મુંબઈઃ દસમા અને બારમા ધોરણની પરીક્ષા આપના વિદ્યાર્થીઓ માટે આજે મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે અને આ નવા અપડેટેડ સમાચાર પ્રમાણે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈને દસમા અને બારમા ધોરણના વિદ્યાર્થીઓને હવે વધારાની દસ મિનિટ આપવામાં આવશે.
આ પહેલાં દસમા અને બારમા ધોરણની પરીક્ષા વખતે વિદ્યાર્થીઓને દસ મિનિટ પહેલાં પેપર આપવામાં આવતું હતું, જેથી તેઓ શાંતિથી પ્રશ્નપત્ર વાંચીને બાદમાં જવાબ લખી શકે. પરંતુ આ જ સમયગાળા દરમિયાન પેપર લીક થવાની ઘટનાઓ વધવા લાગતા બોર્ડ દ્વારા આ પરીક્ષાના સમયે જ પેપર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ બોર્ડના આ નિર્ણયને કારણે વિદ્યાર્થીઓને સમય ઓછો પડશે એવી દલીલ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ દ્વારા કરવામાં આવી હતી.
આખરે હવે વાલીઓ અને વિદ્યાર્થીઓની આ માગણીને ધ્યાનમાં લઈને બોર્ડે વિદ્યાર્થીઓને 10 મિનીટનો સમય વધારીને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સંદર્ભે બોર્ડ દ્વારા સુધારિત પરિપત્રક બહાર કાઢીને નવી જાહેરાત કરવામાં આવી છે. એટલે હવે જો પરીક્ષાનો સમય સવારે 11થી બપોરે 2 વાગ્યા સુધીનો હોય તો નવો સમય સવારે 11થી બપોરે 2.10 કલાક સુધીનો હશે.
લોકડાઉન બાદ પહેલી જ વખત ઓફલાઈન પરીક્ષા લેવાઈ રહી છે. છેલ્લાં બે વર્ષથી કોરોના દરમિયાન જાહેર કરવામાં આવેલા લોકડાઉનમાં દસમા અને બારમા ધોરણની પરીક્ષા ઓનલાઈન પદ્ધતિથી લેવમાં આવી હતી. પરંતુ આ વર્ષે કોરોના બાદ પહેલી જ વખત ઓફલાઈન એક્ઝામ લેવાઈ રહી છે ત્યારે કોપી કરનારાઓ પર કડક વોચ રાખવાના અને કોઈ પણ પ્રકારના અનુચિત બનાવો ન બને એની તકેદારી રાખવાનો આદેશ પણ બોર્ડ દ્વારા આપવામાં આવ્યો છે.