બોલીવૂડ ડિરેક્ટર રોહિત શેટ્ટીને તેમની ઈન્ડિયન પોલીસ ફોર્સની આગામી વેબ સિરીઝ માટે એક્શન સિક્વન્સનું શૂટિંગ કરતી વખતે આંગળીઓમાં ઈજા થઈ હતી. તેમને તરત જ હૈદરાબાદની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમની ટીમે હવે પુષ્ટિ કરી છે કે દિગ્દર્શકની સારવાર કરવામાં આવી છે અને તેમણે સિરીઝનું શૂટિંગ પણ ફરી શરૂ કરી દીધું છે.
રોહિત શેટ્ટી હૈદરાબાદમાં તેની આગામી વેબ સિરીઝ, ઈન્ડિયન પોલીસ ફોર્સ માટે સિક્વન્સનું શૂટિંગ કરી રહ્યા હતા. તેઓ એક એક્શન સિક્વન્સનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે તેમની આંગળીમાં ઈજા થઈ હતી. તેમને તાત્કાલિક કામિનેની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, હતા જ્યાં ડોક્ટરોએ તેમની સારવાર માટે નાની સર્જરી કરી હતી. સારવાર બાદ તેમણે તુરંત શૂટિંગ શરૂ કર્યું હતું.
રોહિત શેટ્ટી અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાને લઇને એમેઝોન પ્રાઇમ વીડિયો માટે વેબ સિરીઝ બનાવી રહ્યા છે, જે પોલીસો પર આધારિત છે અને તેમાં જબરદસ્ત એક્શન સીન છે. આ વેબ સિરીઝ સાથે તેઓ ડિજિટલ ડેબ્યુ કરી રહ્યા છે.
ભારતીય પોલીસ દળની સિરીઝ સાથે તેમના ડિજિટલ ડેબ્યુ વિશે બોલતા, નિર્દેશક-નિર્માતા રોહિત શેટ્ટીએ જણાવ્યું હતું કે “ભારતીય પોલીસ દળ મારા માટે ખૂબ જ ખાસ છે અને હું વર્ષોથી તેના પર કામ કરી રહ્યો છું. હું એમેઝોન પ્રાઇમ વિડિયો સાથે સહયોગ કરીને ખુશ છું. મને આશા છે કે આ સિરીઝ ભાષાકીય અવરોધોને પાર કરશે અને મને વિશ્વભરના પ્રેક્ષકો સમક્ષ ક્ષમતા દર્શાવવાની તક પૂરી પાડશે. હું આ વેબસિરીઝમાં પ્રતિભાશાળી અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. મને વિશ્વાસ છે કે આ સિરીઝ સાથે અમે એક્શન અને એન્ટરટેઈનમેન્ટમાં એક નવો બેન્ચમાર્ક બનાવીશું.”