ફિટ બોડી-ધ્વનિ શાહ
કેટો ડાયેટ/જીએમ ડાયેટ/લો કેલ ડાયેટ/ તૂટક તૂટક ઉપવાસ/ પ્રવાહી આહાર/ ફળ આહાર/ ઉચ્ચ પ્રોટીન આહાર અને કાર્યો – તમે તે બધું સાંભળ્યું છે – કદાચ એ બધા અજમાવી પણ લીધાં હોય! જ્યારે તમારું લક્ષ સ્વાસ્થ્ય પામવાને બદલે માત્ર કિલોગ્રામ ઓછા કરવાનું હોય, ત્યારે એવો કોઈપણ નવો ટ્રેન્ડ અથવા ટૂંકા રસ્તાઓનું તમને આકર્ષણ થશે, પરંતુ વજન ઘટાડવું અથવા રોગનું નિયમન એ માત્ર કિલો ઘટાડવા કરતા કંઈક વધુ છે.
માનવ શરીર એ ચરબી, સ્નાયુ, હાડકા, પાણી અને પેશીઓનું સંયોજન છે, જેમનું યોગ્ય સ્વાસ્થ્ય અને પ્રમાણ તમારી ફિટનેસનું સ્તર નક્કી કરે છે. વજનનું સંચાલન એટલે માત્ર કિલો ઘટાડવા એમ નથી, પણ તમારા શરીરમાંથી અનિચ્છનીય ચરબી ઘટાડવી તે છે. તમારો દૃષ્ટિકોણ બદલો અને વજન માપવા કરતાં તમારા પેન્ટનું કદ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરો.
તમારા શરીરના પ્રકારને જાણો
તમારા શરીરના પ્રકારને જાણવાથી તમને વ્યક્તિગત આહાર અને જીવનશૈલીને તે અનુરૂપ બનાવવામાં મદદ મળે છે, જે રોગ અને શારીરિક વિકૃતિઓને અટકાવી શકે છે અને માનસિક શાંતિ મેળવી શકાય છે. તે તમને તમારા મૂળભૂત શારીરિક અને મનોવૈજ્ઞાનિક સ્વભાવની અને તેને તમારી આસપાસના વાતાવરણ સાથે સંતુલિત કેવી રીતે રાખવું તેની સમજ આપે છે. આરોગ્ય જાળવવાની આ ચાવી છે.
દરેક માણસમાં સામાન્ય રીતે પ્રકાર ૧, પ્રકાર ૨ અને પ્રકાર ૩ એમ બંધારણ (તાસીર) ની વિવિધ ડિગ્રી હોય છે. જો કે આપણે દરેકમાં તમામ ૩ બંધારણોની અલગ-અલગ ડિગ્રીની લાક્ષણિકતાઓ હોય જ છે, આમાંની એક મૂળભૂત પ્રકૃતિ પ્રભુત્વ ધરાવતી હોય અને તે તમારો “પ્રાથમિક શારીરિક-પ્રકાર ગણાય.
તમારા પ્રાથમિક શારીરિક-પ્રકારને ઓળખવા માટે નીચેની માર્ગદર્શિકાઓનો ઉપયોગ કરો તથા ધ્યાન રાખો અને તંદુરસ્ત જીવનશૈલી જાળવવા માટે જણાવેલ ખોરાક આરોગવાનું ટાળો.
શારીરિક પ્રકાર ૧
આ પ્રકારની વ્યક્તિઓ ખૂબ જ સક્રિય હોય છે – ગતિશીલ, ચંચળ અને મહેનતુ. તેઓ ઝડપી ચયાપચય ધરાવે છે, તેથી મોટાભાગે તેઓ સાંધાઓ પણ દેખાતા હોય તેટલા
પાતળા બાંધાના હોય છે. તેમના સાંધાઓના ઘર્ષણનો અવાજ પણ સાંભળી શકાય અને તેમના સ્નાયુઓ પણ બહુ સુડોળ નથી હોતા. તેમની ત્વચા શુષ્ક, ખરબચડી અને નસો દેખાય તેટલી પાતળી હોય છે.
ઊંઘ, ખાવાનું અને અંગત આદતો અનિયમિત અને અનિશ્ર્ચિત હોય છે, ભૂખ અને જાતીય ઈચ્છા ચરમસીમાઓ સુધી બદલાતી હોય છે. તેમની ઊંઘ ગાઢ નથી હોતી, સરળતાથી ખલેલ પહોંચે છે અને અનિદ્રાની સંભાવના ધરાવે છે. તેમની વાણી અને હિલચાલ સામાન્ય રીતે ઝડપી હોય છે, અને તેઓ વાચાળ હોય છે અને તમામ પ્રકારના સંદેશવ્યવહારનો આનંદ માણે છે. તેમની નાડી ઝડપી, નબળી અને અનિયમિત હોય છે. તેઓ ઠંડા, પવનયુક્ત અથવા શુષ્ક વાતાવરણને નાપસંદ કરે છે અને ઝડપથી ઠંડક અનુભવે છે અથવા સરળતાથી ધ્રુજારી અનુભવે છે. હાથપગ (હાથ અને પગ) ઘણીવાર ઠંડા હોય છે અથવા સરળતાથી ઠંડા થઈ જાય છે.
માનસિક અને ભાવનાત્મક રીતે તેઓ ઝડપી હોય છે. તેઓ માહિતી ભેગી કરવામાં અથવા લાગણીઓ પ્રદર્શિત કરવામાં પણ ઝડપી હોય છે અથવા ઝડપથી નક્કી કરે છે કે તેઓ શું પસંદ કે નાપસંદ કરે છે. તેઓ ઝડપથી શીખે છે અને સામાન્ય રીતે બૌદ્ધિક હોય છે, પણ તેમની સંગ્રહ ક્ષમતા (યાદશક્તિ) નબળી હોય છે. પૈસા ઝડપથી અને આવેગપૂર્વક ખર્ચે છે. તેઓ ઉચ્ચ સર્જનાત્મકતા, નવીનતા અને સંવેદનશીલતા દર્શાવે છે.
ફોકસ ફૂડ લિસ્ટ – સૂંઠ, શરગવાની શીંગ, જવ, નારિયેળનું દૂધ, અખરોટ
ટાળવા જેવો ખોરાક – કઠોળ, માંસ, સીફૂડ
શારીરિક પ્રકાર ૨
આ પ્રકારની વ્યક્તિઓનું શરીર મધ્યમ બાંધાનું પણ વધુ સ્નાયુબદ્ધ હોય છે. તેમની ત્વચા નરમ અને ગરમ હોય છે, અને તેમના શરીરમાં ઘણી ગરમી હોય છે અને ઘણી વખત વધારે પડતો પરસેવો થાય છે. તેમના વાળ પાતળા અને ઘણીવાર લાલ કે બ્લોન્ડ હોય છે અને તેઓ વાળ અકાળે સફેદ થવા, ટાલ પડવી અથવા વધુ પડતા વાળ ખરવાનો અનુભવ કરી શકે છે. તેમની ત્વચા આસાનીથી લાલ થઇ જાય છે અને તેમની ત્વચા પણ ઘણી વાર ડાઘ અને તલ હોય છે. તેમની ત્વચા પર ખીલ, ફોલ્લીઓ, ઉઝરડા અથવા સનબર્ન સરળતાથી થઇ આવે છે.
તેમની ઇચ્છાઓ (ભૂખ, જાતીય) પ્રકૃતિમાં સબળ હોય છે. ઊંઘ મધ્યમ અને સરળતાથી ખલેલ પહોંચતી નથી. પલ્સ બળવાન અને સ્થિર હોય છે. આ પ્રકારની વ્યક્તિઓ મોટેથી અને જુસ્સાથી બોલે છે, અને ઘણીવાર વાતચીત પર પ્રભુત્વ ધરાવે છે. તેઓ ગરમ હવામાન, સૂર્યપ્રકાશ અને ગરમી પ્રત્યે અણગમો ધરાવે છે અને તેમની આંખો સંવેદનશીલ હોય છે.
સ્વભાવમાં, તેઓ બહિર્મુખ હોય છે અને આકર્ષણનું કેન્દ્ર બનવું તેમને ગમે છે. તેઓ સામાન્ય રીતે તેમની લાગણીઓને નિયંત્રિત કરી શકે છે, પણ તેઓ તાણ હેઠળ ચીડિયાપણું, ક્રોધ અને નિર્ણયાત્મક બની શકે છે. પૈસાનું સમજદારીપૂર્વક નિયોજન કરે છે. તેઓ નિર્ણાયક, આક્રમક, મહત્ત્વાકાંક્ષી અને મક્કમ હોય છે, ઘણીવાર નેતૃત્વના હોદ્દાના મહત્ત્વાકાંક્ષી હોય છે. તેઓ દર્શકો અથવા સહભાગીઓ તરીકે સ્પર્ધાત્મક ખેલ અને રમતોનો આનંદ માણે છે. તેમની બુદ્ધિ ઉચ્ચ હોય છે, અને તેઓ સારી સમજ અને ભેદભાવની તીવ્ર ભાવના ધરાવતા હોય છે.
ફોકસ ફૂડ લિસ્ટ – ફુદીનો, જીરું, ચોખા, સ્પ્રાઉટ્સ, સફરજન, બેકડ છાલવાળા બટાકા
ટાળવા જેવો ખોરાક – લીલું મરચું, દૂધ, ચા, કૉફી, ચોકલેટ
શારીરિક પ્રકાર ૩
આ પ્રકારની વ્યક્તિઓ શરીરથી ભારે અને નક્કર, અથવા વિશાળકાય ધરાવે છે. તેઓ ઘણીવાર વધારે વજન ધરાવતા હોય છે; તેમનું વજન સરળતાથી વધે છે અને સ્નાયુ વિકાસ (ભરાવદાર અને ગોળાકાર) વધુ હોય છે. તેમની ત્વચા થોડી કરચલીઓ સાથે જાડી, સરળ અને ભીનાશ વાળી હોય છે. તેમનો રંગ સામાન્ય રીતે સ્પષ્ટ, ગોરો અથવા નિસ્તેજ હોય છે અને વાળ તેલયુક્ત, જાડા અને લહેરાતા હોય છે. તેમના દાંત મજબૂત, સફેદ અને સારી રીતે ગોઠવાયેલા હોય છે.
તેમની ભૂખ મધ્યમ અથવા ઓછી અને પાચન ધીમું હોય છે. તેઓ ચટાકેદાર અથવા વૈભવી ખોરાક પસંદ કરે છે (સ્વાદ અને ગંધનું આકર્ષણ હોય છે) અથવા ખોરાક ખરીદવા અને બનાવવાનું ગમે છે. હલનચલન અને પ્રવૃત્તિમાં, તેઓ અથાક, ધીમા અને પદ્ધતિસર હોય છે. જો કે, તેઓ સુસ્ત અને આળસુ અથવા પ્રોત્સાહિત કરવા મુશ્કેલ હોય છે. તેઓ ભારે અને અતિશય ઊંઘની સંભાવના ધરાવે છે. તેમની પલ્સ ધીમી, સ્થિર અને નિયમિત હોય છે. તેઓ એક સુખદ દેખાવ અને અવાજ ધરાવે છે અને ભેજવાળીસ્થિતિને નાપસંદ કરે છે.
સ્વભાવમાં, તેઓ પરિચિત વાતાવરણ અને પરંપરાને પસંદ કરે છે. તેઓ ધીમે ધીમે શીખે છે, પરંતુ તેમની યાદશક્તિ ઉત્તમ હોય છે. નાણાંનો સંગ્રહ કરનારા હોય છે (અથવા તેઓ કરકસરવાળા છે) અને તેઓ સારા, સ્થિર પ્રદાતાઓ છે. સામાન્ય રીતે, તેઓ સ્વસ્થ અને શાંત હોય છે અને તેઓ જલ્દી ઉત્તેજિત થઇ જતા નથી. જો કે, તેઓ લાગણીશીલ, નોસ્ટાલ્જિક અને રોમેન્ટિક પ્રકૃતિના હોઈ શકે છે. તેઓ અત્યંત સહનશીલ અને ક્ષમાશીલ, મધ્યમ બુદ્ધિવાળા હોય છે. તેઓ જૂથ, ક્લબ અથવા સમુદાય સાથે જોડાયેલા રહેવાનું પસંદ કરે છે. તેઓ તેમના કુટુંબ અથવા પરિચિતો વચ્ચે રહેવાનું પસંદ કરે છે.
ફોકસ ફૂડ લિસ્ટ – કેરમ સીડ્સ, પાંદડાવાળાં શાકભાજી, ખાટાં ફળો, બાજરી, સ્પ્રાઉટ્સ
ટાળવા જેવો ખોરાક – ઘઉં, ચરબીયુક્ત ખોરાક, કેળા
તમે તમારા મૂળભૂત સ્વભાવ અથવા શારીરિક પ્રકૃતિને બદલી શકતા નથી. દાખલા તરીકે, જો તમે પ્રકાર ૩ના ગુણો પ્રાપ્ત કરવા માગતા હો, તો તમે ઘણાં પાંદડાવાળાં શાકભાજી અથવા કેરમ બીજ ખાઈને તેવું કરી શકતા નથી. આમ કરવાથી, તમે ફક્ત તમારા પ્રાથમિક બંધારણને ખલેલ પહોંચાડશો. સકારાત્મક ગુણો પ્રાપ્ત કરીને અને નકારાત્મક સ્વભાવનાં લક્ષણોને ઘટાડીને તમારા સ્વભાવને બદલવો એ મનની ભૂમિકા છે, શરીરની નહીં.
જ્યારે તમે સ્વસ્થ હો, ત્યારે તમે સામાન્ય રીતે તમારા પોતાના શરીરની મૂળભૂત પ્રકૃતિ પ્રમાણેના ખોરાક અને પ્રવૃત્તિઓ પ્રત્યે સહજપણે આકર્ષિત થાઓ છો. જ્યારે તમે બીમાર હો અને તત્ત્વો અસંતુલિત હોય, ત્યારે તમે પ્રકૃતિની વિરુદ્ધ એવા ખોરાક તરફ આકર્ષિત થાઓ છો. ઉદાહરણ તરીકે, જો તમે શરદી, અથવા છાતીમાં ભરાવાથી (ટાઈપ-૩ માં અસંતુલનને કારણે) પીડાતા હો, તો તમે સામાન્ય રીતે એવા ખોરાકને ટાળવાનું પસંદ કરો છો જે બંધારણને વધુ ખરાબ કરે છે જેમ કે ડેરી ઉત્પાદનો, અથવા ભારે અને તેલયુક્ત ખોરાક.
તમારા શરીરના પ્રકારને જાણવું, તમને અનુકૂળ હોય તેવા ખોરાકનો સમાવેશ કરવો એ સારું સ્વાસ્થ્ય જાળવવાની એક નિશ્ર્ચિત રીત છે!