તબક્કાવાર મુંબઈનો પાણીપુરવઠો થશે પૂર્વવત્
*એકીસાથે આડત્રીસ ઠેકાણે પાઈપલાઈનનું સમારકામ હાથ ધરાયું
* બેતાલીસ વર્ષમાં પહેલી વખત ફિલ્ટરેશન પ્લાન્ટ બંધ રાખવામાં આવ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભાંડુપ કૉમ્પ્લેક્સમાં જળશુદ્ધીકરણ કેન્દ્રમાં વધારાની ૪,૦૦૦ મિલીમીટર વ્યાસની પાઈપલાઈનનું જોડાણ કરવા માટે મુંબઈમાં ૨૪ કલાકનો પાણીપુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે સમય પહેલાં સમારકામ કરનારી પાલિકાને આ વખતે આ કામમાં વિલંબ થતા સાંજે કામ પૂરું થયું હતું. હવે મુંબઈમાં તબક્કાવાર પાણીપુરવઠો પૂર્વવત થશે. જો કે મુંબઈગરાને થોડા દિવસ પાણી ઉકાળીને પીવું પડશે.
નવી ૪,૦૦૦ મિલીમીટર વ્યાસની પાઈપલાઈનને જોડવાનું કામ સોમવાર ૩૦, જાન્યુઆરી, ૨૦૨૩ના સવારથી હાથ ધરવામાં આવ્યું હતું, જે મંગળવારે સવારના પૂરું કરવામાં આવવાનું હતું. આ કામમાં ભાંડુપ કૉમ્પ્લેક્સથી સંબંધિત રહેલી પાઈપલાઈન પર બે ઠેકાણે વાલ્વ બેસાડવાનું, નવી પાઈપલાઈનના જોડાણ સહિત બે જગ્યાએ રહેલાં ગળતરને દૂર કરવાના કામ કરવાના હતા, જેમાં વિલંબ થતા કામ સાંજે પૂરા થયા હતા.
પાણીપુરવઠા ખાતાને સમારકામ દરમિયાન અનેક અડચણો આવી હતી, જેમાં વોટર ટનલ બંધ કરવી, પાણી ખેંચીને બહાર કાઢવું, વાલ્વ બેસાડવા જેવાં કામ પૂરા કરીને ફરી પાઈપલાઈનમાં પાણી છોડીને યોગ્ય દબાણ સાથે યંત્રણા પૂર્વવત કરવાનું પડકારજનક કામ રહ્યા હતા. હંમેશાં પાલિકા તેના કામ નક્કી કરેલી મુદતથી પહેલા જ પૂરી કરી નાંખતી હોય છે. જો કે આ વખતે પહેલી વખત પાલિકાને કામ પૂરું કરવામાં વધુ સમય લાગતા નક્કી કરેલી મુદત ચૂકી ગઈ હતી.
મોટા પાયા પર કામ કરવાના હોવાથી પાલિકાએ મુંબઈના પૂર્વ અને પશ્ર્ચિમ ઉપનગરમાંં પાણીકાપની જાહેરાત કરી હતી. તેથી નાગરિકોમાં પાણીને લઈને ભારે ચિંતા હતી. જો કે મોટા ભાગના વિસ્તારમાં પાણીકાપની એટલી ગંભીર અસર વર્તાઈ નહોતી, તેથી લોકોએ રાહત અનુભવી હતી.
પાલિકાના જણાવ્યા મુજબ તમામ વોર્ડમાં પાણીપુરવઠો તબક્કાવાર પૂર્વવત થશે. જો કે આગામી દિવસો દરમિયાન પાણી ગાળીને અને ઉકાળીને પીવાનું રહશે. તેમ જ ચાર ફેબ્રુઆરી, ૨૦૨૩ સુધી પાણીપુરવઠો ઓછા દબાણ સાથે થશે. તેથી લોકોને સંભાળીને પાણીનો ઉપયોગ કરવાની પાલિકાએ સલાહ આપી છે.
————-
પહેલી વખત એકસાથે ૩૮ કામ હાથ ધરાયાં
મુંબઈ મહાનગરપાલિકાના ભાંડુપ કૉમ્પ્લેક્સમાં જળશુદ્ધીકરણ કેન્દ્ર (ફિલ્ટરેશન પ્લાન્ટ)માં પર્યાયી ૪,૦૦૦ મિલીમીટર વ્યાસની પાઈપલાઈનનું જોડાણ તેમ જ ૨,૪૦૦ અને ૧,૨૦૦ મિલીમીટર વ્યાસના વાલ્વ બેસાડવા, ગળતરના સમારકામ કરવા અને અન્ય નાનાં-મોટાં કામ કરવામાં આવ્યાં હતાં. ભાંડુપ કૉમ્પ્લેક્સમાં આઠ કામ સહિત પશ્ર્ચિમ ઉપનગર અને શહેર વિભાગ મળીને ૩૦ એમ કુલ ૩૮ કામ એક જ સમયે શરૂ હતા. આટલા મોટા પ્રમાણમાં પહેલી વખત મુંબઈમાં આટલા કામ હાથ ધરવામાં આવ્યા હતા.
————–
૪૨ વર્ષમાં પહેલી વખત પ્લાન્ટ બંધ રહ્યો
પાલિકા દ્વારા પાઈપલાઈનને લગતા તમામ કામ કરવા માટે ૪૨ વર્ષમાં પહેલી વખત ભાંડુપના જળશુદ્ધીકરણ કેન્દ્રને ૨૪ કલાક માટે બંધ કરવામાં આવ્યું હતું. આ તમામ કામ પૂરા કરવા માટે અલગ અલગ ટીમ તૈયાર કરવામાં આવી હતી. નોંધનીય છે કે ભાંડુપ કૉમ્પ્લેક્સમાંથી પ્રતિદિન ૧,૯૧૦ મિલિયન લિટર જેટલો પાણીપુરઠો મુંબઈને કરવામાં આવે છે.