બોલીવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિસને પટિયાલા હાઉસ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે તેને રૂ. 2 લાખના અંગત બોન્ડ પર જામીન આપ્યા હતા. સાથે જ કોર્ટે એવી શરત મૂકી છે કે અભિનેત્રી કોર્ટની પરવાનગી વિના દેશ છોડી શકશે નહીં. મહાઠગ સુકેશ ચંદ્રશેખરને સંડોવતા 200 કરોડના મની લોન્ડરિંગ કેસની તપાસ દરમિયાન તેનું નામ સામે આવ્યા બાદ જેકલીન ફર્નાન્ડીઝ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી.
અભિનેત્રીને સુકેશ પાસેથી ઘણી મોંઘી ભેટો મળી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેની ચાર્જશીટમાં જેકલીનને આરોપી તરીકે ગણાવી હતી. ઇડીએ જણાવ્યું હતું કે સુકેશે મની લૉન્ડરિંગથી મેળવેલા પૈસાથી અભિનેત્રીને મોંઘીદાટ ભેટો આપી હતી.
જેક્લીને આ કેસમાં જામીન અરજી દાખલ કરી હતી, જેનો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ઇડીએ દલીલ કરી હતી કે જેક્લીન તપાસથી બચવા દેશ છોડીને ભાગી શકે છે.
જેકલીનના જામીનનો વિરોધ કરતા EDએ કહ્યું હતું કે જેકલીને મોજ-મસ્તી માટે 7.14 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. તેની પાસે પૂરતા પૈસા હોવાથી તે બચવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. સુનાવણી દરમિયાન, કોર્ટે કેન્દ્રીય એજન્સીને પ્રશ્ન કર્યો હતો કે તપાસ દરમિયાન જેકલીન ફર્નાન્ડિસની ધરપકડ કેમ કરવામાં નહોતી આવી.
વિશેષ ન્યાયાધીશે કહ્યું હતું કે, “તમે (ED) એલઓસી જારી કરવા છતાં તપાસ દરમિયાન અત્યાર સુધી જેકલીનની ધરપકડ કેમ કરી નથી? અન્ય આરોપીઓ જેલમાં છે તો તમે શા માટે આરોપીઓ માટે અલગ-અલગ માપદંડો મૂકી રહ્યા છો? ” આરોપીની ધરપકડ ન કરવા માટે કારણો હોવા જોઈએ. જેકલીન માટે હાજર રહેલા એડવોકેટે દલીલ કરી હતી કે અભિનેતાની કસ્ટડીની કોઈ જરૂર નથી કારણ કે તપાસ પહેલાથી જ પૂર્ણ થઈ ગઈ છે અને ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. તેથી તપાસ અધિકારીએ તેની ધરપકડ કરી નહોતી.