સૌથી આશાસ્પદ ફિલ્મ ‘વારિસુ’ હતી. દક્ષિણના સુપરસ્ટાર થલાપતિ વિજયની આ ફિલ્મના હિન્દી વર્ઝને માત્ર સાત કરોડની કમાણી કરી છે. જોકે, દક્ષિણમાં એ ફિલ્મ ‘સુપરહીટ’ સાબિત થઈ છે. એ જ રીતે ‘કબ્જા’નામની ફિલ્મને પણ દર્શકો મળ્યા નહોતા.
આ ત્રણ મહિનામાં હોલીવૂડ ફિલ્મે સારી કમાણી કરી હોવાનું કહેવાય છે. જેમાં ‘એન્ટ મેન એન્ડ ધ વાસ્પ’ અને ‘જહોન વિક-ફોર’નો સમાવેશ થાય છે.