અમદાવાદ: ગુજરાત શિક્ષણ બોર્ડે માપદંડોના આધારે ૬૮ નવી શાળાને મંજૂરી આપી છે. બોર્ડ સમક્ષ ચાલુ વર્ષે નવી શાળાઓ શરૂ કરવા માટે કુલ ૨૩૪ અરજી કરવામાં આવી હતી. મંજૂર થયેલી શાળાઓમાંથી મોટાભાગની અંગ્રેજી માધ્યમની શાળાઓ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સમક્ષ ચાલુ વર્ષે રાજ્યભરમાંથી ૨૩૪ જેટલી નવી ખાનગી માધ્યમિક શાળાઓ શરૂ કરવા માટેની અરજી વિવિધ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. નવી ખાનગી માધ્યમિક શાળાઓને મંજૂરી માટેની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જેમાંથી ૬૮ અરજીઓ મંજૂર કરવામાં આવી છે, જ્યારે ૧૬૬ અરજીઓને ફગાવી દેવામાં આવી છે. નવી મંજૂર કરવામાં આવેલી શાળાઓમાંથી ગુજરાતી માધ્યમની ઓછી છે, જ્યારે અંગ્રેજી માધ્યમનની સૌથી વધારે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે ગુજરાત બોર્ડ દ્વારા નવી શાળાઓ શરૂ કરવા માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા કરવામાં આવે છે અને વિવિધ દસ્તાવેજો અને માપદંડોને આધારે શાળાને મંજૂરી આપવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે ૬૮ શાળાને મંજૂરી અપાઈ છે.