વર્ષ 2022ના અંતિમ દિવસોમાં બોલિવૂડની વધુ એક હસ્તીએ દુનિયાને કાયમ માટે અલવિદા કહી દીધું. દિગ્ગજ ફિલ્મ નિર્માતા નીતિન મનમોહનનું ગુરુવારે સવારે મુંબઈમાં 60 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ 3 ડિસેમ્બરથી હોસ્પિટલમાં દાખલ હતા અને છેલ્લા 15 દિવસથી વેન્ટિલેટર પર હતા. આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
મળતી માહિતી મુજબ દિગ્ગજ ફિલ્મ નિર્માતા નીતિન મનમોહનને હાર્ટ એટેક આવ્યો હતો, જેના પછી તેમને નવી મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેની હાલત સતત બગડતી જતી હતી. તેમને વેન્ટિલેટર પર રખાવમાં આવ્યા હતા પરંતુ તેમની સ્થિતિમાં કોઈ સુધારો થયો ન હતો અને આજે તેમના મૃત્યુના દુઃખદ સમાચાર આવ્યા છે. નીતિન મનમોહનના નિધનના સમાચારથી બોલિવૂડમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
નીતિન મનમોહન હિન્દી ફિલ્મોના પ્રખ્યાત અભિનેતા મનમોહનના પુત્ર હતા. નીતિન મનમોહને પોતાના કરિયરમાં ઘણી સફળ ફિલ્મો બનાવી. જેમાં ‘બોલ રાધા બોલ’ (1992), ‘લાડલા’ (1994), ‘યમલા પગલા દિવાના’ (2011), ‘આર્મી સ્કૂલ’, ‘લવ કે લિયે કુછ ભી કરેગા’ (2001), ‘દસ’ (2005), ‘ચલ મેરે ભાઈ’ (2001), ‘મહા-સંગ્રામ’ (1990), ‘ઈન્સાફઃ ધ ફાઈનલ જસ્ટિસ’ (1997), ‘દીવાંગી’, ‘નઈ પડોસન’ (2003), ‘અધર્મ’ (1992), ‘ બાગીમાં ‘ઈના મીના ડીકા’, ‘આસ્તુ’, ‘ટેંગો’ સહિત ઘણી ફિલ્મોનો સમાવેશ થાય છે.